Abtak Media Google News

આ વર્ષે ૧૦૮૭૭ હજ યાત્રીકો હજ યાત્રાઓએ જશે.

ગુજરાતનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે હજનો ક્વોટા ૧૦,૮૭૭નો કરવામાં આવ્યો છે. ગત વર્ષે રાજ્યમાંથી ૭૩૪૪ હજયાત્રીઓ હજયાત્રાએ ગયા હતા. તા.૨૦મી માર્ચે અમદાવાદ ખાતે હજ હાઉસ, કાલુપુર ખાતે ૧૦,૮૭૭ સીટનો ડ્રો પણ કરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા ગુજરાત રાજ્ય હજ સમિતિ, સામાન્ય વહીવટ ભાગના આર.આર.મનસુરીએ જણાવ્યું કે ગુજરાતના ચાલુ વર્ષે ૭૦ વર્ષના તથા પાંચમા વર્ષનાં હજયાત્રીઓની સંખ્યા ૧૦,૬૪૧ જેટલી હોઇ અને તેની સામે ગુજરાતનો ઓરિજિનલ ક્વોટા ઘણો જ ઓછો એટલે કે ૪૦૩૮ સીટો હોઇ બાકી રહેતાં તમામ હજયાત્રીઓ આવી જાય તે માટે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રિન્સિપાલ મોહંમદઅલી કાદરી અને સચિવ ઉસ્માનભાઇ પટેલ તથા હજ કમિટીના તમામ સભ્યો લઘુમતી બાબતોના મંત્રાલય, હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ ખાતે વધુમાં વધુ ક્વોટા મળે તે માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. ચેરમેન, કાદરીએ આ હજ માટે મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત લઇને ક્વોટા વધારા માટે રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે હજ કમિટી ઓફ ઇન્ડિયાએ ગઇકાલે કરેલા ક્વોટા એલોટમેન્ટ પ્રમાણે ગુજરાતને કુલ ૧૦,૮૭૭ સીટોનો ક્વોટા મળ્યો છે.

જેથી ૭૦ વર્ષના તથા પાંચમા વર્ષના તમામ અરજદારોનો સમાવેશ આ વર્ષની હજયાત્રા માટે થઇ શકશે.

તેમણે જણાવ્યું કે ગત વર્ષે ગુજરાત રાજ્યમાંથી ૭૩૪૪ હજયાત્રીઓ હજયાત્રાએ ગયા હતા. જેની સામે આ વર્ષે ૧૦,૮૭૭ કરતાં વધુ હજયાત્રીઓ હજયાત્રાએ જશે.

જે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધારે હજયાત્રી હશે. ભારતની હજ કમિટી દ્વારા ફાળવેલ ૧૦,૮૭૭ સીટો માટેનો ડ્રો હજ હાઉસ, કાલુપુર, અમદાવાદ ખાતે તા.૨૦ માર્ચ, ૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે થશે. જેમાં હાજર રહેવા ઇચ્છુક સર્વેને હજ કમિટી દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.