શિષ્ય ‘ડો.આંબેડકર’ પાછળ ગુરૂ ‘ગાડગેબાબા’એ પ્રાણ ત્યજ્યા

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે ના ભેદ

ગુરુ બિન સંશય ના મીટે ભલે વાંચો ચારો વેદ

અષાઢ સુદ પુર્ણીમા જેને હિન્દુ ધર્મશાસ્ત્રો વ્યાસ પુર્ણીમા કે નાળીયેરી પુર્ણીમા તરીકે ઓળખાવે છે.એ પરમ પવિત્ર દિવસને હિન્દુ સમાજ ગુરુપુર્ણીમા તરીકે પુજે છે.દરેકના જીવનમાં ચડતી-પડતી , કષ્ટો , પીડાઓ અને દુ:ખદ ઘટનાઓ આવે છે.ત્યારે એ વ્યકિત કે સમાજને જે સાચો રાહ બતાવી અંધકાર થી પ્રકાશ તરફ ગતિ કરાવે એ જીવનનૈયાના નાવીક એટલે ગુરુ. સર્વ સામાન્ય સમજ અનુસાર જ્યારે બાળક નાનુ હોય અને શાળાએ બેસાડવામાં આવે ત્યારે પ્રથમવાર અક્ષરજ્ઞાન આપે એ ગુરુ .ત્યાથી લઇ એ યુવાન બને ત્યાં સુધી એમને જે-જે વ્યકિત શિક્ષીત-દિક્ષીત થઇ જીવનનાં અંતિમ શ્ર્વાસ સુધી હરપલ હરઘડી મનુષ્યને કોઇ જ્ઞાત કે અજ્ઞાત , દ્રશ્ય કે અદ્રશ્ય શક્તિ સતત જીવનને આધ્યાત્મિક ઉંચાઇ તરફ લઇ જવા માટે પ્રેરણા આપતી રહે છે , તે ગુરુ છે.

ગુરુ દત્તાત્રેયને પૃથ્વી,અગ્નિ ,પાણી , આકાશ ,વાયુ , સુર્ય , ચંદ્રમા , કબુતર , અજગર , હાથી , હરણ , માછલી , સાપ , કરોળીયો , નાનુબાળક એમ કુલ ચોવીસ ગુરુઓ હતા.જેમાંથી તેઓ કંઇક શીખ્યા હતા.ભગવાન કૃષ્ણ પણ ગુરુજ્ઞાન મેળવવા સાંદિપનીરુષીના આશ્રમે રહ્યા.તો ભગવાન રામ ને વિશ્ર્વામીત્ર અને કુલગુરુ વસિષ્ઠ.ભગવાન કૃષ્ણએ તો યુદ્ધના મેદાનની વચ્ચે શિષ્ય અર્જુનને ભગવદ ગીતાના સ્વરુપમાં 18 અધ્યાયનું જ્ઞાન આપ્યુ જે આજે પાંચ હજાર વર્ષ થયે પણ યથાર્થ છે.એટલે જ તો કૃષ્ણં વંદે જગદગુરુ કહેવાયા.શંકરાચાર્ય પરંપરામાં આદિ જગતગુરુ શંકરાચાર્ય જેણે સમગ્ર ભારતવર્ષની પરિક્રમમા કરી ભારતવર્ષને એક તાંતણે બાંધવા માટે ચાર મઠોની સ્થાપના કરી.ભારતવર્ષમાં આ આધ્યાત્મીક શક્તિઓએ ન માત્ર ધાર્મિક પરંતુ સામાજીક ઉદ્ધારના કાર્યો સ્વયંના આચરણથી સમાજને પથદર્શન કરાવ્યુ.પછી એ રામાનુજાચાર્ય હોય , રામનંદ સરસ્વતિ , શિખગુરુ પરંપરા , સંત કબીર થી લઇ સ્વામી વિવેકાનંદ . દરેકે સમાજમાં ફેલાયેલા ઉંચ-નિચ , જાતિ-પાતિ , જડતા , અંધશ્ર્દ્ધા ના નિર્મુલન માટે જીવંત પર્યંત કાર્ય કર્યુ.

વિસમી સદ્દીની શરુઆતમાં સમાજ સુધારણા અને દલીતોના સામાજીક-ધાર્મિક -રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉદ્ધારનું જેમણે અદ્વીતિય કાર્ય કર્યુ એવા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડો.ભીમરાવ રામજી આંબેડકર.આમ તો એમની મુળ અટક સકપાલ , પરંતુ આગળ જતા એમની આ અટક એમની દલીત જાતિ ઉજાગર કરશે તો આ બાળકે સામાજીક ભેદભાવનો ભોગ બનવુ પડશે.એમની હાઇસ્કુલમાં એક બ્રાહ્મણ શિક્ષક અટકથી આંબેડકર હતા.તેઓ ભીમને ખુબ ચાહતા હતા.એમના ભોજન,કપડા ઇત્યાદિની વ્યવસ્થા કરતા તેમણે એમની બ્રાહ્મણ અટક ’આંબેડકર’ ભીમરાવને આપી દીધી અને સ્કુલના રજીસ્ટરમાં આ અટક ચડાવી દીધી જેમના પ્રત્યે બાદમાં ડો.ભીમરાવને અનન્ય અનુરાગ જીવનભર રહ્યો.બીજા ગુરુ મળ્યા મુંબઇની વિલ્સન કોલેજના મદદનીશ શિક્ષક શ્રી કૃષણજી અર્જુન કેળુસ્કર , તેઓ મરાઠી લેખક અને સમાજ સુધારક પણ હતા.બગીચામાં વાંચવા માટે ભેગા થઇ જતા બંન્ને ગુરુ-શિષ્યોમાં ગુરુ શ્રી કૃષ્ણાજીને ભીમરાવ પ્રત્યે એટલી લાગણી કે તેમના પુસ્તક , વાંચન , ટીફીન વગેરેની તો વ્યવસ્થા કરતા જ.પરંતુ જયારે ભીમરાવને વિદેશ જવાનુ થયુ ત્યારે વડોદરાના મહારાજા સયાજીરાવ પાસેથી આગળ વિદેશ ભણવા માટે સ્કોલરશિપની પણ એમણે વ્યવસ્થા કરાવડાવી.જયારે જયારે ભીમરાવને આર્થિક મુશ્કેલીઓ પડી ત્યારે એમની બાજુમાં ઉભા રહ્યા.

હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર પ્રથમ ગુરુ તો માતા-પિતા જ હોય છે.એમ અહીં પણ ભીમરાવ છ વર્ષના હતા ત્યારે માતાના દેહાંત પછી પિતા રામજી સકપાલે એક ગુરુની ભાંતી તેમનામાં રાષ્ટ્રીયતા – ધાર્મિકતા – સચ્ચાઇ – નિષ્ઠા અને અડીગ નિષ્ઠાના ગુણોનું સિંચન કર્યુ.સાથે મરાઠી ભાષાના અભંગોનું નિત્ય પઠન દ્રારા એમની ભાષા પરની પક્કડ મજબુત બનાવવામાં સહાયક થયા.સકપાલ પરિવાર કબીરપંથી હોવાના લીધે હંત કબીર પ્રત્યે પુરા પરિવારની ભક્તિ અનન્ય હતી.કાલાંતરે સંત કબીરને તેઓએ ગુરુ તરિકે ધારણ કર્યા.સમયાંતરે જેમ જેમ બાબાસાહેબનું ચિંતન વ્યાપક બન્યુ ત્યારે તેઓ કહેવા લાગ્યા કે શુન્યથી પ્રારંભ મેં નથી કર્યો પરંતુ મારા પહેલા આ ભગીરથ કાર્યનો મહાત્મા જયોતિબા ફુલેએ પ્રારંભ કર્યો છે.જે બાદમા એમનું પણ લક્ષ્ય બનતા બીજા ગુરુ તરીકે એમણે મહાત્મા જયોતિબા ફુલેને ગુરુ માન્યા.જીવનની અંતિમ પળોમાં તેઓએ સહન કરેલા અન્યાય અને અમાનુષી ત્રાસરુપ ભેદોને સહન કર્યા પછી તેઓ કહેતા હું જન્મે અવશ્ય હિન્દુ છું , પરંતુ હિન્દુ ધર્મમાં હું અંતિમ શ્ર્વાસ નહી લઉં.

અનેક વિધર્મોનું પ્રલોભન હોવા છતા અંતે તેઓ હિન્દુધર્મનો અભિન્ન અંગ એવા પ્રેમ અને શાંતિનો સંદેશ આપતા ’બુદ્ધમ શરણમ્ ગચ્છામી ’ થયા અને ભગવાન બુદ્ધને તેઓએ ગુરુ તરીકે સ્વીકૃત કર્યા. બાબાસાહેબ પ્રકાંડ વિદ્વાન હતા,બૌદ્ધિકોમાં શિરમોર હતા , ઇંન્ટલએકચ્યુઅલ હતા પરંતુ આ બધાની વચ્ચે કરુણામયી અને ભાવુક પણ એટલા હતા.પરંતુ આ બધાની વચ્ચે એ સમયે એવુ કોઇ જીવંત વ્યકિત ના મલ્યુ જેમને તેઓ ગુરુ તરિકે સ્વીકારી શકે.સંત કબીર , મહાત્મા ફુલે કે ભગવાન બુદ્ધ આ બધા સ્થુળ શરિરે ઉપલબ્ધ ન હતા.ઇતિહાસના આ ત્રણ મહાનત્તમ વ્યકિતઓને તેમણે અંતરમન થી ગુરુ તરીકે ધારણ કરેલા.જે સ્થુળ શરિરે ઉપલબ્ધ ન હોવા છતા તેમને સ્થુળ શરિરધારી માની અને બાબાસાહેબ નિત્ય એમના પથ પર ચાલ્યા.પરંતુ એમની આ ઇચ્છા પુરિ થઇ જયારે એમનો મિલાપ સંત ગાડગે મહારાજ સાથે ભેટ થઇ.

પ્રગટરુપમાં બંન્નેએ એકબીજાને ગુરુ-શિષ્ય તરિકે ઘોષિત કયારેય ઘોષિત ન કર્યા.પરંતુ એકબીજા પ્રત્યે પ્રિતિ અને સન્માન,આદરનો ભાવ હંમેશા ગુરુ-શિષ્ય જેવા જ રહ્યા.આમ બાબાસાહેબના જીવનમાં એકમાત્ર વ્યકિત સંત ગાડગે બાબા જ એવા હતા જેમને તેમના જીવંતગુરુ કહી શકાય.જીવનમાં પ્રથમવાર 12 જુલાઇ , 1949 ના પરમ પવિત્ર દિને બાબાસાહેબે પંઢરપુર ખાતે સંત ગાડગે બાબાના દર્શન કર્યા.આ અવસરે ગાડગે બાબાએ ડો.આંબેડકરનું જાહેર અભિવાદન કર્યુ અને એમને મરાઠી અભંગ સંભળાવ્યા.બાબાસાહેબ ગાડગે બાબાના સામાજીક આંદોલનોથી અત્યંત પ્રભાવીત હતા અને આ વિષે બંન્નેની મુલાકાતોનું વિવરણ ઉપલબ્ધ છે.રજક અથવા શ્રીવાસ અથવા કનોજીયા સમાજ અન્ય પછાત જાતિ અંતર્ગત આવે.ગાડગે બાબા આ સમાજમાંથી આવતા હોય તેમના ભકતો તમામ સમાજમાંથી હતા.પંઢરપુર જયાં સંત જ્ઞાનેશ્ર્વરનું સમાધી સ્થાન આવેલુ છે.આણંદિ થી પ્રતિવર્ષ ત્યાં યાત્રા આવે છે જેમા હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે.જયાં અછુતોને નિવાસની કોઇ સુચારુ વ્યવસ્થા ન હતી.ગાડગે મહારાજે ત્યાં અછુતો માટે ધર્મશાળા બનાવી.રોચક વાત એ હતી કે ગાડગે બાબા પંઢરપુરમાં રહેતા હોવા છતા કયારેય વિઠ્ઠલનાં દર્શને ન જતા પરંતુ યાત્રાળુઓના માર્ગની હંમેશા સફાઇ કરતા.બાબાના લાખો અનુયાયીઓ આ કાર્યમાં મદદ કરતા અને ધર્મશાળામાં કોઇ ભેદ વગર બધાની રહેવાની વ્યવસ્થા થતી.આ ધર્મશાળાઓ એમણે બાબાસાહેબના સામાજીક પ્રકલ્પો માટે પિપલ એજ્યુકેશન સોસાયટીને સમર્પિત કરેલી.આ વિષેના એક પ્રસંગમાં કહે છે : ગાડગે બાબાએ અનુયાયીઓને પુછયુ તમે ભગવાન જોયો છે ? બધા ના કહેતા ત્યારે ગાડગે બાબા ડો.આંબેડકરના ખભે હાથ રાખી કહેતા આ તમારો ભગવાન છે.જેમને તમારા ઉદ્ધાર માટે ભગવાને મોકલ્યા છે.જેનાથી પ્રેરાઇ અને ભકતો એ બાબાસાહેબને શ્રદ્ધાના ઉચ્ચ શિખરો પર બેસાડયા.બાબા સાહેબ કહેતા જયોતિબા ફુલે પછીના ગાડગેબાબા મહાન સંત છે.ગાડગે બાબા વિષે લખેલા એક પુસ્તકમાં ડો.વિમલકીર્તી લખે છે : તત્કાલીન સમયનાં ઘણા નેતાઓ સાથે બાબાના જીવંત સંપર્કો હતા.પરંતુ આ બધામાં ડો.આંબેડકર સાથે એમનો સંબંધ અનન્ય હતો.બંન્ને એકબીજાને અનેકો વાર મળી અને સંવાદ કરતા , બંન્ને એકબીજાના કાર્યોના પ્રશંસક હતા.ગાડગેબાબા બીમારીના સમયે મુંબઇ ના દાદર સ્થિત ડો.મહિજનને ત્યાં દાખલ હતા.મહિનન્દ સ્વામીએ તત્કાલીન કાયદામંત્રી ડો.આંબેડકરને જણાવ્યુ.ત્યારે બાબાસાહેબની દિલ્હી માટે ટ્રેન હતી.તો પણ એની ચિંતા વગર ગાડગેબાબાની ખબર પુછવા મહાનંદસ્વામી સાથે દવાખાને ગયા.બાબાસાહેબને આવેલા જોઇ ગાડગેબાબા પથારી માંથી બેઠા થઇ ગયા અને પુછવા લાગ્યા , તમે શું કામ આવ્યા ? તમારી પ્રત્યેક પળ કિંમતી છે.હું ફકીર છું અને આપ મોટા મંત્રી છો.ડો.આંબેડકર બોલ્યા : અમારો મંત્રી તરીકે બે દિવસનો અધીકાર છે કાલે ના પણ હોઇએ પરંતુ આપનો અધીકાર અમર છે.જયારે બૌદ્ધ ધર્મ સ્વીકારવાની વાત આવી ત્યારે ડો.આંબેડકરે આ વિષયક મુંબઇના કોલાબામાં ગાડગેબાબા સાથે આ વિષયક ચર્ચાઓ કરી કહ્યુ : બાબા હું મારા અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની શરણમાં જવા ઇચ્છુ છું , નાગપુરમાં દિક્ષાનો કાર્યક્રમ છે , આપ આશિર્વાદ આપો.બાબાએ શુભકામના આપી.ગાડગે બાબાના સુપુત્ર હરિનારાયણે વર્ણવ્યા મુજબ ગાડગે બાબા પોતાના અનુયાયીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર રહેવા ઇચ્છતા હતા પણ તબિયતે સાથ ન દીધો.ગાડગેબાબા ઉંમરમાં ડો.આંબેડકરથી ઉંમરમાં પંદર વર્ષ મોટા હતા.છુઆછુતથી ત્રાસી ડો.આંબેડકરે જયારે ધર્મ બદલવાનો નિર્ણય કર્યો ત્યારે ગાડગેબાબાએ કહ્યુ :બાબાસાહેબ આપનો નિર્ણય સાચો જ હશે , દલીત-પિડીતના હિતનો હશે , પરંતુ જે પણ ધર્મ પસંદ કરો એ ભારતિય મુળનો હોવો જોઇએ ,જેનાથી ભારતિયો સુરક્ષીત રહે.અને આથી જ બાબાસાહેબે બૌદ્ધ ધર્મ સ્વીકારી રાષ્ટ્રીય ગૌરવ વધાર્યુ સાથોસાથ રાષ્ટ્રીયતાને સુરક્ષીત રાખી.બાબાસાહેબના 6 ડિસેમ્બરે પરિનિર્વાણના સમાચાર સાંભળતા વેંત ગાડગેબાબાએ અન્નજળ ત્યાગી દીધા અને બરાબર ચૌદમાં દિવસે પોતાના મહાન અંતર્મનના શિષ્ય પાછળ ગાડગેબાબાએ પણ દેહ છોડી દીધો.