15 વર્ષની સગીરાનું જીવનું જોખમ જોઈ લગ્નને માન્યતા આપતું હાઇકોર્ટ

બંધારણીય અધિકારો બીજા બધા કાયદાથી ઉપર છે !!

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મુસ્લિમ સમુદાયની 15 વર્ષની છોકરીના લગ્નને લઈને એક મહત્વનું અવલોકન કર્યું છે. 21 વર્ષના યુવાન અને 15 વર્ષની છોકરીએ હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના પરિવારના સભ્યો સામે રક્ષણ માગ્યું હતું. આ કેસ હાઈકોર્ટમાં સુનાવણી પર આવતા જસ્ટિસ જસજિત સિંહ બેદીની ખંડપીઠે આવો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, મુસ્લિમ કાયદા મુજબ 15 વર્ષની વયે લગ્ન કરી શકાય છે જો કે, કાયદેસરની લગ્ન કરવાની ઉંમર 18 વર્ષ છે પરંતુ કોર્ટે નોંધ્યું કે, આ યુગલને તેમના પરિવારજનોથી જીવનું જોખમ છે. તેવા સમયે કોઈ પણ કાયદા કરતા કોઈનો જીવ મહત્વનો છે ત્યારે કોર્ટે યુગલના લગ્ન માન્ય રાખી પોલીસને યુગલને રક્ષણ આપવા આદેશ આપવામાં આવ્યો છે.

મૌલિક અધિકારોને ધ્યાને રાખી હાઇકોર્ટે યુગલને રક્ષણ આપવા પોલીસને આદેશ કર્યો

અરજદાર દંપતીએ તેમના વકીલ દ્વારા દલીલ કરી હતી કે મુસ્લિમ કાયદામાં તરુણાવસ્થા અને બહુમતી એક જ હોય છે, અને એવુ પણ માનવામાં આવે છે કે, છોકરો અને છોકરી 15 વર્ષની ઉંમરે બહુમતી પ્રાપ્ત કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે, તરુણાવસ્થા પ્રાપ્ત કરી ચૂકેલો મુસ્લિમ છોકરો કે મુસ્લિમ છોકરી પોતાના મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે અને પરિવારના લોકોએ આ બાબતમાં કોઇ દખલ કરવાનો અધિકાર નથી. પોતાના જીવને જોખમ હોવાની આશંકાએ આ દંપતીએ પઠાણકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી)ને રજૂઆત કરી હતી.

અરજદાર કપલે હાઈકોર્ટમાં એવી અરજી કરી હતી કે થોડા સમય પહેલા તેઓ પ્રેમમાં પડ્યાં હતા અને ત્યાર બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 8 જુન 2022 ના રોજ તેઓ મુસ્લિમ રીત રિવાજો પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા પરંતુ ત્યારબાદથી તેમને ધમકિઓ મળી રહી છે. આ સાથે આ દંપતિએ પોલીસ સુરક્ષા પણ માંગી છે. જસ્ટિસ બેદીએ કહ્યું,”કાયદો સ્પષ્ટ છે કે મુસ્લિમ પર્સનલ લો દ્વારા આ બંનેના લગ્ન થઇ ગયા છે,આ સિવાય કોર્ટે એસએસપી પઠાનકોટને કપલની સુરક્ષા આપવાનો આદેશ આપતા કહ્યું કે, ફક્ત એજ કારણે કે છોકરીએ પોતાના પરિવારની વિરુદ્વ જઇને લગ્ન કર્યા છે, તો તેને ભારતીય સંવિધાનથી મૌલિક અધિકારોથી વંચિત ના કરી શકાય.