Abtak Media Google News

પ્રાણવાયુ-યુકત હિમોગ્લોબીન ધરાવતા રકતકણો ફેફસામાંથી હ્રદયમાં જાય છે, ત્યાંથી તે સુક્ષ્મ નળીઓ દ્વારા આખા શરીરમાં ફરે છે

રકતના લાલકણોમાં રહેલ રસાયણો રકતકણને તાકાત આપે છે તેમજ તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે: આમાના ઘણા રસાયણો એન્ઝાઇમ્સ છે જે રકતકણોમાં થતી રાસાયણિક ક્રિયાઓ માટે ઉપયોગી છે

એક માનવીની રકત જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે છે તેથી રકતદાનનું વિશેષ મહત્વ છે. લોહીનો લાલ રંગ પ્રેમ અને સહકારનો છે. રકતદાન કરવાથી ભાર નથી લાગતો પણ એક જીવનની મહત્વની ખુશી મળે છે. આજના યુવાનો ચલો કુજ અચ્છા કરેની થીમ સાથે બીજાના જીવન બચાવવા રકતદાન કરવા આગળ આવી રહ્યા છે જે ઘણી સારી બાબત છે. દરેક માનવીએ લોહીની સંરચના, કામગીરી સાથે રકતકણોની ઉત્પતિ, શ્ર્વેતકણો, ન્યુટ્રોફોલ્સ, લીમ્ફોસાઇટ, મોનોસાઇટસ અને ત્રાકકણ વિશે જાણવાની જરુર છે. રકતના કલોટિંગ વિશેની વાતમાં રકતસ્ત્રાવમાં જો લોહીનો ગઠ્ઠો ન જામે તો વ્યકિત એક નાના કાપામાંથી વહી જતા લોહીના કારણે મૃત્યુ પામે છે. બ્લડ કલોટિંગ એક ઇશ્ર્વરીયા આશિર્વાદ છે.

પરિપક્વ રક્તકણ છેદ વગરની નાની કેકના આકારના હોય છે. રક્તકણો સપાટ ગોળાકાર તકતી જેવા, જાડી અને વાળેલી બાજુવાળા તથા પાતળા અને ખાંચાવાળા કેન્દ્રવાળા હોય છે. મોટા ભાગના રક્તકણોમાં એક મધ્યસ્થ સંરચના હોય છે, જે ન્યુક્લીઅસ તરીકે ઓળખાય છે અને આ કેન્દ્રીય બળ રક્તકણોની ઘણી બધી કાર્યવાહીને નિયંત્રણમાં રાખે છે. પરંતુ પરિપક્વ રક્તકણને આ ન્યુક્લીઅસ હોતું નથી. આના ત્રણ આધારભૂત વિભાગો છે : (1) કોષની અન્તરત્વચા (ર) હિમોગ્લોબીન (3) રાસાયણિક દ્રવ્યોનો સમૂહ.

રક્તકણોની અન્તરત્વચા એક આવરણ જેવું કામ કરે છે, તેથી હિમોગ્લોબીન તથા અન્ય પદાર્થો કોષિકામાં સચવાય છે. આ અન્તરત્વચા ઘણી નરમ અને લચકવાળી છે. રક્તકણોનો વ્યાસ લગભગ 7 માઈક્રોન જેટલો છે. પરંતુ આ રક્તકણો એટલા નરમ અને વળી શકે તેવા છે કે 1 અથવા 2 માઈક્રોન વ્યાસ ધરાવતી સૂક્ષ્મતમ નળીઓમાંથી પણ તે પસાર થઈ જાય છે. એક માઈક્રોન બરોબર મીલીમીટરનો 0.1000મો ભાગ અથવા એક માઈક્રોન બરોબર 0.000039 ઇંચ.

રક્તકણોને જે પદાર્થ લાલ રંગ આપે છે તે છે હિમોગ્લોબીન. આ પદાર્થ રક્તકણોમાં પ્રાણવાયુ તથા ઘણા ઓછા પ્રમાણમાં અંગારવાયુનું પ્રસારણ શક્ય બનાવે છે.

1 10 2

હિમોગ્લોબીન બે તત્ત્વોનું બનેલું છે. એક જટિલ સંરચનાવાળું ‘હિમ’ જેમાં લોહતત્ત્વ હોય છે અને બીજું ગ્લોબીન જે પ્રોટીન છે. ફેફસાંમાં પ્રાણવાયુના પરમાણુ સૂક્ષ્મ નળીઓની દીવાલ મારફત રક્તમાં દાખલ થાય છે. આ પરમાણુઓ હિમોગ્લોબીનના લોહતત્ત્વ સાથે શિથિલ અવસ્થામાં જોડાય છે. પ્રાણવાયુ-યુક્ત હિમોગ્લોબીન “ઓક્સી-હિમોગ્લોબીન” તરીકે ઓળખાય છે.

પ્રાણવાયુ-યુક્ત હિમોગ્લોબીન ધરાવતા રક્તકણો ફેફસાંમાંથી હૃદયમાં જાય છે. ત્યાંથી તે સૂક્ષ્મ નળીઓ દ્વારા આખા શરીરમાં ભ્રમણ કરે છે. સૂમ નળીઓની દીવાલ મારફત પ્રાણવાયુ શરીરના સેન્દ્રિય પદાર્થોમાં પ્રવેશે છે. શરીરના કોષોમાં રહેલ અંગારવાયુ લોહીમાં આવી જાય છે અને હિમોગ્લોબીનમાં રહેલ ગ્લોબીન સાથે ભળી જાય છે. અંગારવાયુવાળા રક્તકણો હૃદયમાં પાછા ફરે છે, જ્યાંથી તેમને પમ્પ દ્વારા ફેફસાંમાં મોકલવામાં આવે છે. ફેફસાંમાં હિમોગ્લોબીન અંગારવાયુને મુક્ત કરે છે, જે ઉચ્છવાસ દ્વારા બહાર ફેંકાઈ જાય છે અને શ્ર્વાસ મારફત અંદર આવેલ પ્રાણવાયુનો નવો જથ્થો હિમોગ્લોબીન ઉપાડી લે છે.રક્તના લાલ કણોમાં રહેલ રસાયણો રક્તકણને તાકાત આપે છે તેમજ તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમાંનાં ઘણાં રસાયણો એન્ઝાઈમ્સ છે. રક્તકણોમાં થતી જરૂરી રાસાયણિક ક્રિયાઓ માટે એન્ઝાઈમ્સ ઉપયોગી છે, કેમકે તેના અભાવમાં આ ક્રિયાઓ કાં તો બહુ જ ધીમી ગતિથી થાય છે અથવા બિલકુલ થતી નથી.

રક્તકણોની ઉત્પત્તિ :

રક્તકણની ઉત્પત્તિ હાડકાની મજ્જામાંથી થાય છે. આ ઉત્પાદનની પ્રક્રિયા માટે ઘણાં તત્ત્વોની જરૂર પડે છે, જેવાં કે તાંબું, લોહ, પ્રોટીન અને ઘણાં ખરાં વિટામીન સમતોલ ખોરાકમાંથી આ બધાં તત્ત્વો મળી રહે છે.

અપરિપક્વ રક્તકણો પૂર્ણ પરિપકવ રક્તકણો કરતાં મોટા હોય છે અને તેમને ન્યુક્લીયસ (કેન્દ્રિત બળ) હોય છે. હાડકાની મજ્જામાંથી જેમ-જેમ રક્તકણો વિકાસ પામતા જાય છે, તેમ-તેમ તેઓ હિમોગ્લોબીન બનાવતા જાય છે. સાધારણતયા દરેક કણ રકતમાં ભળતાં પહેલાં તેનું ન્યુક્લીયસ ગુમાવે છે. હાડકાની મજ્જામાં થતા પૂર્ણ વિકાસ માટે સાધારણ રીતે એક અઠવાડિયાનો સમય લાગે છે. પરંતુ રક્તમાં રહેલ પ્રાણવાયુ-તત્ત્વમાં ઘટાડો થાય, દા.ત. એકદમ થતો રક્તસ્રાવ, ત્યારે કીડની દ્વારા એરીથ્રો-પોઈટીન નામનો હોર્મોન છૂટો થાય છે.

મજ્જામાંથી લોહીના લાલ કણની ઉત્પત્તિ તીવ્ર ગતિએ કરવામાં આ હોર્મોન કારણભૂત છે.રક્તપ્રવાહમાં ભળ્યા પછી રક્તકણનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે. જૂનાપુરાણા રક્તકણો લોહીમાંથી લગભગ એક સેક્ધડના ર0 લાખ લેખે દૂર થાય છે અને મુખ્યત્વે યકૃત તથા બરોળમાં એ નાશ પામે છે. આવા જૂનાપુરાણા રક્તકણોમાં રહેલ પ્રોટીન અને લોહ ફરીવાર હાડકાની મજ્જામાં પ્રવેશે છે, જે નવા રક્તકણો બનાવતી વખતે બીજી વાર ઉપયોગમાં આવે છે.

રક્તકણોની સ્વસ્થ કામગીરીમાં વિકૃતિઓ માંહેની એક એનીમિયા છે, જેમાં સારા પ્રમાણમાં સ્વસ્થ રક્તકણો જરૂરિયાત કરતાં ઘણા ઓછા થઈ જાય છે. એનીમિયાના મોટા ભાગના કિસ્સા ત્રણમાંથી કોઈ એક કારણથી થાય છે ? (1) જરૂરિયાત કરતાં રક્તકણોની ઓછી ઉત્પત્તિ (2) રક્તસ્રાવ (3) રક્તકણોનો તીવ્ર ગતિથી ક્ષય. રક્તકણોની સંખ્યા સ્વીકૃત ધોરણ કરતા કોઈવાર વધી જાય છે. આ સ્થિતિ એરી થ્રોસાઈટોસીસ તરીકે ઓળખાય છે, જેમાં હાડકાની મજ્જામાંથી રક્તકણોનું વધુ પડતું ઉત્પાદન થાય છે.

પુરક માહિતી:- રહસ્યમય રકત -પુસ્તક – લાઇફબ્લડ સેન્ટર – રાજકોટ

ચલો આજ કુછ અચ્છા કરે, રકતદાન કરે !!

કોઇના બુઝાતા દિપકને તમારા રકતદાનથી ફરી પ્રજજવલિત કરીને મળત ખુશીનો આનંદ અનેરો છે. ‘ચલો આજ કુછ અચ્છા કરે, રકતદાન કરે’ આ દાનનો ભાર ન લાગે પણ પ્રેમ સહકાર સાથે નિજાનંદ મળે છે. આજે યુવા વર્ગ આ દિશા તરફ વળ્યો છે. જેમાં બ્લડ બેંક દ્વારા જનજાગૃતિનો મહત્વનો ફાળો છે. આજે તો ખુશીના આનંદના પ્રસંગે, બર્થ ડે, મેરેજ ડેઇટ સાથે જીવનના મહત્વના દિવસે યુવા વર્ગ સામે ચાલીને રકતદાન કરે છે. જે સમાજ માટે ખુબ જ સારી બાબત છે. એક ફિલ્મમાં આવેલી ‘થેન્કયુ’ મુવમેન્ટ રકતદાનના પ્રચાર માટે ખુબ જ ફિટ બેસે છે, રકતદાન માટે આભાર નહી બીજા ત્રણને તમો રકતદાનની પ્રેરણા આપીને સમજાવો તેવી ઝુંબેશ ચલાવવી જોઇએ. રાજકોટની લાઇફ બ્લડ બેંક છેલ્લા 40 વર્ષથી આ ક્ષેત્રે સતત અને સક્રિય કામગીરી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.