ગુરૂ તો ઐસા કીજીએ જૈસે પુનમ ચાંદ, તેજ કરે ઔર તપે નહિં, સાથે ઉર આનંદ

દરેક મનુષ્યના જીવન ઘડતરમાં જેનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તેવા પરમ આદરણીય સદ્ગુરૂના પૂજન માટેનો મંગલકારી અવસર એટલે ‘ગુરૂપૂર્ણિમા’ શ્રી આપાગીગાના ઓટલાના મહંત પૂજ્ય નરેન્દ્ર બાપુ ગુરૂ જીવરાજબાપુના સદ્ગુરૂ દેવ જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુની અદમ્ય ઇચ્છા અનુસાર અને તેઓના આદેશ અનુસાર વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો પૂજ્ય બાપુના જણાવ્યા પ્રમાણે હવેથી આપાગીગાના ઓટલે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે તેના ભાગ રૂપે આગામી તા.23-7-2021, શુક્રવારના રોજ ગુરૂપૂર્ણિમાનો મહત્વનો દિવસ આવી રહ્યો છે.

ત્યારે આપાગીગાના ઓટલે પરમ પૂજ્ય સદ્ગુરૂ દેવ જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુની  વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાશ્ર્ત્રોક્ત વિધીથી સવારના 9.30 કલાકથી પૂજન અર્ચનની શરૂઆત થશે. આ પ્રસંગે દરેક ધર્મપ્રેમી શ્રધ્ધાળુઓને ઉ5સ્થિત રહેવા અનુરોધ કરાયો છે. સૌરાષ્ટ્રના જાણીતા ધર્મસ્થાન આપાગીગાનો ઓટલો ચોટીલાથી રાજકોટ તરફ 5 કિ.મી. મોલડીના પાટીયા પાસે ગુરૂપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી થનાર છે. તે દિવસે જ ગુરૂ પૂજ્ય જીવરાજબાપુની છબીનું પુજન થશે. તેઓ સર્વદેહ પૃથ્વી પર નથી પરંતુ તેમનું જીવન સેંકડા શિષ્યો માટે પ્રેરણારૂપ છે. ભજન, ભોજન અને પૂજન સાથે ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી થશે.

આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ જણાવે છે કે સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝેશન, માસ્ક વગેરે સહિત સરકારની ગાઇડ લાઇનના પુરા પાલન સાથે ગુરૂપૂર્ણિમા ઉજવાશે. સર્વે ભાવિકજનોએ પણ આ કોરોના ગાઇડલાઇનને અનુસરીને ઉત્સવનો લાભ લેવા માટે અપીલ કરી છે. આ સ્થાન  પર છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક સર્વે યાત્રાળુઓ તેમજ ભાવીકજનોને રહેવા તેમજ જમવાની નિ:શુલ્ક સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો છે.

મહંત નરેન્દ્રબાપુ જણાવે છે કે વિશ્ર્વની દરેક જલસૃષ્ટી, પૃથ્વીસૃષ્ટી અને અવકાશ સૃષ્ટી તેમજ સજીવ અને નિર્જીવ દરેક વસ્તુમાં ઇશ્ર્વરનો અંશ રહેલો હોય છે. આ પ્રકારની આસ્થા લગભગ દરેક મનુષ્યો અને દરેક ધર્મો સ્વીકાર કરીને ચાલી રહ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા તેમજ ઇશ્ર્વરને પામવાના દરેક વ્યક્તિઓ દ્વારા અલગ-અલગ પ્રકારના માર્ગ અપનાવવામાં આવ્યા છે. પરંતુ ઇશ્ર્વર એક જ છે. તેમના નામ અલગ-અલગ છે.

આ દરેક માર્ગમાં આગળ વધવા માટે સદ્ગુરૂની અનિવાર્યતા છે અને તે બાબત સ્વીકારવામાં આવેલ છે. સાધનાથી સફળતા માટે તેમજ પરમાત્માની પ્રાપ્તી માટે પોત પોતાના ગુરૂ જ સંપૂર્ણ પ્રેરણા સ્ત્રોત છે. સદ્ગુરૂકૃપાથી જ ઇશ્ર્વરના દર્શન શક્ય છે, સદ્ગુરૂ એક એવા કર્ણધાર છે જે દુર્લભ વસ્તુ સુગમ કરી આપે છે. સંસાર સાગરમાંથી પાર ઉતારવાની શક્તિ સદ્ગુરૂ આપે છે. પૂજ્ય જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુ તેમજ તેમના ગુરૂ શામજીબાપુ ગુરૂ લક્ષ્મણબાપુ તેમજ આખી પરંપરા (પેઢી)માં આવા સમર્થ ગુરૂઓ હતા.

તેમની પૂણ્ય સ્મૃતિમાં આપાગીગાના ઓટલે, આ વર્ષે પ્રથમ વખત પરમ પૂજ્ય સદ્ગુરૂ દેવ જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુ તેમજ દાદા ગુરૂ શામજીબાપુ ગુરૂ લક્ષ્મણ બાપુનું મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) તેમજ તમામ ભાવિક ગણો દ્વારા સદ્ગુરૂદેવની પૂજન તેમજ અર્ચન કરવામાં આવશે. આ પ્રકારે આપાગીગાના ઓટલે અગામી ગુરૂપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય દિવ્યાતિ દિવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આપાગીગાનો ઓટલો છેલ્લા 7 વર્ષથી પણ વધુ સમયથી પોતાની સેવાકીય પ્રવૃતિઓ અને ધાર્મિક સેવાની જ્યોતથી સમગ્ર દેશમાં વિખ્યાત છે. 24 કલાક વિનામૂલ્યે ચા-પાણી, નાસ્તો, ભોજન અને તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રોજના હજારો ધર્મ પ્રેમી જનતા, યાત્રાળુઓ, યાત્રિકો, વટેમાગૃઓ, સાધુ-સંતો તેમજ રાહદારીઓ આ સેવાના કાયમ લાભ લઇ રહ્યાં છે. વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો જેવા કે નવરાત્રિ, દશેરા, સાતમ-આઠમ, સમગ્ર શ્રાવણ માસ, અષાઢી બીજ, દિવાળીના તહેવારો તેમજ અલગ-અલગ પ્રકારના ધાર્મિક તહેવાર દરમ્યાન આપાગીગાના ઓટલાની રંગત તેમજ માહોલ કંઇક અલગ જ હોય છે. આ તહેવારો દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આપાગીગાના ઓટલાના દર્શનનો લાભ લેવા ઉમટી પડતા હોય છે.