- વાતાવરણમાં ઓચિંતો પલટો!!
- ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાત થતાં 55 કામદારો દટાયા: 33નું રેસ્ક્યુ પણ 22 હજુ લાપતા
વાતાવરણમાં આવેલો અચાનક પલટો વિનાશ સર્જી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદથી ભારે તબાહી મચી ગઈ છે, જેના કારણે 500 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે અને અનેક પ્રદેશો અંધકારમાં ડૂબી ગયા છે. હિમપ્રપાત, ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે છેલ્લા 48 કલાકમાં સર્જાયેલા સંકટમાં વધારો થયો છે.
મંડી જિલ્લાના બનાલા નજીક ભૂસ્ખલન બાદ ચંદીગઢ-મનાલી હાઇવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. તે જ જિલ્લામાં પાંડોહ નજીક ચાર માઇલ પર વધુ એક ભૂસ્ખલન થવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભૂસ્ખલન અને હિમપ્રપાતના કારણે શિમલા-કિન્નૌર હાઇવે અનેક સ્થળોએ અવરોધાઈ ગયો હતો. કિન્નૌરમાં ટિંકુ નાલા અને જંગી નાલા નજીક હિમપ્રપાતથી મુશ્કેલીઓ વધી ગઈ હતી.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં માના નજીક બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) કેમ્પમાં એક શક્તિશાળી હિમપ્રપાતના કારણે 55 કામદારો બરફ નીચે જાડા ધાબળામાં ફસાઈ ગયા હતા. જેમ જેમ બચાવ કામગીરી શરૂ થઈ હતી, 33 મજૂરોને સલામત સ્થળે ખેંચી લેવામાં આવ્યા હતા, પરંતુ 22 હજુ પણ ગુમ થયા હતા. બચાવ ટુકડીઓએ દિવસભર અવિરતપણે કામ કર્યું પરંતુ જેમ જેમ રાત પડી બગડતા હવામાને તેમને કામચલાઉ ધોરણે કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, “સ્થિતિ ગંભીર છે, ક્ધટેનર છથી સાત ફૂટ બરફ નીચે દટાયેલા છે.”
બીજી બાજુ હવે ઉનાળા અંગે જો વાત કરવામાં આવે ટો 1901 માં દેશમાં રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારથી ફેબ્રુઆરી મહિનો ભારતમાં સૌથી ગરમ રહ્યો હતો અને આગામી ગરમ હવામાન ઋતુ (માર્ચ-મે) દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન ગરમીના દિવસોની સંખ્યા વધુ હોવાની શક્યતા છે, એમ હવામા વિભાગે શુક્રવારે જણાવ્યું હતું.
2025 ના બંને મહિના અત્યાર સુધીના રેકોર્ડ પર ટોચના ત્રણ સૌથી ગરમ મહિનાઓમાં સ્થાન પામ્યા છે. કારણ કે 1901 પછી જાન્યુઆરી ત્રીજું સૌથી ગરમ વર્ષ હતું. અગાઉ 1901થી અત્યાર સુધીના રેકોર્ડમાં 2024ને સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું.એક પછી એક ગરમ શિયાળાના મહિનાઓ અને માર્ચમાં સામાન્યથી વધુ ગરમીની આગાહી ઘઉં સહિતના શિયાળાના પાકને તેમના પાકવાના તબક્કા દરમિયાન નકારાત્મક અસર કરી શકે છે. સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસોની આગાહી ચોક્કસ રાજ્યોમાં ઉત્પાદનને જોખમમાં મૂકી શકે છે જ્યાં વાવણીમાં વિલંબ થયો હતો.
રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ઝારખંડ, બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં માર્ચથી મે દરમિયાન સામાન્યથી વધુ ગરમીના મોજાની અપેક્ષા છે, એમ વરિષ્ઠ આઇએમડી વૈજ્ઞાનિક ડીએસ પાઇએ ગરમીની મોસમ માટે અંદાજ રજૂ કરતા જણાવ્યું હતું.
આકરા તાપ માટે તૈયાર રહેજો… રાજ્યમાં ગરમી કહેર વર્તાવશે: હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં શિયાળો પૂર્ણતાના આરે છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ એપ્રિલ મહિનાનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ હવે હવામાન વિભાગક્ષશ આગાહી છે કે, માર્ચથી મેં સુધી સતત ગરમીના નોંધપાત્ર વધારો થશે. હાલની સ્થિતિએ શુક્રવારે અમદાવાદમાં 36.6 ડિગ્રી ઉચ્ચતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સામાન્ય કરતાં 4.1 ડિગ્રી વધારે હતું. શુક્રવારે જાહેર કરાયેલ હવામાન વિભાગની માર્ચ થી મે મહિનાની લાંબા ગાળાની આગાહીમાં ભારતના મોટાભાગના ભાગોમાં ગરમીના સ્તરમાં વધારો થવાનું ભયાનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, ભાવનગર, અમરેલી અને બોટાદમાં ગરમીમાં વધારો નોંધાશે તેવી
આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા ખુબ વધુ રહેવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં મહત્તમ તાપમાનમાં સૌથી તીવ્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. ફક્ત જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તાપમાનની નજીક તાપમાન રહી શકે છે.