Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ: એનઓસી વિનાની બિલ્ડિંગો મુદ્દે રાજ્ય સરકાર એક મહિનામાં નિર્ણય નહીં લે તો તોડી પાડવા અમે આદેશ કરીશું

ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીની અમલવારી અને બી.યુ. (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ નિર્દેશ કર્યો કે, કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક હાઇરાઈઝ બિલ્ડીંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય.

મ્યુનિ.એ ખાતરી આપી હતી કે, એક મહિનામાં તમામ બીયુ વગરની બહુમાળી બિલ્ડિંગોનો સરવે કરી ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. જ્યારે કોર્ટે સરકારને કહ્યું કે, બીયુ પરમિશન વગરની બહુમાળી બિલ્ડિંગોને પ્રાથમિકતા આપો. જીડીસીઆરની જોગવાઈ કરતાં વિપરીત ઇમારતો હોય તેમને બીયુ ન આપવાની ફરજ સરકાર અને મ્યુનિ.ની છે. જ્યાં સુધી બિલ્ડિંગને બીયુ ન મળે ત્યાં સુધી ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ જ ન કરો તેવા નિયમો બનાવવા જોઈએ.

મ્યુનિ.એ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, બીયુ વગરની અસંખ્ય બિલ્ડિંગો છે. ૮૦ મીટરથી વધુ મોટી હોય તેને હાઇરાઇઝ બિલ્ડિંગ ગણવામાં આવે છે. જ્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે, તમે આવા બિલ્ડરો સામે કોઈ પગલાં લીધાં છે? તમારા ઓફિસરો આવી મંજૂરી આપી દે છે તેમની સામે કોઈ પગલાં લીધાં છે? તમારા અધિકારીઓ આંખ બંધ કરીને મંજૂરી આપી દે છે? તમારે અમને જવાબ આપવો પડશે.

ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, જે બિલ્ડિંગ પાસે બીયુ નથી છતાં ચાલુ છે તેની પાછળ કોર્પોરેશનના અધિકારીઓનો મોટો ફાળો છે. ભ્રષ્ટ અધિકારીઓ બિલ્ડરો સાથેના મેળાપીપણામાં આટલી મોટી સંખ્યામાં બિલ્ડિંગો બની જાય છે. તમે રહેણાક બહુમાળી ઇમારતોને પ્રાથમિકતા આપીને કોઈ ઠોસ નિર્ણય લો. લાખો લોકોના જીવ જોખમમાં કેવી રીતે મૂકી શકાય? મ્યુનિ.એ કોર્ટ પાસે સ્પષ્ટ જવાબ અને પગલાં શું લેવાશે તે અંગે જવાબ રજૂ કરવા સમયની માગણી કરી હતી. સાથે એવી દલીલ કરી હતી કે, બીયુ પરમિશનની ઘણી લાંબી ખર્ચાળ પ્રક્રિયા છે.

હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તમારી ફરજ છે કે જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેમને ખાલી કરાવો. તમે કેમ જવાબદારીમાંથી છટકી જાવ છો? મંજૂરી કરતાં વધુ માળનું બાંધકામ થયંુ હોય તેવી રાજ્યભરમાં કેટલી ઇમારતો છે? તેના માટે તમે શું નીતિ નક્કી કરશો? લોકોની જીવનભરની મૂડી ખર્ચીને મકાન ખરીદે પછી પણ તેમના જીવનને જોખમમાં કેવી રીતે મૂકી શકાય? કોર્પોરેશને દલીલ કરી હતી કે, 2011 પછી જેટલી ઇમારતો બની તેના કરતાં વધુ માળ ક્યાંય બંધાયા હોય તેવી યાદી મ્યુનિ. પાસે નથી.

મ્યુનિ.એ એવી દલીલ કરી હતી કે, રાજ્ય સરકાર પાસે તમામ નગરપાલિકાઓની સત્તા છે, તે વધુ બહોળા અને દીર્ઘ દૃષ્ટીના નિર્ણયો લઈ શકે છે. કોર્પોરેશન સ્વાયત્ત સંસ્થા હોવાથી તેની પાસે સત્તા નિયંત્રિત છે. રાજ્ય સરકાર અને કોર્પોરેશને જવાબદારી એકબીજા પર ઢોળવા દલીલો કરી હતી.

લોકોને હેરાન કરવાનો નહીં જીવ બચાવવાનો ઉદ્દેશ

હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને લાંબા અને ટૂંકા ગાળાના આયોજન તથા ફાયર સેફ્ટીની અમલવારી બાબતે ટાઈમલાઈન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી. આ સુનાવણી હાઇકોર્ટે નિર્દેશ કર્યો કે BU ન ધરાવતી ઇમારતોને દાખલો બેસાડવા માટે તોડી પાડો. કોર્ટે આદેશ કર્યો છે કે હાઇરાઈઝ બિલ્ડીંગ કે જ્યાં બી.યુ અને ફાયર સેફ્ટીનો અમલ ન થતો હોય તેવી બિલ્ડીંગને સીલ કરી દો. કોર્ટેએ વાતનો ઉલ્લેખ કર્યો કે તેમનો ઉદ્દેશ લોકોને હેરાનગતિ થાય એવો નથી, પણ લોકોના જીવ બચાવવો મહત્વનો છે.

હાઈકોર્ટે આ દરમિયાન ભૂતકાળમાં હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટના જીવ ગુમાવનારા અને ૨૮ નવેમ્બરના રોજ અમદાવાદના સોલામાં આવેલા ગણેશ મેરેડિયનમા લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. તેની સાથે સાથે કોર્ટે એ પણ નોંધ્યું કે આગની ઘટનાઓમાં કોઈ જીવ ન ગુમાવે તે બાબતની તકેદારી રાખવાની જરૂર છે.

ગેરકાયદે ઇમારતોની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરો

આ ઉપરાંત કોર્ટે હજુ સખત કાર્યવાહી કરી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ઇમારતોની માહિતી કોર્ટ સમક્ષ મુકવા માટે પણ કહ્યું છે.

ગત સપ્ટેમ્બર માસમાં પણ જસ્ટિસ એન.વી. અંજારીયાની ખંડપીઠે મહત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું હતું કે, ફાયર સેફ્ટી વગરની અને બી.યુ. પરમિશન વિનાની તમામ ઇમારતોને સીલ કરવી જોઈએ. સાથે સાથે કોર્ટે એ પણ નોંધ કરી કે, કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. એટલે કે, કાયદાની અમલવારી જરૂરી છે. લાગણીઓ અને ભાવનાઓને ફરજ પાલનમાં ન લાવવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.