Abtak Media Google News

જામનગરના એક વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને વેપારીના મિત્રોને મેસેજ કરી બિમારીના નામે નાણાં ઉલેચવાનો હિન પ્રયાસ થઈ રહ્યો હોવાની વિગતો સામે આવતાં ચકચાર જાગી છે. જામનગરમાં એરફોર્સ રોડ પર સુંદર એપાર્ટમેન્ટ પાછળ પટેલ નગરી શેરી નંબર ૨ માં રહેતા રાજેશ ભાઈ દેવજીભાઈ કાવઠીયા નામના વેપારીએ જામનગરની સાઇબર સેલનો સંપર્ક કરી ત્યાં અરજી કરી પોતાના ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ કરનાર પ્રજાપતિ પરાઇટ, વાઘેલા સંજય તથા અન્ય એક અજાણ્યા મોબાઇલ ધારક સામે પગલા લેવા રજૂઆત કરી છે. ઉપરોક્ત હેકરોએ વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લઈ તેના જુદાજુદા મિત્રો પાસેથી બીમારી ના નામે ઓનલાઇન પૈસા પડાવી લેતા હોવાનું જણાવાયું છે જેથી હેકરોને શોધી કાઢી તેની સામે પગલાં લેવા માગણી કરી છે. અરજદાર રાજેશભાઈ કાવઠીયાનું કોઈ હેકરોએ ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધા પછી તેના અલગ અલગ મિત્રોના મોબાઈલ ફોનમાં મેસેજ મૂકી બીમારીના નામે ઓનલાઈન નાણાં પડાવી લેતા હતા. જેમાં તેના એક મિત્ર દિલીપકુમાર જયંતીલાલ ચાવડા પાસેથી રૂપિયા ૯,૦૦૦ ત્યારપછી ૧૧,૦૦૦ અને દસ-દસ હજાર, એમ કુલ ચાર વખત ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઈ રકમ પડાવી લીધી હતી. આ ઉપરાંત મનીષભાઈ જોષી નામના અન્ય એક મિત્ર પાસેથી નવ હજાર રુપિયા જ્યારે અંકિતભાઈ નામના અન્ય એક મિત્ર પાસેથી સાત હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે હેકરોનું ફેસબુક એકાઉન્ટ બંધ કરાવવા માટે માંગ કરી તેઓને શોધી કાઢી તમામ સામે પગલાં ભરવાની માંગ કરી છે. જામનગર સાયબર સેલ દ્વારા ફેસબુકને ઉપરોક્ત ફેસબુક એકાઉન્ટ બંધ કરી દેવા માટેનો ઇમેલ કરીને જાણકારી આપી છે. ઉપરાંત તમામ હેકરોને શોધવા માટે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.