Abtak Media Google News
  • ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનનાં 12 અને અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ગયા જે અંગે ગૃહ મંત્રાલયને પત્ર પણ લખી દેવાયો

હીરાસર એરપોર્ટ ઉપર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે.  જેથી હવે આ એરપોર્ટ ઉપરથી ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઇની શરૂ થાય તેવી શક્યતા છે. જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતા વિકાસની ગતિ તેજ બનશે.

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઈમિગ્રેશનનાં 12 તો અરાઇવલના 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યાં છે અને તે માટે ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો છે. આ પત્રમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખ્યું છે. આ સાથે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ-2024માં નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડિપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યાં છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગામી શિયાળામાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ અગાઉ જાહેર કરાયું છે. જેમાં એક ચાર્ટર્ડ સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફલાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને સુરતની ફલાઇટ દૈનિક છે. જ્યારે ગોવા અને પુણેની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની 15.50 વાગ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે. જ્યારે આગામી વિન્ટર શેડ્યુલ એટલે કે 27 ઓક્ટોબરથી 29 માર્ચ દરમિયાન 16 ફ્લાઈટ ઉડાન ભરવાની છે. જેમાં 16માંથી 13 ફ્લાઇટ દૈનિક ઉડાન ભરશે તો પુણેની 17.05 વાગ્યાની ફ્લાઇટ સોમવાર, મંગળવાર અને રવિવારે, દિલ્હીની 20.00 વાગ્યાની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર તો દિલ્હીની જ 20.30 વાગ્યાની ફ્લાઈટ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે.

ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ઇન્ડિગોની 9 અને એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ મુંબઈ, દિલ્હી, ગોવા, અમદાવાદ, બેંગલુરુ અને પુણે તો 1 ચાર્ટર્ડ સુરત સુધી ઉડાન ભરી રહી છે, ત્યારે એર ઇન્ડિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ દિલ્હીની સવારની ફ્લાઈટ ફરી શરૂ કરવા માટેનું એલાન કર્યું છે. આ ફ્લાઈટ આગામી 27મી ઓક્ટોબરથી ઉડાન ભરશે. સવારે 6.55 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટ આવશે અને 7.35 વાગ્યે આ ફ્લાઇટ રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ રીતે રાજકોટથી દિલ્હી જવા માટે વહેલી સવારની ફ્લાઈટનો લાભ મુસાફરોને મળી શકશે.ઉલ્લેખનીય છે કે, આગામી ઓક્ટોબર 2024થી માર્ચ 2025 સુધી સ્ટાર એર એરલાઇન્સ દ્વારા રાજકોટથી અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી છે. જેમાં આ ફ્લાઇટ 16.30 વાગ્યે અમદાવાદથી રાજકોટ પહોંચશે અને આ ફ્લાઇટ 17.00 વાગ્યે રાજકોટથી વડોદરા જવા માટે રવાના થશે જે ફ્લાઈટ વડોદરાથી રાજકોટ 19.10 વાગ્યે પહોંચશે અને રાજકોટથી 19.40 વાગ્યે આ ફ્લાઈટ અમદાવાદ જવા માટે ઉડાન ભરશે. ઇન્ડિગો દ્વારા હૈદરાબાદની નવી ફ્લાઇટ 16 સપ્ટેમ્બરથી શરૂ કરવા માટે એલાન કર્યું હતું અને નવી બેંગ્લોર બેઝ સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને વડોદરા જવા માટે ફ્લેટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે.

ટ્રાફિક સમસ્યા નિવારવા ઓવરબ્રિજ બનાવાશે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવા-જવા માટે હાઇવે પર ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદભવે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.100 કરોડના ખર્ચે 1.50 કિલોમીટરનો ફ્લાય ઓવરબ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગતિ શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત પીએમઓ દ્વારા રાજકોટ જિલ્લાનાં અલગ અલગ વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં હીરાસર એરપોર્ટ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ વિચારણામાં હતો. આ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનો ડીપીઆર(ડેઈલી પ્રોગ્રેસ રિપોર્ટ) બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે. આ બ્રિજને રાજકોટથી એરપોર્ટ જતા મુસાફરો અમદાવાદ હાઈવેમાં ટ્રાફિકમાં ફસાઈ ન જાય અને સીધા જ એરપોર્ટ પર પહોંચી જાય એ રીતે જોડી દેવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.