Abtak Media Google News
સોસાયટીના 132 સભ્યો પૈકી 101 સહમત: અસહમત સભ્યોને 8 સપ્તાહમાં મકાન ખાલી કરવા આદેશ

અબતક, અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે વસ્ત્રાપુરમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની આનંદ વિહાર સોસાયટીના પુન:વિકાસ માટેનો માર્ગ મોકળો કર્યો છે અને કોલોનીના અસંમત સભ્યોને આઠ અઠવાડિયામાં તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

2018માં 101 સભ્યો સોસાયટીના પુન:વિકાસ માટે સંમત થયા બાદ 132 સભ્યો વચ્ચેનો વિવાદ ચાર વર્ષ સુધી ચાલ્યો હતો. તેઓએ 40 વર્ષ જૂની ઇમારતની જર્જરિત હાલતને જોતા રિડેવલપમેન્ટ માટે જવાનું નક્કી કર્યું હતું જે સમારકામની બહાર હતું.તેઓએ પુન:વિકાસ માટે સંમતિ પત્ર પર હસ્તાક્ષર કર્યા અને ગુજરાત હાઉસિંગ બોર્ડને પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરી હતી. બોર્ડે દરખાસ્ત સ્વીકારી અને ડેવલપરને સામેલ કર્યા. બોર્ડે રહેવાસીઓને મિલકતોનો કબજો સોંપવા અને કેટલાક સભ્યો દ્વારા બાંધવામાં આવેલી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા જણાવ્યું હતું.

અસંમત સભ્યો ઉપરાંત કેટલાક કે જેમણે પુન:વિકાસ માટે સંમતિ આપી હતી તેઓએ તેમના મકાનો ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. જે મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડએ 2019 અને 2020 માં ત્રણ નોટિસો જારી કરી હતી. જેઓ પુન:વિકાસનો આગ્રહ રાખી રહ્યા હતા તેઓએ કોર્ટનો સંપર્ક કર્યો અને રજૂઆત કરી કે 82% સભ્યો પુન:વિકાસની તરફેણમાં હતા. કેસની સુનાવણી કર્યા પછી, જસ્ટિસ સંદીપ ભટ્ટે રિડેવલપમેન્ટ માટે સોસાયટીના સભ્યોના નિર્ણયને સ્વીકાર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.