હર ઘર તિરંગા’ અભિયાનનો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીથી પ્રારંભ

ભારતે ઓગસ્ટ 1947માં આઝાદી પ્રાપ્ત કરી તે ઐતિહાસિક અને રાષ્ટ્રીય ઘટનાને બહુ મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે લઈ આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રકારના રચનાત્મક કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણી વર્ષની શરૂઆતથી જ થઈ રહી છે. દેશના લોકોમાં રાષ્ટ્રપ્રીતિ અને રાષ્ટ્રભક્તિને જગાડતું  વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીનું એક ઉમદા અભિયાન ’હર ઘર તિરંગા’ને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ રચનાત્મક અભિગમ તરીકે લઈ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની બહારની દિવાલ પર 561 ફૂટનો લાંબો તિરંગો તૈયાર કર્યો હતો. જેને ખૂબ જ સારો જન પ્રતિસાદ મળતા આજે તારીખ બીજી ઓગસ્ટના રોજ આ ઉત્સવ યાત્રાનો ગુજરાત ભરમાં પ્રચાર પ્રસાર થાય તે માટે હર ઘર તિરંગા નામે એ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો પ્રારંભ ગુજરાતના કેબિનેટ શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીએ કરાવ્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ પહેલ કરી છે: જીતુભાઈ વાઘાણી 

તેમણે આ અભિયાનમાં ઉપસ્થિત રહી સૌપ્રથમ ભારત માતાની પ્રતિમાનું પૂજન કર્યું હતું અને ભારતના સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ નિર્માતા પીંગલી વેંકૈયાજીને યાદ કર્યા હતા. સાથે હર ઘર તિરંગા અભિયાનને જનજન સુધી લઈ જવાની જવાબદારી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈની છે તેમ જણાવી ઉપસ્થિત સૌને આ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ગુજરાતમાં સૌપ્રથમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીથી આ અભિયાનનો પ્રારંભ કરાવવા બદલ દૃષ્ટિવંત કુલપતિ ડો. હર્ષદ પટેલને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણના અગ્રસચિવ  હૈદર  અને યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ પટેલ સાથે યુનિવર્સિટીનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન   મોદીએ મન કી બાતમાં કરેલા દિશાનિર્દેશ અનુસાર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તિરંગો મૂકી આ અભિયાનને ઉત્સાહભેર આગળ વધાર્યું છે અને અન્યને પણ આ પ્રકારે આ અભિયાનને આગળ વધારવા માટેની પ્રેરણા પૂરી પાડી છે.