12 ડિસેમ્બરે 88 હજાર ઉમેદવારોએ જે પરિક્ષા આપી,
તેની ઉપર પાણી ફરી વળ્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર 12 ડિસેમ્બરે ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે.

પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળનેકેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં.

સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.

પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પૂછપરછ કરતાં તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શિર્કે પાસેથી મેળવી 09 લાખ રૂપિયામાં 9 ડિસેમ્બરે પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શિર્કેને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્યને પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ માટે આપ્યું હુતું. તે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિંટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.​​​​​​​​​

186 જગ્યા ભરવા માટે યોજાઈ હતી પરીક્ષા

વૈશ્વિક મહામારીને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

પેપરની નકલ રૂ. 15 લાખ સુધીમાં વેચવાનું ઘડાયું હતું કાવતરું

પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

પેપર લિક મામલે ગુજરાત કુખ્યાત બન્યું, 9 વર્ષમાં 10 પેપર ફૂટ્યા

  • GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
  • રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
  • મુખ્ય સેવિકા: 2018
  • નાયબ ચિટનીસ: 2018
  • પોલીસ લોકરક્ષક દળ: 2018
  • શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
  • બિનસચિવાલય ક્લાર્ક: 2019
  • DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: 2021
  • સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
  • હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.