- ગરવા ગીરનારની તળેટી બની મહાદેવ મય
- સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધોરી મ્યુઝીકના કલાકારોની જમાવટ’
મહા શિવરાત્રિ હર હરભોલેના નાદ સાથે મહાવદ નૌમથી શરૂ થયેલા જૂનાગઢના શિવરાત્રી મેળામાં સાતલાખ ભાવિકોની ભીડ સાથે મેળો હવે અસ્સલ રંગમાં આવતો જાય છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવતા યાત્રાળુઓના વાહનોથી પાર્કિંગ ફુલ થઈ રહ્યા છે. 150થી વધુ અન્નક્ષેત્રો ચોવીસ કલાક ધમધમવા લાગ્યા છે. આવતીકાલે શિવરાત્રીને લઈ હવે મેળામાં હૈયે હૈયુ દળાય તેવી મેદની ઉમટી રહી છે. આવતીકાલે મધ્યરાત્રે નાગા અવધુતોની શાહીરવાડી અને મધ્યરાત્રે મુંગી કુંડમાં શાહી સ્નાનના દર્શન માટે ભકતો આતુર બન્યા છે.
મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ
ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
અઘોરી મ્યુઝિકના કલાકારોએ તું ભૂલો તો પડ મારા સોરઠ માલીપા… , હાલોને આપડા મલકમાં… શુરવીરોના રાસડા, ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈ પૂજાવું… ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે…આભમાં ઝીણી ઝબૂકે વીજળી…
મારો ઠાકર કરે ઈ ઠીક…. તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ….. જોડે રેજો રાજ સહિતનાં ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ, દુહાઓ, રાસડાઓ આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને શૌર્ય રસથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં
સાંસ્કૃતિક કાર્યક્રમમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો દ્વારા એ દેશ હે વીર જવાનોકા…રૂડી ને રૂપાળી વાલા તારી વાહલડી.. નાગર નંદજીના લાલ રાસ રામતા મારી નથડી ખોવાણી.. વીરને ઝરી ભરેલા સાફા રે…વીરને જોટલી બંદૂક… સારે જહા છે અચ્છા હિન્દુસ્તા હમારા સહિતની લોકગીત અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરીને લોકોને ડોલાવ્યા હતાં.અઘોરી ગ્રુપ દ્વારા કલેક્ટરશ્રીનો આભાર માનવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક કલેક્ટર એન એફ ચૌધરી,પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ,નાયબ કમિશનર શ્રી ઝાપડા,સહિતનાં અધિકારીઓ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
મહા શિવરાત્રિના મેળામાં લોક ઉપયોગી અનોખી પ્રસ્તુતિ
લોકોને કાયદાકીય સમજ અને જાણકારી મળી રહે તેવા શુભ હેતુથી મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા કાનૂની સેવાસતા મંડળ દ્વારા ઓફિસ સુપ્રીડેન્ટ શ્રી નયન વૈષ્ણવે સંગીત વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે સહિતની વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વકીલની સેવા, કાનુન સહાય, લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, મહિલા હેલ્પલાઈન, સહિતની કાયદાકીય બાબતોને અને યોજના ઓની સરળ શૈલીમાં પ્રસ્તુતિ કરી હતી. આ તકે જુનાગઢ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ બી.જી. દવે, પ્રિન્સિપલ ફેમિલી જજ પી વી શ્રીવાસ્તવ સહિતનાં ન્યાયધીશો, એડવોકેટસ, કોર્ટના કર્મચારીઓ,જિલ્લાના વહિવટી તંત્રના અધિકારીઓ, ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉનાથી જૂનાગઢની શિવરાત્રિ એકસ્ટ્રા બસ શરૂ
ઊના એસ.ટી. ડેપો દ્વારા ઊના થી જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં જવા એક્સ્ટ્રા બસ શરૂ કરવામાં આવી છે. ઊના ગીર ગઢડા તાલુકાના ધર્મ પ્રિય જનતા ને મહા શિવરાત્રી ના જૂનાગઢ જવા માટે અગવડતા ના પડે તે માટે અમરેલી એસ.ટી. ડિવિઝન ના વિભાગીય નિયામક ના માર્ગદર્શન હેઠળ સંકલન સમિતિ અને ઊના ના એસ.ટી. ડેપો મેનેજર એલ.ડી. રાઠોડ અને સ્ટાફ દ્વારા તા.23/2 થી જૂનાગઢ જવા એક્સ્ટ્રા બસ મૂકવા માં આવી છે જે તારીખ 27/2 સુધી ચાલુ રહેશે જે જે બસ જૂનાગઢ થી ઊના આવવા માટે પણ મળશે તો મુસાફરો ને વધુ મા વધુ લાભ લેવા વિનંતી કરી છ
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની નવીન પહેલ
- મહા શિવરાત્રિ મેળાનો પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ
- જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. .
જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સંશોધનકર્તા વિદ્યાર્થીઓ મહાશિવરાત્રીના મેળાના આકર્ષણો, આર્થિક અસર અને ખર્ચ, સ્થાનિક વેપાર અને વેપારીઓ પર અસર, પર્યટન અને રોજગારીની અસર ઉપરાંત મહાશિવરાત્રીના મેળાના આયોજનને ભવિષ્યમાં વધુ બહેતર આયોજન અને સુધારણા માટે પ્રશ્નાવલીના માધ્યમથી અભ્યાસ હાથ ધરશે. આમ, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો અને વેપારીઓના પ્રતિભાવો નોંધી 40પ્રશ્નો થકી મહાશિવરાત્રીના મેળાનો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવશે. તેના અંતે એક રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવશે. આ કેસ સ્ટડી જૂનાગઢની ઇકોનોમીને પણ સમજવામાં ઉપયોગી બનશે. ભાવિકોને મેળામાં શું વધારે પસંદ છે તે પણ જાણી શકાશે. જે વ્યવસ્થાઓમાં સુધારાની જરૂર છે તે મંતવ્યો પણ જાણી શકાશે. એટલું જ નહીં પરંતુ વેપારીઓના મંતવ્યોનું પણ આકલન કરવામાં આવશે. યુવાનો, અન્ય વય જૂથના ભાવિકો, વેપારી, પરિવહન અને હોટલ સેવા, જુદી જુદી વ્યવસ્થાઓમાં સૂચનો તેમજ આર્થિક સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પણ આ સર્વેમાં વણી લેવામાં આવ્યા છે. અંદાજે 1500 થી 2000 લોકોના સર્વે કરવાના લક્ષ્યાંક સાથે ટીમે કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, જૂનાગઢમાં મહાશિવરાત્રી અને ગિરનાર લીલી પરિક્રમા એમ બે મોટા ધાર્મિક મેળા યોજાઈ છે, જેમાં અંદાજે 13 થી 15 લાખ ભાવિકો ઉમટે છે. જેમ હાલમાં આધ્યાત્મિક પરંપરા અનુસાર મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે, કલેક્ટરએ કહ્યું કે, આ અભ્યાસના માધ્યમથી લોકોની આશા- અપેક્ષાઓ જાણી શકાશે, જે ખાસ ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળાના વધુ બહેતર આયોજન માટે ઉપયોગી થઈ પડશે. આમ, લોકોના પ્રતિભાવો મળવાથી એક નવો સેતુ પણ રચાશે. જુદા જુદા અખાડા ,મંદિરો, પવિત્ર ધર્મ સ્થળોમાં વિવિધ આધ્યાત્મિક કાર્યો અને એ જ રીતે અન્નક્ષેત્રના સંચાલકો ખાસ કરીને સ્વયંસેવકો સૌ સાથે મળીને ભાવિકોની સેવા કરી રહ્યા છે.આ પરંપરા માં દરેક વ્યક્તિનું કાર્ય મહત્વનું છે. તેમણે વધુમાં કહ્યું કે રાત દિવસ નિસ્વાર્થ કરતા સ્વયંસેવકો પણ પ્રેરણા રૂપ છે તેમની પણ મુલાકાત અવશ્ય લેજો તેમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું. ખેતીવાડી અને ધાર્મિક પર્યટનની દ્રષ્ટિએ મહત્વ ધરાવતો હોય જૂનાગઢ જિલ્લામાં મેળા દરમિયાન ખાસ ભાવિકો આધ્યાત્મિક અનુભૂતિ સાથે લઈને તો જરૂર જાય છે. આ ઉપરાંત તેની સાથે જુનાગઢ અને આસપાસના સ્થળો ની ઈકોનોમી પણ આ મેળાને કારણે આગળ વધે છે. સ્થાનિક અને બહારથી આવતા ધંધાર્થીઓને રોજગાર વેપારની પણ એક આગવી તક સાપડે છે. મહાશિવરાત્રી મેળા પરના આ અભ્યાસ માટે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક એન. એમ. મહેતાની દોરવણી હેઠળ ટુ વે કોમ્યુનિકેશનના ભાગરૂપે જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢ ની ટીમે જરૂરી સંકલન કર્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા શ્રી એન. જે. શાહે મહાશિવરાત્રીના મેળા સંદર્ભે સંશોધન કાર્યમાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કરવાની સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેવી જ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ એ.એચ. બાપોદરા માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ઋષિરાજ ઉપાધ્યાયે પણ આ સંશોધન કાર્યમાં જોડાવાની ખુશી વ્યક્ત કરવાની સાથે સંશોધનકર્તા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ તકે નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી અને સંશોધનકર્તા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.