Abtak Media Google News

તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન ચલાવાશે અભિયાન : સરકારી કચેરીઓ, શાળાઓ, ઔદ્યોગિક એકમો સહિતની ખાનગી સંસ્થાઓ તિરંગો લહેરાવાશે

આઝાદ ભારતનાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યાદગાર રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. આ અભિયાનના સુચારૂ અમલીકરણ અર્થે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને  બેઠક યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા.

આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો અવસર છે. આ અવસરને ઝીલીને રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન સાથે સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, દુકાનો, રેલ્વે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, જાહેર સ્થળો, સરકારી કર્મચારીઓ અને દરેક નાગરીકે પોતાના ઘર ઉપર ફરકાવવા જોઈએ.

આ તકે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ કરવામાં આવનાર આયોજન અંગેની ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પાસેથી માહિતી મેળવી હતી.

સોશિયલ મીડિયામાં સેલ્ફી વીથ નેશનલ ફ્લેગ જેવા કેમ્પેઈન યોજવા કલેકટરનું સુચન

આ સાથે વધુને વધુ નાગરિકો હર ઘર તિરંગા અભિયાનામાં જોડાઈ તે માટે સોશિયલ મીડિયામાં સેલ્ફી વીથ નેશનલ ફ્લેગ જેવા કેમ્પેઈન યોજવા કલેકટરે સુચન કર્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષ કુમાર, એ.આર. સિંધ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગનાં અધિકારી સહિતના સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવા જિલ્લાવાસીઓને કલેક્ટરની અપીલજિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખીને રાષ્ટ્રધ્વજ લહેરાવવા કહ્યું હતું. તેમજ 15 ઓગસ્ટનાં સાંજે તિરંગાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને ઘરમાં સાચવી રાખીને જાગૃત-જવાબદાર નાગરીકની ફરજ બજાવવા કહ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.