ગુણવંતી ગુજરાતી…. અમરેલીના ડિરેક્ટર પાન નલીનના જીવનથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ભારત તરફથી ઓસ્કર માટે નોમિનેટ

હાલ ગુજરાતી ફિલ્મો ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો બનાવી રહી છે. ગુજરાતી ફિલ્મો હાલ દર્શકોને આકર્ષે છે અને કોઈ પણ વર્ગ જોઈ શકે તેવી પારિવારિક ફિલ્મો, એક્શન, થ્રીલર, લવ સ્ટોરી, કોમેડી, હોરર કોમેડી, સસ્પેન્સ જેવી ફિલ્મો ઢોલીવુડમાં બનવા લાગી છે ત્યારે ગુજરાતના ફિલ્મ મેકરો અને ગુજરાતની જનતા માટે ગૌરવ લેવા જેવી પળ આવી છે. આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે ભારત તરફથી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ મોકલવામાં આવી છે.

લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ માટે ભારતમાંથી કઈ ફિલ્મ સત્તાવાર રીતે મોકલવામાં આવશે. RRR, The Kashmir Files વગેરે ફિલ્મોની આ યાદીમાં ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે હવે ભારત સરકાર દ્વારા ‘છેલ્લો શો’ ફિલ્મ મોકલવાની જાહેરાત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરમાં રિલીઝ થવાની છે.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે.

આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

અમરેલીના ફિલ્મ ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી પ્રેરિત છે ફિલ્મ

 • અન્ય રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મના મોટા ભાગની વાર્તા ફિલ્મના ડિરેક્ટર પાન નલિનના જીવન પરથી છે. જેમનો જન્મ સૌરાષ્ટ્રના અડતાલા ગામમાં થયેલો છે.

 • ગામડાના સ્થાનિક 6 બાળકોને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના રેલ્વે સ્ટેશન અને ગામડાઓમાં થયું છે. ફિલ્મની વાર્તાને રિયલ લૂક આપવા માટે જૂના સિનેમા પ્રોજેક્ટર્સની પણ ખરીદી કરવામાં આવી હતી. કોરોના પહેલા (માર્ચ 2020) આ ફિલ્મનું શૂટિંગ થયું હતું પરંતુ મહામારીને કારણે પોસ્ટ પ્રોડક્શન આ ફિલ્મનું બાકી હતું.
 • આ ફિલ્મમાં વાત ગામડાની કરવામાં આવી છે. વાત છે ફિલ્મમાં ૯ વર્ષનો બાળકને ફિલ્મનું ઘેલું લાગે છે. થિયેટરમાં પહેલી ફિલ્મ જોઇને સિનેમાની જાદુઇ સૃષ્ટિના પ્રેમમાં પડે છે. માતા-પિતા ચિંતા વ્યક્ત કરે છે. પરંતુ બાળકએ દુનિયામાં ખોવાઈ ગયું હોય છે. આ ફિલ્મમાં બાળક સમય દ્વારા એટલે કે (ભાવિન રબારી) દ્વારા એક ખુબ જ સરસ વાક્ય કહેવામાં આવ્યું છે કે “મારે પ્રકાશ ભણવો છે… પ્રકાશમાં જ વાર્તા મળે અને વાર્તામાં જ ફિલ્મ…”આ ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો ડિજિટલ ક્રાંતિની વાત કરે છે જે ભાવનાત્મક રીતે પણ  બનાવાયેલી છે.

  ફિલ્મના કલાકારો
  ભાવિન રબારી (સમય)
  ભાવેશ શ્રીમાળી (ફઝલ)
  રિચા મીના (બા – સમયની માતા)
  દિપેન રાવલ (બાપુજી – સમયના પિતા)
  પરેશ મહેતા (સિનેમા મેનેજર)