કોરોનાથી વિદ્યાર્થીઓને નુકસાન: G-SLETની પરીક્ષા તાત્કાલિક લેવા મુખ્યમંત્રીને રજૂઆત

સૌ.યુનિ.ના સેનેટ સભ્ય પ્રદીપ ડવ અને બોર્ડ સભ્ય પરેશ રબારીની શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત

ગુજરાતનાં વિદ્યાર્થીઓને અધ્યાપક સહાયક અને યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જી-સ્લેટની પરિક્ષા દર વર્ષે લેવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે ચાલુ વર્ષે ૨૦૨૦ માટેની જી.સ્લેટની પરીક્ષા લેવાઈ શકી નથી. જેના લીધે ગુજરાતનાં વિદ્યાર્થીઓને મોટુ નુકશાન થયું છે.જેથી તાત્કાલીક પણે કોલેજમાં અધ્યાપક સહાયક અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની જી.સ્લેટની પરીક્ષા યોજાય તેવી માંગ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને બોર્ડ સભ્યે શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

આ સંદર્ભે તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, રાજયમાં છેલ્લા ૬ વર્ષથી અધ્યપાક સહાયકની ભરતી બંધ છે. જેના કારણે પી.એચ.ડી. નેટ, જીસેટ જેવી ઉચ્ચ શિક્ષણ ડિગ્રીઓ ધરાવતા બેરોજગાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં ૨૦૧૪ની છેલ્લી ભરતી બાદ રાજય સરકાર દ્વારા માર્ચ ૨૦૨૦ના રોજ વિવિધ વિષયના ૯૬૦ જેટલા અધ્યાપક સહાયકની ભરતી માટે જાહેરાત અપાઈ હતી. પણ રાજયમાં કોરોના વાયરસની મહામારીના કારણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની ભરતી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ એક નવી જાહેરાત પણ આપવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં યુજીસી નેટની પરિક્ષા ડિસેમ્બર માસમાં કોવિડ ૧૯ની ગાઈડલાઈન સાથે લેવામાં આવી હતી. ઉપરાંત જી.નીટ જેવી અગત્યની પરિક્ષાઓ સંપૂર્ણ ગાઈડલાઈન સાથે લેવાયેલ હતી વિવિધ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબજ સારા વાતાવરણમાં લેવાયેલી હતી. તો ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે અધ્યાપક સહાયક અને આસિસ્ટંટ પ્રોફેસર બનવા માટે ખૂબજ અગત્યની એવી જી.સ્લેટની પરિક્ષાનું આયોજન કરવામાં આવે તો લાખો વિદ્યાર્થીઓને આગામી સમયમાં સરકારની ભરતીમાં બહોળો લાભ મળી શકે.