Abtak Media Google News

ખમૈયા કરો મેઘરાજા

દક્ષિણ ગુજરાતને ચાર દિવસમાં મેઘરાજાએ ધમરોળી નાખ્યું: ખાડીના પાણી સુરત શહેરમાં ઘુસતા જળબંબાકાર: સૌરાષ્ટ્રમાં પણ બારે મેઘખાંગા જેવો માહોલ: સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો

કચ્છ પર મેઘો ઓળઘોળ, સિઝનનો કુલ ૧૩૨ ટકાથી વધુ વરસાદ: સૌરાષ્ટ્રમાં પણ ૧૧૨ ટકા વરસાદ વરસ્યો

ગીર-સોમનાથના તાલાળામાં સવારથી મેઘતાંડવ: ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ

શ્રાવણ પુરો થવા આવ્યો છતાં શ્રાવણના સરવડા હજુ ‘ભારે’ રહેશે

રાજયભરમાં મેઘરાજા મહેરબાન થયા હોય ત્યારે છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શ્રાવણ પુરો થવા આવ્યો છતા શ્રાવણના સરવડા હજુ ભારે રહેશે તેવું લાગી રહ્યું છે. હાલ રાજયમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડેલા ભારે વરસાદનાં કારણે નદી-નાલા છલકાઈ રહ્યા છે.

ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે તો અનેક જગ્યાએ ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતને ચાર દિવસમાં મેઘરાજાએ જાણે ધમરોળી નાખ્યું હોય તેમ સુરત શહેરમાં ખાડીના પાણી ઘુસતા જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જયારે સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં પણ છેલ્લા ચાર દિવસમાં અનરાધાર મેઘો વરસ્યો છે. કચ્છ પર પણ મેઘો મહેરબાન થયો છે. કચ્છમાં રેકોર્ડબ્રેક સિઝનનો અત્યાર સુધીનો કુલ ૧૩૨ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જયારે સૌરાષ્ટ્રમાં પણ ૧૧૨ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં ક્રમશ: લો-પ્રેશર સર્જાતા હજુ ચાર દિવસ રાજયભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જુનાગઢ સહિત સમગ્ર સોરઠમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના કારણે નાના-મોટા ૧૨ જેટલા ડેમો ઓવરફલો થઈ જવા પામ્યા છે તો ૮ ડેમના પાટીયા ખોલવામાં આવ્યા છે જેને લઈ ૨૪ જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો ભારે વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડુતોએ આગોતરા વાવેતરમાં ઘઉંના પાક સહિતને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે કારણકે મોંઘાદાટ બિયારણો, મોંઘી દવાઓના ખર્ચા કર્યા બાદ શિયાળુ સિઝન દરમિયાન પાકની નુકસાન ભરપાઈ કરવી મુશ્કેલ થઈ શકે છે ત્યારે શ્રાવણમાં ચોમાસુ સારું રહેતા ડુંગળી સહિતના પાકો ફેઈલ ગયા છે અને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી હવે ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસનાં વરસાદની વાત કરીએ તો ૧૩મી ઓગસ્ટે રાજયનાં ૨૩૪ તાલુકામાં મેઘો જામ્યો હતો જેમાં સુરતનાં માંડવીમાં ૮ ઈંચ, સોનગઢમાં ૮ ઈંચ, પારડીમાં ૭ ઈંચ, જેતપુરમાં ૫॥ ઈંચ અને ભાણવડમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે ૧૪મીએ આણંદમાં ૧૪ ઈંચ, ઉમરપાડામાં ૧૨ ઈંચ, લખતરમાં ૯ ઈંચ, નડીયાદમાં ૮ ઈંચ, ડેડીયાપાડામાં ૭ ઈંચ, વઢવાણમાં ૬ ઈંચ, મહુવામાં ૫॥ ઈંચ વરસાદ નોંધાયો હતો. ૧૫મી ઓગસ્ટે સુરતનાં માંગરોળમાં ૮ ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી જયારે સૌરાષ્ટ્રનાં ઉનામાં ૫ ઈંચ, જાફરાબાદમાં ૪ ઈંચ, ગીર ગઢડામાં ૪ ઈંચ અને વંથલીમાં પણ ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકનાં વરસાદની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કચ્છનાં માંડવીમાં ૫॥ ઈંચ, કચ્છનાં મુદ્રામાં ૫॥ ઈંચ, તાપીનાં વાલોદમાં ૫ ઈંચ, આણંદનાં તારાપુરમાં ૫ ઈંચ, ભરૂચનાં નેત્રંગમાં ૫ ઈંચ, વાલીયામાં ૪॥ ઈંચ, ખંભાતમાં ૪ ઈંચ, સુરતનાં મહુવામાં ૪ ઈંચ, કચ્છનાં ગાંધીધામમાં ૨॥ ઈંચ, આણંદનાં પેટલાદમાં ૨॥ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.

આજે સવારથી રાજયનાં ૬૪ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે જેમાં સૌથી વધુ વરસાદ તાપીનાં ડોલવાણમાં અઢી ઈંચ, ડાંગમાં વઘઈમાં ૨ ઈંચ, નવસારીનાં વાસંદામાં ૨ ઈંચ, સુરતનાં કામરેજમાં દોઢ ઈંચ, બારડોલી અને મહુવામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથમાં આજે વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સવારે ૪ કલાકમાં ગીર સોમનાથનાં તાલાલામાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ક્રમશ: લો-પ્રેશર સક્રિય બનતા રાજયમાં હજુ આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, દાદરાનગર હવેલી દમણ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં મેઘરાજા જાણે પ્રસન્ન થયા હોય તેમ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. કચ્છમાં સિઝનનો કુલ ૧૩૨.૩૫ ટકા વરસાદ નોંધાઈ ચુકયો છે. સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો કુલ ૧૧૨.૪૭ ટકા વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રનાં ૩૮ ડેમો ઓવરફલો થયા

સૌરાષ્ટ્રનાં ૩૮ ડેમો ઓવરફલો થયા છે જેમાં રાજકોટ જિલ્લાનાં મોજ, ફોફળ, સોડવદર, સુરવો, વાછપરી, વેરી, ફાડદંગબેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી -૧, છાપરવાડી-૨, મોરબી જિલ્લાના બંગાવડી, જામનગર જિલ્લાના સસોઈ, પન્ના, ફુલઝર-૧, સપડા, ફુલઝર-૨, વીજરપી, ડાઈ મીણસર, ફોફળ-૨, ઉંડ-૩, વાડીસંગ, રૂપાવટી, રૂપારેલ અને સસોઈ-૨, દ્વારકા જિલ્લામાં ઘી, વર્તુ-૧, ગઢકી, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-૧, સીંધણી, કાબરકા, વેરાડી-૨, મીણસાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વાંસલ, ત્રિવેણી ઠાંગા તેમજ પોરબંદર જિલ્લામાં સોરઠી ડેમ ઓવરફલો થયો છે.

ગુજરાત, રાજસ્થાન અને અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા

ગુજરાત સહિત દેશભરમાં અનેક સ્થળોએ ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યાં છે. આજે સવારે ભચાઉ-કચ્છથી ૧૪ કિ.મી. દૂર ૧.૮ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ત્યારબાદ ૯:૨૧ કલાકે પણ કચ્છમાં વધુ એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકો ૨.૧ની તિવ્રતાનો હતો. ખાવડા-કચ્છથી ભૂકંપનું કેન્દ્રબિંદુ ૩૫ કિ.મી. દૂર હતું. આ ઉપરાંત સ્વતંત્ર્તા પર્વના દિવસે પણ ગુજરાતમાં અલગ અલગ ચાર આંચકા અનુભવાયા હતા. આ આંચકા લાલપુર, ઉપલેટા અને કચ્છના દુધઈ નજીક અનુભવાયા હતા. લાલપુરથી ૨૯ કિ.મી. દૂર એપી સેન્ટર હતું. આ આંચકો ૧.૭નો હતો. જ્યારે ઉપલેટાથી ૨૨ કિ.મી. દૂર એપી સેન્ટર ધરાવતા ભૂકંપનો આંચકો પણ ૧.૭ની તિવ્રતાનો હતો.

જ્યારે દૂધઈ-કચ્છથી ૨૩ કિ.મી. દૂર એપી સેન્ટર ધરાવતા ભૂકંપનો આંચકો ૩.૩ની તિવ્રતાનો હતો. રાજસ્થાનમાં પણ ગઈકાલે ભૂકંપ અનુભવાયો હતો. બીકાનેરથી પશ્ર્ચિમ દિશાએ ૬૮૫ કિ.મી. દૂર એપી સેન્ટર હતું. આ આંચકો ૪ની તિવ્રતાનો હતો. બીજી તરફ અરૂણાચલપ્રદેશમાં પણ ૪.૫ની તિવ્રતાનો આંચકો અનુભવાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.