- પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રી-કન્સ્ટ્રક્શન
- દુકાન માલિક પર તલવારથી કરાયો હતો હુમલો
સુરત ડાયમંડ નગરીના નામે પ્રખ્યાત છે અને અહીંના લોકોનો મિજાજ મોજીલો છે. પરંતુ હવે ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત આ શહેર ગુના નગરી તરફ પ્રસ્થાન કરી રહ્યું હોય તેવો ભાસ થઈ રહ્યો છે. શહેરમાં ગુનાઓની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં શૂઝની દુકાનમાં ઈસમો દ્વારા તલવારથી હુમલો કરનાર હુમલાખોરની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઇસમો દ્વારા દુકાન માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઘટના બાદ હુમલાખોર ફરાર થઇ ગયા હતા. જે આરોપીની પોલીસે ધરપકડ કરી આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સચિનમાં અમર શૂઝ નામની દુકાનના માલિક પર તલવારથી હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં દુકાન માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી દુકાન માલિક પર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે આ બનાવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો હતો.
ધરપકડ બાદ આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દુકાન માલિકના સ્વાસ્થ્ય પર પણ નજર રાખી રહી છે. શૂઝના માલિક પર તલવાર વડે હુમલો કેમ કરવામાં આવ્યો તેને લઈને કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.