હોલ માર્કે ઉભા “ફાડીયા” કર્યા !!!

HUID સાથે સોનાના દાગીનાના હોલમાર્કિંગને લાગુ કરવાના સરકારના નિર્ણય સામે આજે હડતાલ, ઇન્ડિયન બુલિયન અને જવેલરી એસો.એ હડતાલને ટેકો ન આપ્યો

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી હાઉસહોલ્ડ કાઉન્સિલએ દેશવ્યાપી ‘પ્રતીકાત્મક હડતાલ’ નું એલાન આપ્યું છે. HUID સાથે સોનાના દાગીનાના હોલમાર્કિંગને મનસ્વીરીતે લાગુ કરવાના સરકારના નિર્ણય સામે આજે આંદોલનનું હથિયાર ઉગામવાની જાહેરાત કરાઈ છે. સરકારે સુવર્ણકારોને મનાવવા પ્રયત્નો પણ કર્યા હતા . ગુજરાતમાં પણ હડતાલનું એલાન કરાયું છે જોકે કેટલાક સંગઠનોએ હડતાલમાં નહિ જોડાવાની પણ જાહેરાત કરી છે.

જ્વેલર્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી એટલે કે HUID સામે વિરોધ કર્યો છે. આજે દેશભરમાં જ્વેલર્સ એક દિવસની હડતાલ પર છે. જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્ક બરાબર છે પરંતુ HUID કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહિ. જ્વેલર્સના નેશનલ ટાસ્ક ફોર્સે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ  દ્વારા દેશમાં હોલ માર્કિંગ પ્રક્રિયાના મનસ્વી અમલના વિરોધમાં જ્વેલર્સ આજે 23 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સાંકેતિક હડતાલ પર ઉતરશે.

હડતાલ મામલે અલગ અલગ વિચાર સામે આવ્યા છે. સુવર્ણકારોના કેટલાક સંગઠન હડતાલ થકી સરકારને કડક સંદેશ આપવાનો મત ધરાવી રહ્યા છે તો કેટલાક સંગઠન આવા મામલે વુંવાદ નહિ પણ વાતચીત સરળ અને યોગ્ય માર્ગ હોવાનું જણાવી રહ્યા છે.જેમાં ઇન્ડિયન બુલિયન અને જવેલર્સ એસોસિએશનનો સમાવેશ થાય છે.

શુ છે HUIDનો સમગ્ર વિવાદ ?

HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન. આ એક અલગ ઓળખ બનાવવા માટે જ્વેલરીના દરેક ભાગ પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે. 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલ માર્ક જ્વેલરી વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ તેની સાથે HUID દાખલ કરવામાં આવ્યું છે . HUID પાસે જ્વેલરીની તમામ માહિતી હશે જેમ કે તેના ઉત્પાદક કોણ છે, તેનું વજન શું છે, જ્વેલરી શું છે?

કોને વેચવામાં આવ્યા હતા. દેશભરમાં 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે. અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી અટકાવી શકાશે. દેશમાં પ્રથમ તબક્કામાં જ્યાં હોલમાર્કિંગની વ્યવસ્થા છે તેવા 256 જિલ્લામાં નવો કાયદો અમલી કરાયો છે. વાણિજ્ય અને ઉપભોક્તા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીં લાગે તથા જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય. સાથે જ જ્વેલર્સે એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે, અને રિન્યુની માથાકૂટ રહેશે નહિ.