નંદ ઘેર આનંદ ભયો: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો ધર્મોલ્લાસ

ગામે-ગામ રાજા રણછોડના જન્મોત્સવની ઉજવણી

જન્માષ્ટમીએ રાત્રે ૧૨:૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરાશે

મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે

આગામી તા.24ને શનિવારના રોજ જન્માષ્ટમીના પાવનપર્વે સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્મનો ધર્મોલ્લાસ છવાશે. ગામે-ગામ રાજા રણછોડના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીએ રાત્રે ૧૨:૦૦ કલાકે ભાવિકો ભાવભેર શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરશે. મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે સવારથી જ શ્રીકૃષ્ણના મંદિરોમાં ભાવિકોની ભીડ જામશે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી-ઘોડા-પાલખીના’ નારા સાથે આભ ગુંજી ઉઠશે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ભારતમાં સમસ્ત અવતારોમાં વિષ્ણુના પૂર્ણ અવતાર મનાતા ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર જેટલું ચર્ચાસ્પદ રહ્યું છે, એટલું બીજા કોઈ દેવનું રહ્યું નથી. ભગવાન શ્રીકૃષ્ણનું નટખટ બાળપણ ચપળતાથી પરિપૂર્ણ હતું તો યુવાવસ્થા શૃંગાર રસથી તરબોળ, એક તરફ રાધા સાથે એકનિષ્ઠ પ્રેમ અને બીજી બાજુ ગરીબ બ્રાહ્મણ મિત્ર સુદામાથી અપાર સ્નેહ. ભગવાન શ્રીકૃષ્ણ વિશે દેવીપુરાણની એક કથામાં એવો ઉલ્લેખ છે કે એક વખત શકિતનું પ્રતિક મહાકાળીએ ભગવાન શંકર સમક્ષ એમની ઈચ્છા પ્રગટ કરી, હું પુરુષરૂપ લઈ તમારી સાથે પ્રેમ કરવા માંગું છું. એમનો આ પ્રસ્તાવ સાંભળીને ભગવાન શિવે એમની ઈચ્છા દ્વાપરયુગમાં પુરી થશે એવા આશિર્વાદ આપ્યા. આ કથાના અનુસંધાને માતા મહાકાળીએ દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર ધારણ કર્યો અને ભગવાન શંકરે રાધાના સ્વરૂપે એમની પ્રેમ સખી બનીને અવતાર લીધો.

હિંદુઓના રંગીલા ભગવાન શ્રીકૃષ્ણનું દરેક સ્વરૂપ એના ક્ષેત્રમાં પોતાનો અલગ પરિચય કરાવતું રહસ્યમય, ચમત્કારીક અને એટલું વિવાદાસ્પદ રહ્યું છે કે દુનિયાનો કોઇ જ ખૂણો એવો હશે જયાં લોકો શ્રીકૃષ્ણની લીલાઓથી પરિચિત હશે. મહાભારતના ક્રોધી અવસરવાદી, કુશળ યોદ્ધા, દ્રઢ પ્રતિજ્ઞા અને કુટનિતિજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણની લીલાના સમગ્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં અને નેપાળના સોળમી સદીના કૃષ્ણ મંદિરમાં પણ જન્માષ્ટમીના અવસરે કૃષ્ણલીલાના દર્શન થાય છે. શ્રાવણ માસ શરૂ થતા જ દેશ-વિદેશના ભાવિકોની ભીડ મથુરા, વૃંદાવન અને દ્વારકા તરફ દોડવા લાગે છે. જયાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બાળ સખાઓ સાથે બાળપણ વિતાવ્યું હતું, ગાયો ચરાવી હતી અને વાંસળીના મધુર સુર રેલાવ્યા હતા તથા ગોપીઓ સાથે રાસલીલા કરી હતી.

આમ શ્રીકૃષ્ણ દેખીતી રીતે રાજા ન થયા પણ તેમણે અનેક દુષ્ટ રાજાઓને પછાડયા અને ઈષ્ટ રાજાઓને પુન:પ્રતિષ્ઠિત કર્યા. એમ કરવા માટે એમણે અનેક પડકારો દીધા અને લીધા. છેવટે વિજય તો એમનો જ થતો રહ્યો. આવા શુરા શ્યામ રણછોડ પણ કહેવાયા. રણછોડ એટલે યુદ્ધનું મેદાન છોડીને નાસી જનાર. મથુરા મુકામેથી આથમણી કોણે દોડી જવાનો એમનો હેતુ મથુરાને જાળવવાનો હતો, જરાસંઘને પીઠ બતાવવાનો ન હતો. કહેવાતી કાયરતામાં પણ ભારોભાર સુઝ અને શૌર્ય ભરેલા હોય છે તેનું સચોટ ઉદાહરણ રણછોડ શ્રીકૃષ્ણ છે. બીજાની સલામતી ખાતર પોતાની કિર્તીને કોરાણે મુકનાર રાજા રણછોડ લોકોની દિલની દ્વારિકામાં છે, દ્વારકામાં કોણ છે ? એમ પુછનાર વાસ્તવમાં અંતરમાં કોણ છે એની આંતરખોજ કરવા પ્રેરે છે અને તેનો કૃષ્ણપ્રેમી ભકતો ઝળહળતો જવાબ આપે છે – રાજા રણછોડ છે.