Abtak Media Google News

આત્મીય યુનિ. દ્વારા તિરંગાયાત્રામાં કલેક્ટર અરૂણ મહેશબાબુ, ગોવિંદભાઇ પટેલ, નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણીની ઉ5સ્થિતિ: 1500 સ્કૂટર બાઇકની રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી

આત્મીય યુનિવર્સિટી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી શરૂ થયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ  ત્યાગવલ્લભ સ્વામી, જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી પોલીસ કમિશ્નર પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટમાં આત્મીય સમાજના પ્રમુખ કિશોરભાઇ માવદિયા, હંસરાજભાઈ વિરાણી સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ઉદબોધનમાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, નવી પેઢીને આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામથી માહિતગાર કરવા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગવામાં આ અભિયાન મહત્વનું પુરવાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ પહેલ માટે અભિનંદનના અધિકારી છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અને હવે વડાપ્રધાન છે ત્યારે પણ નાગરિકોનો મોટો વર્ગ સરકારના તમામ કાર્યક્રમોમાં આત્મીય ભાવથી જોડાય તેવો તેમનો અભિગમ રહ્યો છે જેના કારણે સરકારી કાર્યક્રમો સ્વયંભુ લોક ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી લે છે.

આત્મીય યુનિવર્સિટી, કાલાવડ રોડથી શરૂ થયેલી આ ‘તિરંગા યાત્રા’ ક્રિસ્ટલ મોલ, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, આમ્રપાલી અંડરબ્રિજ, રિંગરોડ, મોટી ટાંકી ચોક, ત્રિકોણ બાગ, ગોંડલ રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ અંડરબ્રિજ અને કે.કે.વી. ચોક થઈને આત્મીય યુનિવર્સિટી પરત પહોંચી હતી. આ યાત્રામાં આશરે પંદરસો જેટલાં બાઇક અને સ્કૂટરની સાથે વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, એન. સી. સી. કેડેટ્સ વગેરે સામેલ થયાં હતાં. આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. શિવ ત્રિપાઠી, રજિસ્ટ્રાર ડો. ડી. ડી. વ્યાસ, ડો. જી. ડી. આચાર્ય, ડો. ટાંક, ડો. વિકાસ ખાસગીવાલા, વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. કાર્તિક લાડવા, ડો. કગથરા, સંજયભાઇ ટાંક વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગાની આન, બાન અને શાન જાળવવા રાષ્ટ્રધ્વજ એકત્ર કરીને સાચવશે

તા. 13 થી 15 ઓગસ્ટ સુધી પોતાનાં ઘર પર સહુ તિરંગો લહેરાવશે. પરંતુ તે પછી રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તે રીતે કોઈ ફેકે નહીં તે જરૂરી છે. આથી, આત્મીય યુનિવર્સિટીએ નવતર પહેલ કરીને તા.16 થી તા.ર5 ઓગસ્ટ સુધી નાગરિકો પાસેથી રાષ્ટ્રધ્વજ એકત્ર કરવાનું આયોજન કર્યું છે. આ માટે આત્મીય યુનિવર્સિટીના દરવાજે રાષ્ટ્રધ્વજ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત તા.16 અને 17 બે દિવસ ક્રિસ્ટલ મોલ, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ, કિશાન પરા ચોક, ત્રિકોણબાગ, ભક્તિનગર સર્કલ તેમજ સોરઠિયાવાડી સર્કલ પાસે સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તિરંગાની આન, બાન અને શાન જાળવવા માટે થઈને નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા આત્મીય યુનિવર્સિટીએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.