Abtak Media Google News

વડોદરા જિલ્લાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  પ્રેમિકાએ પ્રેમીને  મળવામાં સહેલાઇ પડે તે માટે છ વર્ષના પુત્રની હત્યા કરી નાંખી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતી પરિણીત સુમિત્રા પરમાર વેજલપુર ગામમાં રહેતા કિશન મનહર રાવળ સાથે લગ્નેતર સંબધો રાખતી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોની જાણ પતિ મુકેશને થતા તેને પત્નીને ઠપકો આપ્યો હતો. જે બાદ પત્નીએ બધાને મારી નાંખી પ્રેમી સાથે ભાગી જવાની ધમકી આપી.

મળતી માહિતી અનુસાર તેના લગ્ન આજથી આઠ વર્ષ પહેલા મુકેશ ગોવિંદભાઈ પરમાર સાથે થયા હતા. સુમિત્રા પરમાર બે સંતાનાની માતા છે.  સુમિત્રાનું તેના પિયર પાસે રહેતા કિશન મનહરભાઈ રાવળ સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. જેના કારણે તે તેના સંતાનનું ખાસ ધ્યાન રાખતી નહોતી. તેના પિયરમાં તેના પ્રેમીને મળવા વારંવાર જતી રહેતી હતી. તેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે વારંવાર બોલાચાલી પણ થતી હતી.

પરિણીતાને પ્રેમીને મળવા જવા માટે 6 વર્ષનો દીકરો નડતરરૂપ લાગતો હતો. જેથી બપોરના સમયે સુમિત્રાએ પોતાના જ પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પોતાના દીકરાનું માથું ઘર પાછળના થાંભલામાં ફસાવી દીધું હતુ. નિર્દયી માતા ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. ત્યાં આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોને આ અંગેની જાણ થતા પોલીસને જાણ કરી હતી.

પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઇને પીએમ કરાવવા તજવીજ હાથ ધરી હતી આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ  પોલીસે પ્રેમી અને પરિણીતાને ઝડપી પાડીને જેલ ના હવાલે કર્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.