હાઇકોર્ટે સર્વગ્રાહી અવલોકનો કરીને શિક્ષણ ક્ષેત્રે સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો : શિક્ષણ મંત્રી

https://www.facebook.com

શિક્ષણ મંત્રી  જીતુભાઇ વાઘાણીએ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યકત કરતા વડી અદાલતના અવલોકનોને આવકાર્યા

શિક્ષણ મંત્રી  જીતુભાઇ વાઘાણીએ ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ  અરવિંદકુમારની સિનીયર બેંચે રાજ્યની પ્રાથમિક શાળાઓના બિલ્ડીંગ સહિતની ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ બાબતે જે સર્વગ્રાહી અવલોકન કરીને સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે તેને રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત ગણાવીને આવકારી છે.

રાજ્યના છોટાઉદેપૂર તાલુકાના વાગલવાડા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં મકાનના અભાવે વિદ્યાર્થીઓને ખૂલ્લામાં અભ્યાસ કરવો પડે છે તે ર0ર1ના વર્ષમાં ડિસેમ્બર માસના કેટલાંક અખબારી અહેવાલના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પ્રક્રિયા હાથ ધરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસેથી સ્થિતીનો ચિતાર માંગ્યો હતો.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની રાજ્યવ્યાપી સ્થિતીનું સંપૂર્ણ ચિત્ર એડવોકેટ જનરલ  કમલભાઇ ત્રિવેદી મારફતે ચીફ જસ્ટીસ  અરવિંદકુમાર અને વરિષ્ઠ ન્યાયમૂર્તિ  આશુતોષજીની ડિવીઝનલ બેંચ સમક્ષ રજુ કર્યુ હતું.

આ સંદર્ભમાં વડી અદાલતે રાજ્ય સરકારની સરાહના કરતાં જે અવલોકનો કર્યા છે તેની વિગતો રાજ્યના એડવોકેટ જનરલ   કમલભાઇ ત્રિવેદીએ શિક્ષણ મંત્રીને આપી હતી.

શિક્ષણ મંત્રી એ આ વિગતો આપતાં જણાવ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટીસ એ માત્ર છોટાઉદેપૂરની વાગલવાડા સ્કૂલ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની સુવિધાઓ અંગેની વિગતો પરથી જે અવલોકનો અને તારણો કાઢયા છે તે રાજ્યના શિક્ષણ વિભાગ માટે પ્રેરણારૂપ બનશે.

શિક્ષણ મંત્રી એ આ સંદર્ભમાં જણાવ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટીસ એ શાળાઓના બિલ્ડીંગ, ટોયલેટ અને સેનીટેશન સુવિધા, પાણીની વ્યવસ્થા, શિક્ષણની ગુણવત્તા, શિક્ષણ સુધારાના પગલાંઓ તેમજ સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો, શાળામાં રમતના મેદાન જેવી બધી જ બાબતોને પોતાના અવલોકનોમાં આવરી લીધી હતી.

તેમણે એમ પણ ઉમેર્યુ કે, થર્ડપાર્ટી તરીકે નિયુકત કરેલા બે યુવા એડવોકેટસનો શાળાઓની સુવિધા અંગે જે સકારાત્મક અભિપ્રાય આવ્યો તેની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે.

એટલું જ નહિ, રાજ્યભરની 3ર હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ ર લાખ જેટલા શિક્ષકોની સુવિધા માટે કેળવણી, વહિવટી માળખાકીય અને શૈક્ષણિક સ્તર બધી બાબતોનું હાઇકોર્ટે અવલોકન કરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને સરાહના કરી છે.

ગુજરાત હાઇકોર્ટના આ અવલોકનો અને સરાહનાને આવકારતા શિક્ષણ મંત્રી એ કહ્યું છે કે, મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણથી લઇને સમગ્ર શિક્ષણ ક્ષેત્રે જરૂરી ખૂટતી બધી સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે.

તેમણે ઉમેર્યુ કે, હાઇકોર્ટના આવા સકારાત્મક અવલોકનોને પરિણામે શિક્ષણ ક્ષેત્રને નવી ઉર્જા અને પ્રેરણા મળી છે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને વધુ ને વધુ ઊંચે લઇ જવા માટે સંપૂર્ણ સજ્જ અને સંકલ્પબદ્ધ છે અને રહેશે તેમ પણ શિક્ષણ મંત્રી એ ઉમેર્યુ છે.