ભારતમાં હિજાબ પહેરવાની સ્વતંત્રતા માટે લડાઈ તો અફઘાનિસ્તાનમાં હિજાબની મુક્તિ માટે સંઘર્ષ

અબતક, નવી દિલ્હી

ભારત બિનસાંપ્રદાયીક દેશ છે. પણ અહીં ધર્મના નામે વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરવામાં જરા પણ મોડું કરતો નથી. આવો જ એક વિવાદ હિજાબનો છે. કર્ણાટકની એક શાળામાંથી શરૂ થયેલા હિજાબ વિવાદે આજે દેશભરમાં ચર્ચાનું સ્થાન મેળવ્યું છે. ઉપરાંત આ વિવાદ અન્ય રાજ્યમાં પણ પહોંચ્યો છે. ત્યારે ભારતની અને અફઘાનિસ્તાનની સ્થિતિનું અવલોકન કરીએ તો તદ્દન ઉલ્ટી છે. ભારતમાં હિજાબ પહેરવાની સ્વતંત્રતા મેળવવા માટે લડાઈ લડવામાં આવી રહી છે. તો સામે અફઘાનિસ્તાનમાં હિજાબમાંથી મુક્તિ મેળવવા માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી હિજાબને લઈને કોઈ પ્રશ્ન ન હતો. કારણકે દરેક ધર્મને સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ આ વિવાદ ઓચિંતો ઊછળતા દેશભરમાં ચકચાર જોવા મળી છે. વાત શાળાઓ બંધ કરવા સુધી પહોંચતા આ મામલે કોર્ટે પણ ગંભીરતા દાખવી છે.

કર્ણાટકમાં હિજાબ પહેરવાની સ્વતંત્રતા મેળવવાની કાયદાકીય લડાઈ સરકારે કહ્યું, વર્ગખંડોમાં હિજાબ ઉપર પ્રતિબંધ, કેમ્પસમાં નહિ.

કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ મુદ્દે ચાલતી સુનાવણીમાં કર્ણાટક સરકારે કહ્યું છે કે, આ નિયમ સંસ્થાના નિયમો પર નિર્ભર છે. ચીફ જસ્ટિસ રીતુરાજ અવસ્થી, જસ્ટિસ જે.એમ. ખાજી અને કે.એમ. દીક્ષિતની બેન્ચ હિજાબ પર રોકના વિરોધમાં ઉડુપીની વિદ્યાર્થિનીઓની અરજીઓની સુનાવણી કરી રહી છે. આ અંગે બેન્ચે કહ્યું કે અમે આ સપ્તાહે સુનાવણી પૂરી કરવા ઈચ્છીએ છીએ. આ દરમિયાન લઘુમતી શિક્ષણ સંસ્થાઓના ફેડરેશનની અરજી પર એડવોકેટ જનરલે કહ્યું કે રાજ્ય સરકાર નોન-ગવર્નમેન્ટ ફન્ડેડ સંસ્થાઓના નિયમોમાં હસ્તક્ષેપ નથી કરતી. કર્ણાટક સરકાર વતી રજૂઆત કરતા વકીલે કહ્યું કે, હિજાબ પહેરવાનો અધિકાર બંધારણના 19(1) (એ) હેઠળ અપાયેલો છે. કોઈ હિજાબ પહેરવા ઈચ્છે છે તો સંસ્થાના નિયમો હેઠળ કોઈ રોક નથી. હિજાબનો આ પ્રતિબંધ કોલેજ કે સ્કૂલ દ્વારા માત્ર વર્ગખંડોમાં જ લગાવવામાં આવ્યો છે. કેમ્પસમાં નહિ. હાલનો મામલો શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર રોકને લગતો છે, બહાર હિજાબ પહેરવા સાથે તેને લેવાદેવા નહીં. હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા જાહેર કરવાની માંગના પરિણામ સારા નહીં હોય. તેના કારણે ફરજિયાતપણું થઈ જશે.

એવું નહીં કરનારાની સમાજમાંથી પણ હકાલપટ્ટી કરાશે. અનુચ્છેદ 19 (1)(એ)માં અભિવ્યક્તિની આઝાદીની વાત છે, જેની સાથે શરતો જોડાયેલી છે. અનુચ્છેદ 25 ધર્મમાં માનવાની અને તેના પ્રચારની સ્વતંત્રતા આપે છે.

આ અરજીઓ કરનારામાં સામેલ કેટલાક પ્રોફેસરો તરફથી હાજર વકીલ એસ. એસ. નાગાનંદે હાઈકોર્ટમાં સવાલ ઉઠાવ્યો હતો કે, હિજાબ ધાર્મિક પરંપરા છે કે સાંસ્કૃતિક? ફરજિયાત ધાર્મિક પરંપરા અને ધર્મ માટે ફરજિયાત સાંસ્કૃતિક પરંપરા જુદી જુદી છે. ઈસ્લામમાં પાંચ વાર નમાજની વાત કરાઈ છે. હું તેનું સન્માન કરું છું, પરંતુ હું સ્કૂટર પર જઉં છું અને સામે મસ્જિદ છે, ત્યાં અજાન ચાલી રહી છે, તો શું રસ્તામાં નમાજ પઢવી જોઈએ? પોલીસ રોકે તો શું હું તેને કહી શકું કે, તમે મને ધર્મનું પાલન કરતા રોકો છો. તમારું ધર્મપાલન બીજાના રસ્તામાં આવતું હોય, તો શું કરવાનું?

તાલિબાનનો ફતવો: સરકારી સંસ્થામાં કામ કરવું હોય તો હિજાબ ફરજિયાત, ભારે વિરોધ

Screenshot 5 47

મહિલાઓને તેમના ચહેરા અને શરીરને ઢાંક્યા વિના કામ પર ન જવા આદેશ, જરૂર પડ્યે ધાબળો ઓઢવાનું પણ ફરમાન

 

તાલિબાને સરકારી સંસ્થાઓમાં કામ કરતી અફઘાન મહિલાઓને તેમના ચહેરા ઢાંકવા અને જરૂર પડ્યે ધાબળાનો ઉપયોગ કરવા માટે આહ્વાન કર્યું છે.  તાલિબાને ચેતવણી આપી હતી કે અન્યથા તેઓ તેમની નોકરી ગુમાવશે.  ઓગસ્ટમાં સત્તામાં આવ્યા બાદ મહિલાઓને તમામ મોટી સરકારી સેવાઓમાંથી કાઢી મૂકવામાં આવી હતી.  તાલિબાને કહ્યું કે નવી શરતો પૂરી થયા બાદ કેટલીક મહિલાઓને પુન:સ્થાપિત કરવામાં આવશે. તાલિબાનના મૂલ્ય શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે મહિલાઓએ તેમના ચહેરા અને શરીરને

ઢાંક્યા વિના કામ પર ન જવું જોઈએ.  સરકારે ચેતવણી આપી હતી કે જે મહિલાઓ આમ નહીં કરે તેઓ તેમની નોકરી ગુમાવશે.  ’મહિલાઓ ઇચ્છે તે રીતે હિજાબ પહેરી શકે છે.  પરંતુ ડ્રેસમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ.  શરીર સંપૂર્ણપણે ઢંકાયેલું હોવું જોઈએ.  તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સાદેક અખિફ મુહાજિરે કહ્યું કે, જો તમારે ધાબળો પહેરવો જ હોય તો આમ કરો.

લોકોની કાયદેસર જરૂરિયાતો સાથે ઉદાર બનવાના વચન સાથે સત્તામાં આવેલા તાલિબાને જાહેર સ્થળોએ સંગીત અને ટીવી કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો જેમાં મહિલાઓ ભાગ લેતી હતી.  તાલિબાને અગાઉ કહ્યું હતું કે મહિલાઓ અફઘાનિસ્તાનથી એકલા લાંબા અંતરની મુસાફરી કરી શકશે નહીં.  પરિવારના પુરુષ સભ્ય વિના મહિલાને 72 કિમીથી વધુ મુસાફરી કરવાની મંજૂરી નથી.

અફઘાનિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર વાહન માલિકોએ હિજાબ ન પહેરતી મહિલાઓને લિફ્ટ આપવી જોઈએ નહીં.  ટીવી પર રિપોર્ટિંગ કરતી વખતે મહિલા પત્રકારોએ હિજાબ પહેરવો આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.