આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાના સકંજામાં

હોમ આઇસોલેશન હેઠળ, સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા કરી અપીલ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓમાં મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ કોરોનાના સકંજામાં સપડાય ગયા છે. ગઇકાલે યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા બાદ તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. હાલ તેઓ હોમ આઇસોલેશન હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તેઓએ સંતર્ક રહેવાની અપીલ કરી છે. સાથેસાથ જરૂર જણાય તો કોરોના ટેસ્ટ કરાવી લેવા તાકીદ કરી છે.

રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હવે કોરોનામાં સપડાય રહ્યા છે. સતત સંક્રમણ વધી રહ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ હવે કોરોનામાં સપડાયા છે. દરમિયાન ગઇકાલે રાજ્યમાં કોરોનાના નવા 226 કેસ નોંધાયા હતા. રાજકોટમાં અમેરિકાથી આવેલા માતા-પિતા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

163 દર્દીઓ કોરોનાને મ્હાત કરવામાં સફળ રહ્યા હતા. રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંક 1500ને પાર થઇ ગયો છે અને 1524એ પહોંચી ગયો છે.

રાજ્યમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સતત કેસમાં વધારો નોંધાય રહ્યો છે. જો કે, હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. જે સૌથી મોટી રાહતની બાબત છે.