Abtak Media Google News

ઓફિસ કામના બહાને બોલાવી બે ભાઈએ બળાત્કાર કરી બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી ‘તી: ફરિયાદમાં આક્ષેપવાળા સ્થળનું દર્શાવેલા સમયે અસ્તીત્વમાં ન હતું, જેથી ફરિયાદીએ સ્ટોરી ઉભી કરી હોવાની બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય

સોની બજારમાં આવેલી ગણેશ ગોલ્ડ સોના ચાંદી વેપારી પેઢીમાં માર્કેટિંગનું કામ કરતી મહિલાને ઘેરે બોલાવી બળાત્કાર આચરી બિભત્સ ફોટા પાડી વાયરલ કરવા બ્લેકમેઇલ કરીને પેઢીના બે ભાગીદાર સગાભાઈઓ દ્વારા વારંવાર બળાત્કાર આચરવાના નોંધાયેલા ગુનામાં  અમિત મહેન્દ્રભાઈ ભીંડીની ધરપકડ સામે ગુજરાત હાઇકોર્ટે રોક લગાવી છે.

આ કેસની મુળ ફરિયાદ મુજબ  રાજકોટ સોની બજારમાં ગણેશ ગોલ્ડ સહીત વડોદરા, દુબઈ અને લંડનના શહેરોમાં સોનાના વેપાર કરતા  અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી અને અમીત મહેન્દ્રભાઈ ભીંડીનાઓએ માર્કેટિંગ માટે આપેલા સોનાના હિસાબ માટે સાધુ વાસવાણી રોડ પર આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટના ફલેટમાં બોલાવી અને તેણીએ હિસાબમાં ગોટાળો કર્યો છે. તેવો આક્ષેપ કરી ફલેટના રૂમમાં લઈ જઈ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધેલા અને તેણીના બિભત્સ ફોટાઓ પાડી લીધેલા બાદ ફરીયાદીના બિભત્સ ફોટાઓ બતાવી ત્રણ મહિના સુધી અવારનવાર  ફલેટમાં બન્ને ભાઈઓએ  શરીર સંબંધ બાંધ્યો હતો. ફરીયાદીના માસીના મકાનનું સાટાખત પણ કરાવી લીધેલું. જેથી નાછૂટકે તેણીએ લવ ટેમ્પલ પાસે આવેલ ગાર્ડનમાં ફિનાઈલ પી લીધું હતું, પોલીસ સમક્ષ સમગ્ર વર્ણન કરતા પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ  બળાત્કારની કલમો હેઠળ ગુન્હો દાખલ કરેલો હતો.

અમીત મહેન્દ્રભાઈ ભીંડી દ્વારા  હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી  એડવોકેટ તુષાર ગોકાણી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જે અરજી સુનાવણી અર્થે આવતા ફરિયાદીએ સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવી કાલ્પનીક વાર્તા દર્શાવી ખોટી ફરીયાદ ઉભી કરેલી છે. નવેમ્બર-2019થી જાન્યુઆરી-2020ના સમયગાળા દરમ્યાન પોતાની સાથે બળાત્કાર થયો હોવાની ફરીયાદ લખાવેલી છે.  ફલેટ  સને-2021માં ખરીદેલો છે.  ફરિયાદીના પતિ વિરૂધ્ધ આરોપી દ્વારા વડોદરાની અદાલતમાં 28 લાખની ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરેલી છે. જે રકમ તથા મિલકતનો દસ્તાવેજ ન કરી દેવો પડે તે કારણથી ત્રણ વર્ષ પછી ફિનાઈલ પીવાનો ઢોંગ કરી અને પોતાના વિરૂધ્ધ બળાત્કાર થયાની  ફરીયાદ આપી છે. જે સંપૂર્ણપણે વાહીયાત હોય આરોપી અમીત ભીંડીને ધરપકડ સામે રક્ષણ આપવા રજૂઆત કરી હતી.

બન્ને પક્ષકારોની રજૂઆતોના અંતે હાઈકોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે આપતો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા,નદીમ ધંધુકીયા અને અમદાવાદના નિરવ ઠકકર રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.