રાજવી મિલકતમાં હિન્દુ અવિભક્ત કુટુંબને અન્યાય થયો છે : રણસુરવીરસિંહ

જમીન, ઝવેરાત, દાગીના, એન્ટીક વસ્તુઓ મળીને કુલ રૂા.20 હજાર કરોડની સંપતિ ઉપર પોતાનો હક્ક હોવાનું જાહેર કરતાં રણસુરવીરસિંહ જાડેજા

 

અબતક,રાજકોટ

રાજવી પરિવારની વારસાગત મિલકત મુદ્ે રાજકોટના રાજવી પરિવારના રણસુરવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપો કર્યા હતાં ત્યારે ‘અબતક’ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના જવાબમાં રણસુરવીરસિંહએ ઘણી નવી વાતો કહી હતી.

પ્રશ્ન : શું તમને લાગે છે આપના દાદાને અન્યાય થયો છે અને જો થયો હોય તો કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

જવાબ : પ્રતિઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે તેમનાં દાદા પ્રહ્લાદસિંહ જાડેજાને અન્યાય થયો છે અને આ કૃત્યમાં અનેક સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

પ્રશ્ન : શું આટલા વર્ષ પછી તમને ન્યાય મળશે ?

જવાબ : આ પ્રશ્નના ઉત્તરમાં તેમને કહ્યું કે આ વારસાઇ મિલકતનો પ્રશ્ન ઘણા સમયથી સામે જોવા મળ્યો છે ત્યારે ન્યાય મળી રહે તે માટેના પૂરતાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.

પ્રશ્ન : શું રજવાડી મિલકતોને અવિભક્ત કુટુંબ તરીકે ગણવી જોઇએ ?

જવાબ : આ જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે જે રજવાડી મિલકતો છે તેને 100 ટકા હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે જ ગણવી જોઇએ.

પ્રશ્ન : સરકારી તંત્રએ ક્યાં કાચુ કાપ્યું ?

જવાબ : પ્રત્યુત્તરમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું કે સરકારી અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતા જે યોગ્ય ન્યાય મળવો જોઇએ તે મળ્યો નથી. સાથોસાથ એક સરકારી અધિકારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.

પ્રશ્ન : જે મિલકતો વિભાજીત થઇ ગઇ છે તેમાં ઘણા પક્ષકારો બદલાયાં છે તો હવે શું ?

જવાબ : આ પ્રશ્નના જવાબમાં રણસુરવીરસિંહએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ રજૂઆત કરવા જતાં હતા ત્યારે તેમની અરજીઓને લાંબા સમય સુધી સાંભળવામાં આવી ન હતી જેના કારણે અધિકારીઓની બદલી પણ થતી હતી જે કારણે આ વિવાદીત રાજવી મિલકતમાં અનેક પક્ષકારો બદલાયાં છે.