Abtak Media Google News

પરંપરાગત વણાટની કસબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોન સહાયથી બની બળવતર: યુવકે ગામનાં યુવાનોને પણ આ કળા સાથે જોડીને પગભર કર્યા

દેશમાં યુવાનો શિક્ષણ હાંસલ કરી સરકારી નોકરી તરફ મીટ માંડે છે. આને કારણે યુવાનોને પોતાનાં હાથ હુન્નર કે વ્યવસાય તરફ બેરૂખી રહે છે. પણ કેટલાક યુવાનો એવા પણ હોય છે કે રણમાં મીઠી વિરડીની જેમ અપના હાથ જગન્નાથ ગણીને સ્વરોજગારી તરફ વળતા હોય છે. આજે ભલે શિક્ષીત યુવાન બેરોજગારીને સૌથી મોટી સમસ્યા માને પણ જેને ઉડવુ છે તેને ગગન પણ નાનુ લાગે છે. તેવી વાતની પ્રતિતી માંગરોળ તાલુકાનાં દિવાસા ગામે રહી પરંપરાગત હાથવણાટનાં લુપ્ત થતા કલા વારસાને જીવંત રાખી ખુદ તો સારી રોજગારી મેળવી રહ્યા છે પણ ગામનાં અન્ય જરરૂરીયાતમંદ પરિવારોને સહાયરૂપ બની રહ્યા છે. આવા રોજગારીનાં શીખરોને સર કરનાર માટે આર્થિક વ્યવસ્થાનાં સમાધાન કરવા માટે સરકાર પણ એડિચોટીનું જોર લગાવી રહી છે. એક તરફ ભારતની વધતી વસતિ અને તેની સામે ઓછી નોકરીના કારણે યુવાઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. પણ આ નિરાશા તેમના માટે ઉત્સાહ સરકારની આ યોજના લાવી છે. સ્વરોજગારી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓની મદદથી લોન લઇ  રોજગાર વાંચ્છુ યુવાનો આજે રોજગારી ક્ષેત્રે આગળ આવી રહ્યા છે.

વાત કરવી છે જૂનાગઢનાં અંતરીયાળનાં ઘેડ વિસ્તારના પરમાર કાળુભાઇ વિરાભાઇની કે જેમણે જિલ્લા રોજગાર કચેરી તરફથી લોન સહાય મેળવીને પોતાનાં પૈતૃત એવા હાથશાળાનાં વ્યવસાયને બળવત્તર બનાવી આજે ૨૧ જેટલા હાથશાળ યુનિટ દ્વારા ગામનાં અન્ય પરિવારનાં સભ્યોને રોજગારી પુરી પાડતા થયા છે. સરકારી યોજનાનો લાભ મેળવી સારી આવક રળતા થયેલા કાળુભાઇ કહે છે કે મેં માંગરોળની શારદાગ્રામ શેક્ષણિક સંકુલ ખાતેથી કોમર્સમાં સ્નાતકની પદવી મેળવી છે. નોકરીની પાછળ ઘેલા થયા વિના મેં મારા હાથવણાટનાં વ્યવસાયને કેમ નિખાર આપવો તે દિશામાં વિચાર્યુ, મારી નાણાકીય ભીડને મેં રાજ્ય સરકારની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી લોન સહાય મેળવીને સક્ષમ બનાવી છે. આજે મેં મારા રોજગાર થકી લોન ભરપાઇ કરી દીધી છે.મારા સંતાનોને પણ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે. સરકાર તરફથી બેરોજગારોને લોન આપવામાં આવે છે. જેના કારણે બેરોજગાર યુવાન ખુદનું સ્ટાર્ટ અપ શરુ કરી શકે છે. આ લોન એમને આપવમાં આવે છે જેમણે ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવેલું હોય. જે પછી તેમને સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે વ્યક્તિની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની હોવી જરૂરી છે. મે તો મારી જરુરીયાત પુરતી ૫૦ હજારની લોન લીધી હતી જેમાં ૩૦ ટકા સબસીડી પણ મળી હતી.

હું ખુશ છુ કે મારા જેવાને લોન મળવાથી આજે હું હાથવણાટની ગરમ શાલનું માર્કેટીંગ ખુદ કરૂ છુ. સરકારી કચેરીઓ, જાહેર મેળાવડામાં મારા ગામમાં ઉત્પાદિત શાલોને વેચાણ માટે લઇ જાવ છું જેને આજે લોકો હોંશે હોંશે ખરીદે છે. હાથવણાટની શાલ આમ જોઇએ તો એન્ટીક વસ્તુ જેવી લાગે જેથી ખરીદનાર સહજભાવે ખરીદે છે. અને અમને માર્કેટ પણ મળી રહે છે.

કાચો માલ પણ બજારમાં કીફાયતભાવે મળે છે અને જાતે બજાર વ્યવસ્થા કરવાથી ભાવ પણ પોસાય તેવા મુકી શકીએ છીએ જેનાથી ગ્રાહકને ખરીદી કરવામાં મોંધી લાગતી નથી. છે ને કાળુભાઇ પરમારની કુનેહસભર લુપ્ત થતી હાથવણાટની કામગીરી છતા આજે બજારમાં આગવી માંગને પ્રસ્થાપિત કરી શક્યા છે. કાળુભાઇ કહે છે કે ધંધો કરવામાં નાનપ શા માટે કરવી નોકરી કરવા કરતા સ્વબળે રોજગારી આત્મ સંતોષ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.