Abtak Media Google News

ઇ-ધરા કેન્દ્રમાં ઓફલાઈન વ્યવસ્થા બંધ કરાઈ, મહેસુલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

હયાતીમાં હક્ક દાખલની ફેરફાર નોંધ માટેની કામગીરી અગાઉ ઓફલાઇન કરાતી હતી પરંતુ વહીવટી કામગીરીમાં ઝડપ લાવવા માટે આ કામગીરી હવે ફરજિયાત ઓનલાઇન કરવાનો નિર્ણય મહેસુલ વિભાગે જાહેર કર્યો છે.

સરકારે અગાઉ વારસાઈ નોંધ ઓનલાઇન કરવાની સવલત શરૂ કર્યા બાદ હાલના સમયે હયાતીમાં હક્ક દાખલ કરવા માટેની ફેરફાર નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરાયેલા અરજી ફોર્મમાં જરૂરી પૂરાવા જેવા કે, હક્ક દાખલનો સંમતિ લેખ, તલાટીએ બનાવેલા પેઢીનામા સાથે ઇ-ધરા કેન્દ્રમાં અરજી કરાય છે. જે ઇ-ધરા નાયબ મામલતદાર ચકાસીને જો અરજી સાથે તમામ પૂરાવા રજૂ કરેલા હોય કે, ન હોય તો પણ કાચી નોંધ પાડવામાં આવે છે અને અરજદારને જે રસીદ આપવામાં આવે તેમાં ખૂટતા પૂરાવાની વિગતો દર્શાવાય છે.

આવશ્યક તમામ પૂરાવા રજૂ થયેલા હોય તો કાચી ફેરફાર નોંધ જનરેટ થયા બાદ 135-ડીની નોટિસ અરજદાર અને સંબંધિત તમામ લોકોને મોકલી આપવામાં આવે છે. આ ઓફલાઇન પધ્ધતિના બદલે હવે વહીવટી પ્રક્રિયા કોમ્પ્યૂટરાઇઝ, સુદ્રઢ અને ઝડપી બનાવવા હવેથી હયાતીમાં હક્ક દાખલની ફેરફાર નોંધની અરજી ફરજિયાત ઓનલાઇન કરવાની રહેશે. આ અરજી htpp://iora.gujarat.gov.in પર શ્રુતિ ફોન્ટમાં કરવાની રહેશે. અરજીમાં હિત ધરાવનારા તમામના નામ, સરનામા, મોબાઇલ નંબર, ઇ-મેઇલ સહિતની વિગતો જણાવવી પડશે.

નાગરિકે ઓનલાઇન અરજી સાથે હયાતી હક્ક દાખલનો સંમતિલેખ, પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ વધુમાં વધુ 15 દિવસમાં અરજી, હયાતીમાં હક્ક દાખલનો સંમતિલેખ, પેઢીનામાના અસલ દસ્તાવેજો જે-તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સાથે ગામ નમૂના 7/12, 8-અ, જેવા અન્ય કોઇ દસ્તાવેજ અપલોડ કરવાના નહિ રહે.

કોઇ, ચોક્કસ કિસ્સા માટે કોઇ હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે. અરજદાર ઓનલાઇન અરજી સબમીટ કરે ત્યારે આપોઆપ હક્ક દાખલ નોંધ જનરેટ થશે અને નોંધ નંબર પણ જનરેટ થશે, જેની જે વ્યક્તિના મોબાઇલ નંબર હશે તે તમામને એસએમએસથી જાણ થશે. ઓનલાઇન અરજી બાદ 10 દિવસમાં અરજદાર હક્ક દાખલનો સંમતિલેખ, પેઢીનામું રજૂ ન કરે તો 11મા દિવસે અરજદારને મેસેજથી જાણ કરવાની વ્યવસ્થા એન.આઇ.સી. દ્વારા કરવાની રહેશે.

મહેસુલ વિભાગને હજુ ડિજિટલાઇઝ થવાની જરૂર

ઇ-ધરા કેન્દ્રની તમામ સવલત ઓનલાઇન થાય તો અરજદારોને સરળતા રહે!

સ્ટાફની અછત વચ્ચે હજુ પણ વેચાણ, વહેંચણી, હક્ક કમી, બોજા અંગેની નોંધ માટે માત્ર ઓફલાઈનનો જ વિકલ્પ

મહેસુલ વિભાગે ડિજીટલાઇઝ થવા તરફ પ્રયાણ તો કર્યું છે. પણ હજુ વધુ ડિજીટલાઇઝ થવાની જરૂર છે જેથી સ્ટાફની અછત વચ્ચે પણ અરજદારોના કામ સરળ બની રહે અને અરજદારોને કચેરીના ધક્કા ન ખાવા પડે.

ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા અનેક મહેસુલી સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેનો લાભ અરજદારોને મળી રહ્યો છે. પણ વર્તમાન સમયમાં મહેસુલ વિભાગમાં અંદાજે 40 ટકા જેટલું મહેકમ ઓછું છે.ખાસ કરીને ઇ ધરા કેન્દ્રો કર્મચારીઓ બમણું કામ કરી રહ્યા છે. રજાના દિવસોમાં કામ કર્યે પણ કામ ખૂટે નહિ તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યા ખાળવા માટે સરકારે હજુ મહેસુલ વિભાગને વધુ ડિજિટલ બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.મહેસુલ વિભાગ દ્વારા અગાઉ વારસાઈ નોંધ માટે ઓનલાઇન સેવા શરૂ કરી હતી. ત્યારબાદ હવે હયાતી હક્કમાં ફેરફારની નોંધ માટે પણ ઓનલાઇન સેવા શરૂ કરી દીધી છે. તેવામાં હજુ પણ વેચાણ, વહેંચણી, હક્ક કમી, બોજા અંગેની નોંધ માટે માત્ર ઓફલાઈન પ્રક્રિયાનો જ વિકલ્પ ઉપ્લબ્ધ છે. જો આ તમામ નોંધની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે તો અરજદારો ઉપરાંત મહેસુલ વિભાગને પણ સરળતા રહે તેમ છે.

જોડણી, નામ સુધારો એસ ફોર્મ ઇ ધરા કેન્દ્રમાં ધ્યાને નહિ લેવાય તો થશે તપાસ

નોંધનો નિર્ણય કરનારાને કાગળો ચકાસણી દરમ્યાન નોંધની સ્ક્રિપ્ટમાં જોડણીની કે, નામની કોઇ ભૂલ હોય તો અરજદાર દ્વારા રજૂ કરાયેલા હક્ક દાખલના સંમતિલેખ, પેઢીનામું તથા અસલ અરજીને ચકાસી તે મુજબ સુધારા સાથેની વિગતોનો ઉલ્લેખ નિર્ણયના લખાણમાં નિયમ મુજબ કરવાનો રહેશે. આવા સુધારા ફોર્મ એસ બનાવતી વખતે ઇ-ધરા નાયબ મામલતદારે ધ્યાને લેવાના રહેશે. જો તે ધ્યાને ન લીધા હોય તો આ કિસ્સો તપાસને પાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.