‘તાંડવ’ કેસ: હાઇકોર્ટે અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી ફગાવી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

ઈલ્હાબાદ હાઈકોર્ટે તાંડવ વેબ સિરીઝનું પ્રસારણ કરતી કંપની એમેઝોન પ્રાઈમ વીડીયોના ઈન્ડિયા ઓરિજિનલ્સના પ્રમુખ અપર્ણા પુરોહિતની આગોતરા જામીનની અરજી ફગાવી દેવામાં આવી છે.

ગુરુવારે અરજીને નકારી કાઢતા ન્યાયમૂર્તિ સિદ્ધાર્થની સિંગલ જજ બેંચે જણાવ્યું હતું કે આ તથ્ય સામે છે કે,અરજદારે આ દેશના બહુસંખ્યાક નાગરિકોના મૂળભૂત અધિકારો વિરુદ્ધ એક ફિલ્મના પ્રસારણને મંજૂરી આપીને ગેર બેજવાબદારીનું કામ કર્યું છે.

કોર્ટે કહ્યું, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે અરજદારે લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય FIR અંગે આગોતરા જામીન અરજી કરી હતી.” 11 ફેબ્રુઆરીએ તેને બીજી બેંચ દ્વારા ધરપકડથી વચગાળાની રાહત આપવામાં આવી હતી, પરંતુ તે તપાસમાં સહયોગ આપી રહી નહોતી.

આ આગોતરા જામીન અરજી ગ્રેટર નોઈડાના રાબુપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સામે રાહતની વિનંતી સાથે દાખલ કરવામાં આવી હતી. બલબીર આઝાદ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ‘તાંડવ’ વેબ સિરીઝ દ્વારા ઉત્તર પ્રદેશની છબીને કલંકિત કરવામાં આવી રહી છે, તેમજ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન પણ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આ વિવાદિત વેબ સિરીઝ અંગે દેશમાં કુલ 10 એફઆઈઆર અને 4 ગુનાહિત ફરિયાદો નોંધાઈ છે, દેશભરના ઘણા લોકોને લાગે છે કે આ વેબ સિરીઝ તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

આ મામલે કોર્ટે કહ્યું હતું કે,પશ્ચિમ ફિલ્મ નિર્માતાઓ ઈસા મસીહ અથવા મોહમ્મદ સાહેબની મજાક કરતા નથી, પરંતુ હિન્દી ફિલ્મ નિર્માતાઓ હજી પણ હિન્દુ દેવ-દેવીઓના સંદર્ભમાં આવું કરી રહ્યાં છે.