સાંસદ રામભાઇ મોકરિયાને હાઇકમાન્ડનું તેડું: દિલ્હીમાં ધામા

ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગરથી તેડુ, માત્ર રામભાઇ મોકરીયાને દિલ્હી બોલાવતા રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોઇ મહત્વ પૂર્ણ  જવાબદારી સોંપાય તેવી સંભાવના

આગામી 18મી જુલાઇના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ ની ચુંટણીમાં મતદાન કરવા સહિતની પ્રક્રિયાની માહિતી આપવા માટે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને આજે ગાંધીનગરમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. દરમિયાન એક માત્ર રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયાને દિલ્હીમાં તાબડતોબ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વહેલી સવારે રામભાઇ દિલ્હી પહોંચી ગયા છે. તેઓને રાષ્ટ્રપતિની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ગુજરાતના પ્રતિનિધિ તરીકે સાથે રાખવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

દેશના 16માં રાષ્ટ્રપતિની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આવતીકાલથી આરંભ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યો મતદાન કરતા હોય છે તમામ ધારાસભ્યો અને સાંસદો મતદાનમાં ઉંધુ ન મારે તે માટે તમામને માર્ગદર્શન આપવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સરકારી નિવાસ સ્થાને એક બેઠક મળશે. જેમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉ5સ્થિત રહેવાના છે. ગુજરાતમાંથી એક માત્ર રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાને ભાજપ હાઇકમાન્ડ દ્વારા તાબડતોબ દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે. આવતીકાલે રાષ્ટ્રપતિની ચુંટણી  માટે એનીએના ઉમેદવાર તરીકે દ્રોપદી મૂર્મૂ ઉમેદવારી ફોર્મ ભરે ત્યારે રામભાઇ ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપશે આ ઉપરાંત  રાષ્ટ્રપતિની ચુંટણી માટે તેઓને કોઇ વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. આજે સવારે સાંસદ રામભાઇ મોકરીયા રાજકોટથી બાય એર દિલ્હી પહોંચી ગયા છે રામભાઇ ઉપરાંત ગુજરાતથી રાજયસભાના સાંસદ નરહરીભાઇ અમીન પણ હાલ રાજધાની દિલ્હીમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.