- બંધારણની કલમ 224-એનો ઉપયોગ કરી હાઇકોર્ટના ન્યાયાધીશની આગેવાનીમાં ડિવિઝન બેન્ચનું ગઠન કરાશે
દેશભરની વિવિધ હાઇકોર્ટમાં જજનો ખાલી પડેલી જગ્યાઓ સહીતની અનેક બાબતોના કારણે મોટી સંખ્યામાં ક્રિમિનીલ કેસો પેન્ડિંગ છે અને સતત આ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે બંધારણની કલમ 224-એનો ઉપયોગ કરીને હાઈકોર્ટમાં એડહોક જજોની નિમણૂક કરવાનો સમય આવી ગયો છે. જેઓ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચનો ભાગ હશે અને ફોજદારી અપીલોનો નિર્ણય કરશે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ બી.આર. ગવઈ અને સૂર્યકાંતની બેન્ચે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી અપીલોની સંખ્યા નોંધપાત્ર છે અને પ્રતિ ન્યાયાધીશ કેસોની પેન્ડિંગ સંખ્યાં પણ તીવ્ર છે. હાઈકોર્ટમાં એડહોક જજોની નિમણૂક માટે માર્ગ મોકળો કરવા માટે સુપ્રીમ કોર્ટના 2021ના ચુકાદામાં ફેરફાર કરવાની જરૂર છે.
ફોજદારી કેસોમાં ઘણા દોષિતો તેમની અપીલની સુનાવણીની રાહ જોઈને જેલમાં સડતા રહે છે, તેથી સુપ્રીમ કોર્ટે અગાઉ આવા કેસોની પેન્ડિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 2021ના એડહોક જજોના આદેશમાં ફેરફારની જરૂર છે, ત્યારે એટર્ની જનરલનો અભિપ્રાય માંગ્યો હતો. વર્ષ 2000 થી 2021 દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટમાં નવી ફોજદારી અપીલ દાખલ કરવામાં આવતી હતી તેની સરખામણીમાં નિકાલના દરની તપાસ કરતી વખતે, એવું બહાર આવ્યું કે નવી અપીલનો નિર્ણય લેવામાં સરેરાશ 35 વર્ષ લાગે છે કારણ કે 21 વર્ષના સમયગાળા દરમિયાન, ફક્ત 31,000 કેસોના નિકાલ સામે 1.7 લાખ અપીલ દાખલ કરવામાં આવી હતી.
ફોજદારી અપીલના કેસોની પેન્ડન્સી તરફ ઈશારો કરતા, બેન્ચે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં લગભગ 63,000, પટના હાઈકોર્ટમાં 20,000, કર્ણાટક હાઈકોર્ટમાં 20,000 અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 21,000 કેસ પેન્ડિંગ છે. કોર્ટે કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટે એડહોક જજોની નિમણૂક કરી શકાય છે પરંતુ સ્પષ્ટતા કરી કે તેને ફક્ત ફોજદારી અપીલના કેસોનો નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવશે.
કેટલીક હાઈકોર્ટમાં પ્રતિ-જજ પેન્ડન્સી પણ ખૂબ ઊંચી છે. અમારી એવી લાગણી છે કે ડિવિઝન બેન્ચ સમક્ષ ફોજદારી અપીલો એક સિટિંગ જજ દ્વારા સિનિયર જજ અને એક એડહોક જજ દ્વારા હાથ ધરવામાં આવી શકે છે, તેવું બેન્ચે ઉમેર્યું હતું. બેન્ચે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 2021ના ચુકાદામાં ફેરફાર કરવાની જરૂર છે, જેના દ્વારા એડહોક જજોની નિમણૂક માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી અને એટર્ની જનરલ આર વેંકટરામણીનો અભિપ્રાય માંગ્યો હતો.