Abtak Media Google News

શ્રાવણ મહિનો મહાદેવનો સૌથી પ્રિય મહિનો છે. શ્રાવણ મહિનામાં ભોળા શિવજીની પૂરી શ્રદ્ધા સાથે ભક્તિ કરવામાં આવે તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શિવજીની 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે આપણે બીજી જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નું મહત્વ અને કથા જાણીશું.

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણ નદીને કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. શિવપુરાણ અનુસાર આ કથા શિવજીના પરિવાર સાથે જોડાયેલી છે. ભગવાન શિવના નાના પુત્ર ગણેશજી કાર્તિકેય ની પહેલા લગ્ન કરવા ઈચ્છતા હતા. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી ને આ વાતની ખબર પડી ત્યારે તેમણે આ સમસ્યાના સમાધાન માટે વિચાર કર્યો. એમણે બંને પુત્ર સામે એક શરત મૂકી. તેમણે કહ્યું કે બંનેમાંથી જે પહેલા પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવશે તેમના લગ્ન પહેલાં કરવામાં આવશે. કાર્તિકેય આ વાત સાંભળતા જ તરત  પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી ગયા. પરંતુ ગણેશજી ત્યાંથી હલ્યા નહીં, તેઓ બુદ્ધિશાળી હતા. તેમણે પોતાના માતા પિતા એટલે કે માતા પાર્વતી અને ભગવાન શંકરને પૃથ્વીને સમાન માનીને તેમની પરિક્રમા કરી લીધી.

ગણેશજીની ચાલાકીથી પ્રસન્ન થઈને માતા પાર્વતી અને ભગવાન શંકરે તેમના લગ્ન કરાવી દીધા. જ્યારે કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવ્યા તો તેમણે જોયું કે ગણેશજીના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિ ની પુત્રીઓની સાથે થઈ ચૂક્યા હતા, જેનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું. તેનાથી ગણેશજી ને શુભ અને લાભ બે પુત્ર પ્રાપ્ત થયા હતા. કાર્તિકેય ને દેવર્ષિ નારદે બધી વાત કહી, તેથી કાર્તિકેય નારાજ થઈને માતા-પિતાને વંદન કરીને ત્યાંથી જતા રહ્યા.

કાર્તિકેય શ્રીશૈલ પર્વત પર જઈને રહેવા લાગ્યા. એમને મનાવવા માટે શિવ પાર્વતીએ નારદજીને ત્યાં મોકલ્યા પરંતુ કાર્તિકેય માન્યા નહીં. ત્યારબાદ પુત્રના મોહમાં માતા પાર્વતી પણ તેમને લઈ જવા આવ્યા તો કાર્તિકેય ભાગી ગયા. માતા પાર્વતી નિરાશ થઈને ત્યાં જ બેઠા રહ્યા. ત્યારે ભગવાન શિવજી પણ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં ત્યાં પ્રગટ થયા. ત્યારથી આ જગ્યાને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના નામથી ઓળખાય છે. આનું નામ મલ્લિકાર્જુન એટલે પડ્યું કારણકે માતા પાર્વતી ના નામ પરથી મલ્લિકા અને ભગવાન શિવના નામ પરથી અર્જુન. અહીંયા મહાદેવજી માં પાર્વતી ની સાથે જ બિરાજે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.