Abtak Media Google News
  • બીલો ધ બેલ્ટ વાર કરવો એ હાર્દિકની બાલિશતા દર્શાવે છે
  • કાર્યકારી પ્રમુખને રાજ્યમાં કામ કરતા કોણ રોકી શકે? હાર્દિકની વાતમાં કોઈ દમ નથી : મેવાણી
  • હાર્દિકનો પત્ર ઈરાદાપૂર્વકનો, કોંગ્રેસનું ચારિત્ર્ય હનન કરવાના હેતુથી લખાયેલો: મેવાણી
  • અબતક સાથે કોંગ્રેસના ઝુઝારુ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ કરી ખાસ વાતચિત

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના તમામ પદો પરથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વિના વ્યક્તિગત પ્રહારો કર્યાં હતા. જેના જવાબમાં વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ઝુઝારુ યુવા નેતા જીગ્નેશ મેવાનીએ અબતક સાથે ખાસ વાત કરતા હાર્દિક પટેલની ઝાટકણી કાઢી હતી. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે જે રીતે હાર્દિકે બીલો ધ બેલ્ટ પ્રહારો કર્યા છે એ હાર્દિકની બાલિશતા દર્શાવે છે. હાર્દિકને ખરેખર તો દુખે છે પેટ અને ફૂટે છે માથું. મેવાણીના કહેવા મુજબ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ એવું કહે કે તેમને કોઈ કામ કરવા નથી દેતું કે તેમને એકલા પાડી દેવાયા છે એ વાત જ ગળે ઉતારે એમ નથી. કામ કરવું હોય તેને કોઈ રોકી શકતું નથી.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસને રાષ્ટ્ર અને ગુજરાત વિરોધી રાજકીય પાર્ટી ગણાવી હતી. હાર્દિકે કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું હતું કે તમને એકલા પડી દેવામાં આવ્યા હતા, કામ કરવાની તક અને છૂટ મળતી નહતી પરિણામે કોંગ્રેસ છોડવાની ફરજ પડી છે.

આ અંગે મેવાણીએ જણાવ્યું કે હાર્દિક પટેલને જેટલું માન કોંગ્રેસે આપ્યું છે, જેટલી સગવડો અને સવલતો આપી છે એટલી કોંગ્રેસના ગુજરાતના ક્યા આગેવાનો કે નેતાઓને આપી છે? હાર્દિકના કોંગ્રેસ પ્રવેશ વખતે રાહુલ ગાંધી સહીત સમગ્ર દેશના કોંગ્રેસના કદાવર નેતાઓ હાજર રહ્યા હતા. સીધો જ પ્રદેશના કાર્યકારી પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો હતો. આજે કાર્યકરો 30-35 વર્ષ કોઈ પાર્ટી માટે કામ કરે ત્યાર બાદ પણ જે હાર્દિકને મળ્યું છે એ મેળવી શકતા નથી. ચૂંટણીમાં દેશભરમાં સ્ટાર પ્રચારક તરીકે કામ કરવાનો મોકો મળ્યો. પ્રચાર માટે હેલીકોપટર મળ્યું. ચૂંટણીઓમાં ઉમેદવાર પસંદ કરવા માટેની ઓથોરિટી મળી. ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં નથી ત્યારે હાર્દિક પટેલને કોંગ્રેસ બીજું આપી આપીને શું આપી શકે?

મેવાનીએ વધુમાં જણાવ્યું કે હાર્દિકે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જે ભાષા વાપરી છે એના કારણે એમ કહું તો ખોટું નહિ કે હાર્દિકે ભવિષ્ય માટેની  સંભાવનાઓના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. હાર્દિકનો પત્ર આયોજનપૂર્વકનો, ઈરાદાપૂર્વકનો, કોંગ્રેસનું ચારિત્ર્યહનન કરવાના હેતુ થી લખાયેલો પત્ર છે. એવા શબ્દોનો હાથે કરીને ઉપયોગ કરાયો છે જેના કારણે મીડિયામાં કોંગ્રેસનું ખરાબ લાગે, ભાજપનું સારું લાગે. પોતાના પર થયેલા કેસ અને વિશેષરૂપે રાજદ્રોહના કેસના કારણે હાર્દિક ભાજપની ભાષા બોલતો હોય એમ સ્પષ્ટ લાગી રહ્યું છે.

અંતમાં મેવાનીએ અબતકને જણાવ્યું હતું કે હાર્દિક એક આંદોલનકારી હોવાને કારણે તેના પ્રત્યે એક વ્યક્તિગત લાગણી હતી પરંતુ હાર્દિકે જે રીતે કોંગ્રેસ છોડી છે, જે ભાષાનો પ્રયોગ કર્યો છે તે અક્ષમ્ય છે અને હાર્દિકને આ ભૂલ આગામી સમયમાં પોતાના રાજકીય ભવિષ્ય સંદર્ભે પણ ખુબ ભારે પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.