Abtak Media Google News

રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિનો હવાલો આપી મંત્રાલયે પ્રસારણ પર મુક્યો હતો પ્રતિબંધ: આવતીકાલે અદાલત કરશે નિર્ણય

 

અબતક, નવી દિલ્લી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે સુરક્ષાના કારણોસર મલયાલમ ન્યૂઝ ચેનલ ’મીડિયા વન’ના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલયે ચેનલને ’સિક્યોરિટી ક્લિયરન્સ’ આપવાનો ઇનકાર કર્યા બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે સસ્પેન્શનનો આદેશ જારી કર્યો છે પરંતુ આ પછી કેરળ હાઈકોર્ટે સરકારના આદેશ પર બે દિવસ માટે રોક લગાવી દીધી છે.  આ મામલાની આગામી સુનાવણી બુધવારે થશે.

મીડિયા વન ન્યૂઝ ચેનલના એડિટર પ્રમોદ રમને એક નિવેદનમાં જણાવ્યું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચેનલના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે.  તેમણે કહ્યું, મંત્રાલયે કહ્યું છે કે સુરક્ષાના કારણોસર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ ચેનલે હજુ સુધી તેની વિગતો મેળવવાની બાકી છે.  કેન્દ્ર સરકારે મીડિયા વન ટીવી પર પ્રતિબંધ અંગે વિગતો આપી નથી.  અમે પ્રતિબંધ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, ચેનલ દર્શકો સાથે ફરીથી કનેક્ટ થશે.  આખરે અમને ન્યાય મળશે એવી આશા સાથે અમે અસ્થાયી રૂપે પ્રસારણ સ્થગિત કરી રહ્યાં છીએ.

ચેનલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીવી ચેનલનું લાઇસન્સ સમાપ્ત થયું નથી, પરંતુ જ્યારે પ્રતિબંધ આવ્યો ત્યારે ચેનલના લાઇસન્સના નવીકરણની પ્રક્રિયા પણ ચાલુ હતી. જોકે, માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.  મંત્રાલયનું કહેવું છે કે, ચેનલને બંધ કરવાનો આદેશ એટલા માટે આવ્યો છે કારણ કે ચેનલે સિક્યોરિટી ક્લિયરન્સનું પાલન કર્યું નથી.

માહિતી અને પ્રસારણ મંત્રાલયની અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ લાઇસન્સ નીતિ મુજબ દેશમાં પ્રસારણ લાઇસન્સ મેળવવા માટે દરેક ચેનલને ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સુરક્ષા મંજૂરી મેળવવાની જરૂર છે.  સિક્યોરિટી ક્લિયરન્સ હાલની પોલિસી હેઠળ દસ વર્ષના સમયગાળા માટે માન્ય છે, ત્યારબાદ ચેનલે તેને ફરીથી મેળવવી પડશે. કેરળ હાઈકાર્ટના જજ જસ્ટિસ એન નાગરેશે આ મામલાની સુનાવણી કરતા ચેનલને તેનો પક્ષ પૂછ્યો હતો.  તેના પર મીડિયા જૂથના વકીલોએ કહ્યું કે તેમની ચેનલ કોઈપણ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ નથી.  આથી કેન્દ્ર સરકારને તેનો આદેશ તાત્કાલિક પાછો ખેંચવાનો નિર્દેશ આપવામાં આવે.  હાઈકોર્ટે સ્ટે આપ્યો છે ત્યાં સુધી આગામી સુનાવણી બુધવારે હાથ ધરાશે.

આ બીજી વખત છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મીડિયા વનનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું છે. અગાઉ માર્ચ 2020 માં, કેન્દ્રએ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1998 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઉત્તરપૂર્વ દિલ્હીમાં રમખાણોના અહેવાલ માટે ચેનલ પર 48 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.