વૈશ્વિક માન્યતા મેળવવા તાલિબાનોના હવાતિયા

માત્ર કાબુલ કબ્જે કરવાથી દેશ ચલાવી ન શકાય!!

દેશ કબ્જે કર્યા બાદ હવે સુશાસન સ્થાપવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેવો ડોળ ઉભો કરાયો :  મહિલાઓને સરકારમાં સ્થાન આપવા, વિરોધીઓને માફ કરવા, હિંસા ન ફેલાવવા અને અન્ય દેશો સાથે સારા સંબંધો રાખવા સહિતની આશ્ચર્યજનક જાહેરાતો

અબતક, નવી દિલ્હી : માત્ર કાબુલ કબ્જે કરવાથી દેશ ચલાવી ન શકાય. આ વાત તાલિબાન બરાબર રીતે સમજતું હોય તેને દેશ ચલાવવા માટે વૈશ્વિક માન્યતા મેળવવા હવાતિયાં શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે તાલિબાને મહિલાઓને સરકારમાં સ્થાન આપવા, વિરોધીઓને માફ કરવા, હિંસા ન ફેલાવવા અને અન્ય દેશો સાથે સારા સંબંધો રાખવા સહિતની આશ્ચર્યજનક જાહેરાતો કરી દીધી છે.

તાલિબાન વૈશ્વિક માન્યતા મેળવવા પોતાની ખરડાયેલી  છબીનું મેકઓવર કરતા હોય તેમ પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાલિબાનોના અગાઉના શાસનમાં મહિલાઓની અત્યંત દયનીય હાલત થઈ હતી તેને ભૂલાવવા માગતા હોય તેમ તેમણે ઈસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમજ પોતાનો ઉદાર ચહેરો દર્શાવતા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઈન્ટર્વ્યૂ પણ આપ્યો હતો. તાલિબાનના આ ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. છતાં તાલિબાનોનું અગાઉનું શાસન જોઈ ચૂકેલા લોકો હજુ પણ તેમનાથી ભયભીત છે.

તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઇનામુલ્લા સનમગનીએ પહેલી વખત સંઘીય સ્તરે શાસન તરફથી ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં બધા જ અફઘાનીઓને માફી આપવામાં આવશે. દરમિયાન કાબુલમાં અત્યાર સુધી કોઈની હેરાનગતિ કે લડાઈની મોટી ઘટના નોંધાઈ નથી.

તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય ઈમાનુલ્લા સમનગનીની સમગ્ર અફઘાનિસ્તાનમાં મંગળવારે જાહેર માફીની જાહેરાત અસ્પષ્ટ હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે તેઓ કેવી રીતે શાસન કરશે તેના સંકેત તેમણે સંકેત આપ્યા છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલાહ મુજાહિદે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહિલાઓને અધિકારો આપવાથી માંડીને વિદેશી દૂતાવાસોને સંરક્ષણ પૂરું પાડવા સહિતની ખાતરી આપી હતી.

કોઈપણ લડત વિના અફઘાનિસ્તાનના મોટાભાગના શહેરો પર કબજો જમાવનારા તાલિબાનોએ ૧૯૯૦ના દાયકાના અંતના તેમના અત્યંત ક્રૂર શાસનથી એકદમ વિપરિત પોતાની આધુનિક છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અનેક અફઘાનો તેમની નવી ઈમેજ અંગે શંકાશીલ છે. જૂની પેઢી તાલિબાનની આત્યંતિકવાદી વિચારધારાને યાદ કરી રહી છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં આવ્યું તે પહેલાં ત્યાં સજા તરીકે પથ્થર મારવા અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવતી હતી.

અન્ય તાલિબાની નેતાઓએ કહ્યું કે તેઓ અફઘાન સરકાર અથવા વિદેશી સેનાઓને સાથ આપનારા કોઈની સાથે બદલો લેવા માગતા નથી. સૂત્રો મુજબ તાલિબાનો પાસે સરકારમાં સહકાર આપવા માગતા લોકોની યાદી પણ છે.સમાનગનીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ૪૦ કરતાં વધુ વર્ષોથી સૌથી વધુ મહિલાઓએ પીડા વેઠવી પડી છે. ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન ઇચ્છતું નથી કે હવે મહિલાઓએ પીડાનો સામનો કરવો પડે. તેમણે શરિયા કાયદા હેઠળ સરકારી શાસન પ્રણાલિમાં સામેલ થવા મહિલાઓને આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારનું માળખું હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ અનુભવોના આધારે કહી શકું છું કે તે સંપૂર્ણતઃ ઇસ્લામિક નેતૃત્વવાળું હશે અને બધા પક્ષ તેનામાં સામેલ હશે.

તાલિબાનના પહેલાના આતંક અને અત્યારના નરમ મિજાજે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા!!

તાલિબાને આ વખતે પહેલા કરતાં અલગ વલણ દર્શાવ્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું છે. તાલિબાનનું આ વલણ દર્શાવે છે કે તેણે આ વખતે પહેલા કરતાં નરમ મિજાજ અપનાવ્યો છે અને કટ્ટરતાવાદી વલણ સાથે બાંધછોડ કરવાનું વલણ દાખવ્યું છે. જો કે આ ફક્ત તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલું નિવેદન છે કે પછી તેને તે વાસ્તવિક ધોરણે અમલમાં મૂકવાનું છે તે બાબત તો આવનારો સમય જ કહેશે.

ચીન અને પાકિસ્તાને તાલિબાનના શાસનને માન્યતા આપી, હવે રશિયા પણ તે જ દિશામાં

ચીન અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં તાલિબાનના સાશનને માન્યતા આપી છે. ગવે  રશિયા પણ તાલિબાનની સત્તાને માન્યતા આપવા તૈયાર હોય તેવા સંકેતો આપી રહ્યું છે. રશિયાએ તાલિબાનના વલણની પ્રશંસા કરી છે અને અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂતે કહ્યું હતું કે, તાલિબાનનું વલણ હકારાત્મક રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાલિબાને કાબુલને અગાઉના અધિકારીઓની સરખામણીએ વધારે સુરક્ષિત બનાવ્યું છે.