Abtak Media Google News

દેશમાં ૧૦ % આર્થિક પછાત અનામતનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય

અમરેલીમાં ભારત સરકારે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની પણ પરવાનગી આપી

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૦ % આર્થિક પછાત અનામત આપવાનો નિર્ણય કર્યો છે. જેનો દેશભરમાં પ્રથમ અમલ ગુજરાતે કર્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ઉચ્ચ અભ્યાસક્રમોમાં તમામ પ્રવેશ પ્રક્રિયામાં બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ૧૦ % અનામત મુજબ પ્રવેશ અપાશે. જેનાથી આ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ફાયદો થશે. અહી નોંધવું જરૂરી છે કે, ગુજરાત સરકારે અગાઉ નિર્ણય કર્યો છે તે મુજબ વાર્ષિક રૂ. ૮ લાખથી ઓછી આવક ધરાવતાં પરિવારના વિદ્યાર્થીઓ કે જે કોઇપણ જાતની અનામતનો લાભ નથી મેળવતાં તેમને આ નિર્ણયનો લાભ મળશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું હતુ કે, ચાલુ શૈક્ષણિક વર્ષથી જ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખીને જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. એટલુ જ નહી આ જોગવાઇ થી અન્ય વર્ગની અનામત બેઠકોને કોઇ અસર થશે નહી.

બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણમાં ૧૦ % અનામતનો લાભ આપવાના કારણે મેડીકલ ક્ષેત્રમાં હાલ જે ૪૩૫૦ બેઠકો છે તેમાં ૧૦ % બિન અનામત આર્થિક પછાત વર્ગની ૯૧૪ બેઠકોનો વધારો થશે, જેના કારણે રાજ્યમાં મેડીકલ ક્ષેત્રની કુલ ૫૨૬૪ બેઠકો પર પ્રવેશ અપાશે એ જ રીતે ડેન્ટલ વિભાગમાં ૨૨૦ બેઠકો વધવાને કારણે કુલ ૧૩૬૦ બેઠકો થશે. એ જ રીતે આયુર્વેદમાં ૩૩૫ બેઠકોના વધારાથી કુલ ૨૧૧૫ બેઠકો થશે. જ્યારે હોમિયોપેથીમાં ૬૩૫ નવી બેઠકો ઉમેરાતાં કુલ ૪૧૬૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આ ઉપરાંત નર્સિંગ ક્ષેત્રે પણ ૩૭૩૫ બેઠકો વધતાં ૧૯૯૭૫ બેઠકો થશે. ફિઝીયોથેરાપીમાં પણ ૯૦૦ બેઠકોના વધારાથી કુલ ૫૪૩૫ બેઠકો થશે. સાથે-સાથે અન્ય પેરામેડીકલ કોર્ષમાં ૭૦ બેઠકોનો વધારો થતાં કુલ ૩૯૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ રાજ્યમાં મેડીકલ સહિત આનુષાંગિક કોર્ષ અને પેરામેડીકલ મળી કુલ ૩૧૮૯૦ બેઠકોમાં ૬૮૦૯ બેઠકોનો વધારો થતાં કુલ ઉપલબ્ધ બેઠકો ૩૮૬૯૯ થશે.

અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી:
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતુ કે, અમરેલી ખાતે ભારત સરકારે તા.૨૮.૦૫.૨૦૧૯ ના રોજ નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની પણ પરવાનગી આપી દીધી છે જેનાથી રાજ્યમાં એક નવી મેડીકલ કોલેજ બનશે અને આ કોલેજમાં ૧૫૦ બેઠકો પર પ્રવેશ અપાશે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, રાજ્યમાં આર્થિક રીતે બિન અનામત વર્ગને ૧૦ % અનામત આપવાના કારણે હાલમાં પ્રવર્તમાન અનામત નીતિમાં કોઇ પણ ફેરફાર કરાશે નહી તેમજ બિન અનામતની ૫૧ % ધોરણે મળતી બેઠકોમાં પણ ઘટાડો કરાશે નહી. આમ કરવાથી મંજૂર થયેલ કોઇપણ કોલેજની કુલ બેઠકોમાં ૨૨ થી ૨૫ % બેઠકોનો વધારો કરાશે. જેનાથી પ્રવર્તમાન અનામતના ધોરણની બેઠકોને ઘટાડ્યા વગર ૧૦ % ની આ અનામત બેઠકો ફાળવી શકાશે. આ જોગવાઇ અનુસાર ૧૫૦ બેઠકની કોલેજમાં જો પ્રવર્તમાન અનામતનું ધોરણ પણ જળવાય અને બિન અનામત વર્ગને ૧૦ % બેઠકની ફાળવણી થાય તેવી સ્થિતિ માટે ૧૮૫ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડે જેમાં ૪૧ % બિન અનામત વર્ગની ૬૫ બેઠકો, ૧૦ % આર્થિક પછાત બિન અનામત વર્ગની ૧૫ બેઠક, ૨૭ % લેખે એસઇબીસી કેટેગરીની ૪૨ સીટ, ૧૫ % એસટી કેટેગરીની ૨૪ સીટ ઉપરાંત ૭ % એસસી કેટેગરીની ૧૧ સીટ સાથે ૧૫ % ઓલ ઇન્ડિયા ક્વોટાની ૨૮ સીટ ઉમેરતાં કુલ ૧૮૫ બેઠકો ઉપર પ્રવેશ આપવો પડશે.

નાયબ મુખ્યમંત્રીએ ઇજનેરી, ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્ષમાં પણ બિન અનામત વર્ગના ૧૦% અનામતનો અમલ કરવાથી બેઠકમાં વધારો થયાની વિગતો પણ આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ઇજનેરી ક્ષેત્રે ૧૦ % અનામતના અમલને કારણે ઉપલબ્ધ બેઠકોમાં ૩૮૬૦૭ નો વધારો થશે. ફાર્મસીના અભ્યાસક્રમમાં ૧૬૭૬ બેઠકોનો વધારો થશે તેમજ આર્કીટેક્ચર, એમબીએ, એનસીએ અને અન્ય કોર્ષની બેઠકોમાં ૪૨૪૭ બેઠકોનો વધારો થશે જેનાથી આવા પ્રોફેશનલ કોર્ષીસમાં કુલ બેઠકોમાં ૪૪૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે જેના કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ ઉચ્ચ અભ્યાસની તકોમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.