સિનિયરોનો હરીરસ ખાટો: પક્ષ ‘વીઆરએસ’ નહીં આપે !!

નીતિન ભારદ્વાજને પોતાની રીતે નિર્ણય લેવાની સ્વતંત્રતા: ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને બીનાબેન આચાર્યની

માંગણીનો સ્વીકાર કરાશે: શક્તિશાળી ઉદય કાનગડ અને કશ્યપ શુક્લને અનિચ્છા છતાં ભાજપ કોર્પોરેશનની ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે 

તમામ સિનિયરોની એક સાથે નિવૃત્તિ હાલ પક્ષને કોઈ કાળે પાલવે તેમ નથી: નવા કે ઓછા અનુભવીઓને ભરોસે મહાપાલિકા છોડવી હાઇકમાન્ડને લાગે છે જોખમી, ટિકિટ ફાળવણી સમયે તમામ પાસાઓ ચેક કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના

રાજકોટ મહાનગર પાલિકા ના બોર્ડની મુદત પૂર્ણ થતાની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.શહેરના તમામ ૧૮ વોર્ડમાં પેજ સમિતિના કાર્યોલયો ખુલી ગયા છે. છેલ્લી ત્રણ કે ચાર ટર્મથી સતત ચૂંટાતા સિનિયર નગરસેવકોએ હવે કોર્પોરેશનની ચૂંટણી નહીં લડવાની અનિચ્છા શહેર ભાજપ પ્રમુખ સમક્ષ રજૂ કરી દીધી છે. કોર્પોરેશનમાં હવે સિનિયરનો હરિરસ ખાટો થઈ ગયો છે તો બીજી તરફ નવા નિશાળીયાના ભરોસે મહાપાલિકા છોડી દેવી ભાજપને સલામત લાગતી નથી. આવામાં તમામ સિનિયરોને એકીસાથે વીઆરએસ ન આપવાનું પક્ષે પણ મન બનાવી લીધું છે.

વર્ષ ૨૦૧૫માં ભાજપના સિનિયર અને કદાવર નગરસેવક નીતિનભાઈ ભારદ્વાજ તથા ઉદયભાઇ કાનગડે હવે મહાપાલિકાની ચૂંટણી  ન લડવાની વિધિવત જાહેરાત કરી દીધી હતી છતાં પક્ષે તેઓને વધુ એકવાર  મહાપાલિકાની ચૂંટણી લડવા માટે મજબૂર કર્યા હતા. તાજેતરમાં બોડીની મુદ્દત પૂર્ણ થવાના થોડા દિવસ અગાઉ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી એવું પૂછ્યું હતું કે હવે કોને ચૂંટણી લડવી ત્યારે ભાજપના સીટીંગ ૪૦ કોર્પોરેટરો પૈકી ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય,પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ  અને કશ્યપભાઈ શુક્લએ હાથ ઊંચો કરી હવે મહાપાલિકાની ચૂંટણી નહીં લડવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ મુદ્દો હાલ શહેર ભાજપમાં ચર્ચાની એરણ પર છે.

સીનીયર કોર્પોરેટરરોએ ચૂંટણી ન લડવાનું જણાવી દીધું હોવા છતાં તમામને ભાજપ દ્વારા વીઆરએસ આપવામાં આવશે નહીં. પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજને પોતાની રીતે ચૂંટણી લડવી કે ન લડવી તે અંગેનો નિર્ણય લેવા માટે પક્ષ દ્વારા સ્વતંત્રતા આપવામાં આવશે. બીજી તરફ અરવિંદ રૈયાણી રાજકોટ પૂર્વના ધારાસભ્ય પણ હોય તેઓને હવે ફરી મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઉતારવામાં ન આવે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે.ગત ટર્મમાં પ્રથમ અઢી વર્ષ  મેયર તરીકેની જવાબદારી નિભાવનાર ડો.જૈમન ઉપાધ્યાય અને પાછલી અઢી વર્ષની ટર્મમાં મેયર રહેનાર બીનાબેન આચાર્યની નિવૃત્તિ પક્ષ સ્વીકારી લે તેવું હાલ લાગી રહ્યું છે.

તમામ સિનિયરોને એકસાથે નિવૃત્ત કરી દેવામાં આવે તો મહાપાલિકામાં પાંચ વર્ષ શાસન ચલાવવું( જો જીતે તો)પક્ષ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થાય તેવું છે.ગત ચુંટણીમાં વિપક્ષ ૩૪ બેઠકોની જીત સાથે વધુ મજબૂત બન્યો હતો ન કરે નારાયણને આ વર્ષે પણ આવુ જ  પરિણામ આવે તો ઓછી બહુમતી સાથે શાસન ચલાવવું ભાજપ માટે કપરું બની રહે.આવા કોઇ સંજોગો ઊભા ન થાય તે માટે શક્તિશાળી ગણાતા નગરસેવક ઉદયભાઈ કાનગડ અને કશ્યપભાઈ શુક્લને પક્ષ દ્વારા નિવૃત્તિ આપવામાં ન આવે અને તેઓને ફરજિયાત પણ મહાપાલિકાની ચૂંટણી લડવાનો આદેશ પણ આપવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી. એકસાથે પાંચથી છ સિનિયર કોર્પોરેટરોને જો નિવૃત્તિ આપી દેવામાં આવે તો તમામ જવાબદારી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી પર આવી જાય આવામાં તેઓ સંગઠનની જવાબદારી સાથે મહાપાલિકાની જવાબદારી એમ બેવડા દબાણ નીચે આવી જાય. અનિલ રાઠોડ, બાબુભાઇ આહીર , રાજુભાઇ આધેરા, પુષ્કરભાઈ પટેલ જેવા સિનિયરો છે ખરા પરંતુ તે તમામ વિપક્ષનો મક્કમતાથી સામનો કરી શકે તેટલા હજી શક્તિશાળી બન્યા નથી બીજી તરફ અનામત બેઠકમાં  ફેરફાર થવાના કારણે કેટલાક નગરસેવકોએ પોતાનો વોર્ડ બદલવો પડે તેવી સ્થિતિ પણ સર્જાય છે,તો કેટલાકની ટીકીટ કપાય તેવો પણ ભય હાલ દેખાય રહ્યો છે. વર્ષ ૨૦૧૫ જેવું જોખમી વાતાવરણ નથી કે જ્યારે પાટીદાર અનામત આંદોલનની અસર શહેરના તમામ વોર્ડના પરિણામ પર પડી હતી વર્ષોથી ગઢ ગણાતા વોર્ડ ભાજપે ગુમાવવાનો વારો આવ્યો હતો.આ વખતે સ્થિતિ ખૂબ સારી છે.છતાં પક્ષ કોઈપણ જાતનું જોખમ લેવા માંગતો નથી. સીએમના હોમટાઉનમાં જો વિપક્ષ વધુ મજબૂત બને અને મહાપાલિકાના શાસનમાં વિપક્ષની ટકટક  વધે તો તેની અસર રાજ્યભરમાં પડે તેવી છે. આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખી અનિચ્છા વ્યક્ત કરવા છતાં ભાજપ તમામ સિનિયરોની નિવૃત્તિનો સ્વીકાર કરશે  નહીં. હજી ચૂંટણીઓની તારીખોનું એલાન થયું નથી તારીખની જાહેરાત  બાદ ભાજપ પોતાના નજીકના હરીફ ગણાતું  કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેના સમીકરણની ચકાસણી બાદ કેટલા સિનિયરોને હવે ઘરે બેસાડવા તે નક્કી કરશે.  પરિણામને હજી ઘણા મહિનાઓ બાકી છે છતાં પક્ષ નિશ્ચિત જીત છે તેમ માનીને વ્યૂહરચના ઘડી રહ્યું છે. એકમાત્ર નીતિનભાઈ ભારદ્વાજને જ પોતાની રીતે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવશે.છેલ્લા ઘણા મહિનાઓથી એ વાત પણ શહેર ભાજપમાં ચર્ચાઈ રહી છે કે આ વખતે નીતિનભાઈ ભારદ્વાજને બદલે તેઓના પત્ની વંદનાબેન વોર્ડ નંબર ૮ માંથી મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને અમુક વિશ્વસનીય સૂત્રો આ વાતને સો ટકા સાચી પણ કહી રહ્યા છે. સિનિયરોને નિવૃત્તિ હાલ પક્ષને કોઈ પણ રીતે પાલવે તેમ નથી. તેથી તમામ પ્રકારના સમીકરણોની પૂર્ણ ચકાસણી કર્યા બાદ જ ભાજપ દ્વારા કેટલા કોર્પોરેટરોને ઇચ્છા મુજબ નિવૃત્તિ આપવી તેનો નિર્ણય લેવામાં આવશે હાલ દેખાતાં સંજોગો મુજબ ધારાસભ્ય અરવિંદ રૈયાણી,પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને બીનાબેન આચાર્યની વાતનો સ્વીકાર કરી તેઓને ફરી મહાપાલિકાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે નહીં પરંતુ સંગઠનમાં અન્ય કોઇ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવું દેખાય રહ્યું છે.મેયર પદ માટે રાજ્ય સરકાર દ્વારા રોટેશન જાહેર કરાયા બાદ પણ સિનિયરોની નિવૃત્તિ અંગે ફેરવિચારણા કરવા માં આવશે હાલ તમામ સમીકરણો જો અને તો વચ્ચે રમી રહ્યા છે.