” ગુરુકૃપા હી કેવલમ” જાણો મનુષ્યના જીવનમાં ગુરુનું મહાત્મ્ય

Gurupurnima

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:

ગુરુપુર્ણિમા હિન્દુ અને બોદ્ધ ધર્મમાં માનવમાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. ગુરુપુર્ણિમા વર્ષા ઋતુની પ્રારંભમાં આવે છે.આ ચાર મહિના ગુરુ એક જ સ્થાન પર બેસીને જ્ઞાનની ગંગા વહાવે છે. આ ચાર મહિના મોસમ પણ ખૂબ જ સુંદર હોય છે.

આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વેપયાન વ્યાસનો જન્મદિવસ પણ છે. તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને તેઓએ ચાર વેદ વ્યાસની રચના કરેલી હતી. આ કારણથી તેમનું એક નામ વેદ વ્યાસ પણ છે. અને તેમના સન્માનમાં ગુરુપુર્ણિમા વ્યાસપુર્ણિમા તરીકે પણ ઑળખાય છે.

શાસ્ત્રમાં ગુરુનો ખૂબ જ સારો અર્થ કહેવામા આવ્યો છે ગુરુ એટલે ગુ- અંધકાર , રૂ- નાશ કરનાર ગુરુ એટલે અંધકારનો નાશ કરનાર .ગુરુને એટલે ગુરુ કહેવામા આવે છે કે તે આપના જીવનમાથી અજ્ઞનાનતા કાઢી જ્ઞાનરૂપી પ્રકાશનો ફેલાવો કરેછે.

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

અર્થાત,ગુરુને ગોવિંદ કરતાં વધારે કહે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચી શકે છે.

ગુરૂની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર ગણવામાં આવે છે.

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !

ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે