હઠુભાના રાજીનામાનો મામલો: આ તો ભાજપનો આંતરિક પ્રશ્ન, મારે કંઇ લેવા દેવા નહીં: હાથ ખંખેરતા કગથરા

પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ પ્રમુખ પદેથી ઓચિંતું રાજીનામુ આપતા અનેક તકવિતર્ક ઊભા થયા છે. હઠીસિંહ જાડેજાએ રાજીનામું સ્વેચ્છાએ ધર્યું કે દબાણથી એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે. આ બાબતે અગાઉ રાજીનામુ મોહનભાઇના કહેવાથી આપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. જેની પૃચ્છા કરવા મોહનભાઇને અબતકે પૂછ્યું તો તેઓએ સંકલન સમિતિએ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

પડધરી- ટંકારા વિધાનસભા ક્ષેત્રના કહેવાતા સક્રિય ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રાજીનામાં પ્રકરણ મુદ્દે કહ્યું હતું કે આતો ભાજપનો આંતરિક પ્રશ્ન છે. મારે તેમાં કઈ લેવા દેવા નથી. જો કે ચર્ચાતી વિગત મુજબ ભાજપના આ રાજીનામાં પ્રકરણને કોંગ્રેસ ખૂબ મોજથી માણી રહ્યું છે. અબતક દ્વારા ધારાસભ્યને પૂછવામાં આવ્યું હતું કે સ્થાનિકો કહી રહ્યા કે તમે કોરોનાકાળમાં પડધરી પંથકને ભૂલી ગયા હતા. ત્યારે ધારાસભ્યએ કરેલા કામોનો હિસાબો કરતા કહ્યું હતું કે તેઓએ 120 ઑક્સિજનના બાટલાનું વિતરણ કર્યું હતું. હોસ્પિટલની વિઝીટ કરી હતી. 2000 ટેસ્ટિંગ કિટનું વિતરણ કર્યું હતું.

સાંસદ મોહનભાઇ કુંડારિયાને અબતકે રાજીનામાં પ્રકરણ મામલે પૂછતાં તેઓએ કહ્યું કે મોહન કુંડારિયા થોડા કોઈને હોદા પરથી દૂર કરવાના નિર્ણય લઈ શકે. તેઓએ વધુમાં કહ્યું કે રાજીનામાંનો નિર્ણય મેં નથી લીધો અને મેં હઠીસિંહ જાડેજાને રાજીનામુ આપવાનું કહ્યું પણ નથી. આ નિર્ણય ગત તા. 5ના રોજ સંકલન સમિતિની બેઠક મળી તેમાં લેવાયો હતો. હઠીસિંહ તો પક્ષને વફાદાર છે તો આ નિર્ણય શુ કામ લેવાયો તેવું પૂછતાં તેઓએ જણાવ્યું કે હઠીસિંહને જિલ્લા ભાજપમાં સ્થાન આપવાનું છે. માટે તેઓને તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું કહેવામાં આવ્યું હતું. અંતમાં મોહન કુંડારિયાએ કહ્યું કે હવે ટૂંક સમયમાં સંકલન સમિતિ નવા પ્રમુખનું નામ જાહેર કરશે.