Abtak Media Google News

રાજકોટ જિલ્લાના 1 લાખ ઘર, ફેક્ટરી, દુકાન ઉપર દેશની આન-બાન-શાન સમા ત્રિરંગા લગાવવામાં આવશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાનો નવતર કાર્યક્રમ હાથ ધર્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા રાજકોટ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયાના પ્રમુખ સ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયાએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જન-જનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તથા રાષ્ટ્ર ધ્વજ પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના વધુ બળવતર થાય તે માટે આગામી તારીખ 13 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા રાજકોટ જિલ્લાના વધુમાં વધુ ઘર મકાનો, દુકાનો, ફેક્ટરીઓ પર રાષ્ટ્રના આન-બાન-સાન સમાન તિરંગો લહેરાય અને દેશના લોકોમાં રાષ્ટ્રપ્રત્યેની ભાવના વધુ ઉજાગર થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા કાર્યક્રમએ સ્વતંત્ર ચળવળમાં બલિદાન આપનાર શહીદો પ્રત્યેની સન્માન અને દેશનું ગૌરવ વધે જેનાથી લોકોમાં દેશ પ્રત્યેની ઉત્કૃષ્ટ રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટે થઈ સહુ કાર્યકર્તાઓએ તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગાને ઘર-ઘર, ઉદ્યોગો, વેપારીઓ, દુકાનો, સંસ્થાઓ, સરકારી કચેરીઓ, કોલેજો, શાળાઓ, આંગણવાડીઓ, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાઓ ઉપર દેશની આન-બાન-શાન રાષ્ટ્રધ્વજ ત્રિરંગાની લહેરાવીને આજની પેઢી અને ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રની આઝાદીની ચળવળથી લોકો વાકેફ થાય અને દેશદાઝની ભાવના વધુમાં વધુ પ્રબળ બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોજેલા હર ઘર તિરંગાના કાર્યમાં સહભાગી બનવા તમામ કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.