મોરબી દુર્ઘટનામાં હાઇકોર્ટે મેજીસ્ટ્રેટ તપાસની માંગણી કરતી PIL ફગાવી

હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી સુઓમોટોની પીઆઈએલમાં અરજદારને મદદ કરવાની મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે મોરબી સસ્પેન્શન બ્રિજ દુર્ઘટનામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મેજીસ્ટ્રેટ તપાસની માગણી કરતી પીઆઈએલ ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે અરજદારને સુઓ મોટો દાખલ કરેલી પીઆઈએલમાં કોર્ટને મદદ કરવાની મંજૂરી આપી હતી. સુરતના સંજીવ એઝવાએ મેજિસ્ટ તપાસ, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને રદ્દ કરવા અને દરેક પીડિતના પરિવારને રુપિયા 25 લાખનું વળતર આપવાની માગ કરી હતી.

ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીએ કહ્યું કે, આ મુદ્દા પર ગુણાકાર કરવો યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે, તેઓએ 31 ઓક્ટોબરે આ મુદ્દાની નોંધ લીધી હતી અને આ અરજદારે 7 ઓક્ટોબરે પીઆઈએલ દાખલ કરી હતી. બેન્ચે અરજદારના એડવોકેટ કે.આર. કોષ્ટીને કહ્યું કે, અરજદારને સોમવારે હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી સુઓ મોટો પીઆઈએલમાં કોર્ટને મદદ કરવાની મંજૂરી છે. અમે તમારી મદદ લઈશું. તે એક પીઆઈએલ છે અને તેમાં કોઈ પણ જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં કેબલ બ્રિજ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 135 પર પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં 47 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. કોઈના ઘરનો દીવો બુઝાઈ ગયો, કોઈના ઘરની લક્ષ્મી જતી રહી. એક ઘરની કહાની તો કાળજું કંપાવનારી છે. આ અકસ્માતમાં એક પરિવારના 7 લોકોના મોત થયા જેમાં 5 તો બાળકો જ હતા. જામનગરમાં રહેતા આ બાળકોના મૃતદેહને ઘરે લાવવામાં આવતાં આખું શહેર રડવા લાગ્યું હતું.

હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો હતો સ્ટેટસ રિપોર્ટ

સોમવારે આ વિષય પર સુઓ મોટો પીઆઈએલ દાખલ કરતી વખતે હાઈકોર્ટે રાજ્ય સરકારને 14 નવેમ્બરના રોજ સ્ટેટસ રિપોર્ટ સબમીટ કરવા જણાવ્યું હતું. રાજ્ય માનવ અધિકાર પંચ પાસેથી પણ રિપોર્ટ માગ્યો હતો. મહત્વનું છે કે, મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો પુલ તૂટી પડવાથી ઘટનામાં 135 જેટલાં લોકોનાં મોત થયા હતા. જે દિવસે ઝૂલતો પૂલ તૂટ્યો ત્યારે તેના પર 400થી 500 લોકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઝુલતા પુલનું સમારકામ થયા પછી તેને દિવાળી બાદ નવા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તહેવારોની રજા દરમિયાન આ પુલની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, જેમાં રવિવારે પુલ તૂટી પડવાની ઘટના બની હતી.