Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા લવજેહાદનાં કાયદાની કલમ ૩, ૪, ૫ અને ૬માં હાઈકોર્ટ દ્વારા રોક લગાવાઈ 

અબતક,ગાંધીનગર:બંધારણીય અધિકારોથી ઉપરવટ જતા લવ જેહાદના કાયદાને હાઇકોર્ટની બ્રેક લાગી છે. હાઇકોર્ટે બંધારણીય કાયદા પ્રમાણે ધર્મ સ્વતંત્રતાને પ્રાધાન્ય આપ્યું છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા લવજેહાદનાં કાયદાની કલમ ૩, ૪, ૫ અને ૬ ઉપર રોક લગાવી દેવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા લવજેહાદનાં કાયદાની કેટલીક કલમો પર હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ ૩, ૪, ૫ અને ૬માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે હાલ મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, લોભલાલચ, છળકપટ કે પછી બળજબરી વિનાના બે જુદાજુદા ધર્મની વ્યક્તિના લગ્નને લવ જેહાદના કાયદા હેઠળ ધર્માંતરણનો ગુનો ગણી શકાય નહીં.

આવા કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. આવા કિસ્સામાં બળજબરી, દબાણ કે લોભ-લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું પડશે. જે બાદમાં જ ફરિયાદ દાખલ કરી શકાશે. ધર્મ સ્વતંત્રતા ૨૦૦૩ના કાયદામાં લગ્ન બાબતે કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા અને પાછલા સત્રમાં બિલ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં આંતરધર્મિય લગ્નના કિસ્સામાં છેતરપિંડી બાબતે સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે આ કાયદામાં પાંચ વર્ષ સુધીની સજા અને બે લાખ સુધીનો દંડ, જ્યારે સગીર સાથેના ગુનામાં સાત વર્ષ સુધીની સજા અને ત્રણ લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં સાત વર્ષની જોગવાઈ કરાઇ છે.

નોંધનીય છે કે  રાજ્ય સરકારે ધર્મ પરિવર્તનના કાયદામાં કરેલા સુધારા તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. અરજી કરનારની દલીલ હતી કે નવા કાયદામાં અસ્પષ્ટ શરતો છે જે વિવાહનાં મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

વિભિન્ન ધર્મના યુવક- યુવતીના લગ્ન થવા ગુનો ન ગણી શકાય, બળજબરી કે લાલચ અપાયાનું સાબિત થાય તો ગુનો માની શકાય

હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે લોભલાલચ, છળકપટ કે પછી બળજબરી વિનાના બે જુદાજુદા ધર્મની વ્યક્તિના લગ્નને લવ જેહાદના કાયદા હેઠળ ધર્માંતરણનો ગુનો ગણી શકાય નહીં. આવા કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. આવા કિસ્સામાં બળજબરી, દબાણ કે લોભ-લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું પડશે. આમ ટૂંકમાં હાઇકોર્ટે કહ્યું હતું કે વિભિન્ન ધર્મના યુવક- યુવતીના લગ્ન થવા ગુનો ન ગણી શકાય, પણ બળજબરી કે લાલચ અપાયાનું સાબિત થાય તો ગુનો માની શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.