શું આવ્યું ગુજકેટ નું રીઝલ્ટ ?? જાણો…

gujcat exam result declare

૧૦મેના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરીણામ જાહેર: ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

‘એ’ ગ્રુપના ૧૩૪૦ અને ‘બી’ ગ્રુપના ૧૩૧૨ વિદ્યાર્થીઓને ૯૮થી વધુ પીઆર: ૯૬થી વધુ પીઆર મેળવનાર એ ગ્રુપના ૨૭૧૨ અને બી ગ્રુપના ૨૬૫૬ વિદ્યાર્થીઓ ઝળકયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦મી મેના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું આજે પરીણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું છે. જેમાં ૯૯ થી વધુ પીઆર મેળવનાર એ ગ્રુપના ૬૬૫ વિદ્યાર્થીઓ અને બી ગ્રુપના ૬૬૨ વિદ્યાર્થીઓ ઝળકયા છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦મી મેના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં એ ગ્રુપમાં ૬૭૩૨૦ અને બી ગ્રુપના ૬૬૪૪૪ સહિત કુલ ૧૩૪૧૮૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી એ ગ્રુપના ૬૬૪૭૩ અને બી ગ્રુપના ૬૫૫૪૨ સહિત કુલ ૧,૩૨,૩૯૧ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ગુજકેટની પરીક્ષા આપી હતી. જેનું આજે સવારે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

વિદ્યાર્થીઓને ગુજકેટની માર્કશીટ પણ પરીણામના દિવસે જ એટલે આજે આપી દેવાય તેવું પણ શિક્ષણ બોર્ડે આયોજન કર્યું છે. બોર્ડ દ્વારા ડિગ્રી એન્જીનીયરીંગ અને ડિગ્રી ડીપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં રાજયભરમાંથી ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પરીણામ પહેલા જ એક માર્ક મળી ગયો છે. જયારે બાયોલોજીમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને એક માર્ક બોર્ડ દ્વારા અપાયો છે.

રાજયમાં લેવાયેલી ડિગ્રી એન્જીનીયરીંગ અને ડિગ્રી ડીપ્લોમાં ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે અત્યાર સુધી જે.ઈ.ઈ. મેઈનની પરીક્ષા લેવાતી હતી પરંતુ રાજય સરકાર દ્વારા હવે ગુજકેટની પરીક્ષા અમલમાં મુકાતા આ વર્ષે પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેનું આજે પરીણામ જાહેર થતા ૯૯થી વધુ પીઆર મેળવનાર એ ગ્રુપના ૬૬૫ અને બી ગ્રુપના ૬૬૨ વિદ્યાર્થીઓ ઝળકયા છે. જયારે ૯૮થી વધુ પીઆર મેળવવામાં એ ગ્રુપના ૧૩૪૦ અને બી ગ્રુપના ૧૩૧૨ વિદ્યાર્થીઓ છે. ૯૬થી વધુ પીઆર એ ગ્રુપના ૨૭૧૨, બી ગ્રુપના ૨૬૫૬ વિદ્યાર્થીઓને મળ્યો છે. ૯૨થી વધુ પીઆર એ ગ્રુપના ૫૩૫૧ બી ગ્રુપના ૫૨૯૩ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે. ૯૦થી વધુ પીઆર એ ગ્રુપના ૬૭૦૦ અને બી ગ્રુપના ૬૫૯૦ છાત્રોને પ્રાપ્ત થયો છે.

રાજયભરમાંથી ૩૪ જેટલા પરીક્ષા કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવીઝનલ આઈસર કી પણ જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં ફીઝીકસ કેમેસ્ટ્રીના પેપરમાં એક પ્રશ્ર્નની ભુલ હોવાથી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને તે પ્રશ્ર્ન માટેનો એક માર્ક આપવાનો બોર્ડે નિર્ણય લીધો હતો. જયારે બાયોલોજીમાં અંગ્રેજી માધ્યમના પેપરમાં એક પ્રશ્ર્નમાં ભુલ હોવાથી આ માધ્યમના તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નકકી કરાયું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ગુજકેટનું પરીણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

ગુજકેટમાં ૧૭૯૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

૧૦ મે ૨૦૧૭ના રોજ રાજકોટ સહિત રાજયભરમાં લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ડિગ્રી એન્જીનીયરીંગ અને ડિગ્રી ડીપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે અતિમહત્વની ગણાતી આ પરીક્ષામાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એ ગ્રુપના ૮૪૭, બી ગ્રુપના ૯૦૨ અને એબી ગ્રુપના ૪૬ વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૭૯૫ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં ગેરહાજર રહેતા તેઓના પરીણામ પણ બાકી રખાયા હોવાનું જાણવા મળ્યું છે.