Abtak Media Google News

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે, ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે.

સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.
બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ,અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો જોડાયા છે.

રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડો. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે

આ ટાસ્ક ફોર્સના તબીબો અગાઉ પણ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને સેવાઓ આપતા રહ્યા છે. સીએમ રૂપાણીએ કોરોનાની સંભવીત ત્રીજી લહેર જો આવે તો તેની શરૂઆતથી જ ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમયબદ્ધ પ્લાનિંગ માટે આ બેઠકમાં તજજ્ઞો સહિત સૌ સાથે પરામર્શ વિમર્શ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.