Abtak Media Google News

યુવાનો દેશનું ભાવિ નહીં પરંતુ વર્તમાન છે

રામ માધવ લિખિત ‘ધ હિન્દુત્વ પેરેડાઇમ’ પુસ્તકનો સ્થાનિક વિમોચન સાથે સંવાદ યોજાયો

‘દરેકને સાચા રસ્તા ઉપર ચાલવાનો વિચાર હિન્દુત્વ વિચાર છે, જે અધર્મ કરશે તેને દંડ અવશ્ય મળશે. આપણે મોટો ભાઇ બનીને દરેકને દંડો બતાવી કે ડરાવવાની જરૂર નથી પરંતુ નાનો ભાઇ બનીને ઉદારતા અને પ્રેમથી દરેકને સાથે રાખવાની જરૂર છે. આપણે નાના ભાઇપણાનો સ્વભાવ ન છોડવો જોઇએ.’ આ અંગેની મનનીય વાત રામ માધવે ‘ધ હિન્દુત્વ પેરેડાઇમ’ના સ્થાનિક વિમોચન વખતે રાજકોટમાં કરી હતી.

રામ માધવે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ પુસ્તક તો ફક્ત એક માધ્યમ છે આપણી વચ્ચે વાતચીતનું. હાલમાં આપણે ત્યાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે લગભગ 70 ટકા લોકો ગરીબી રેખા નીચે હતા, આજે આ આંક 17 ટકાએ પહોંચેલ છે. આઝાદીના સમયમાં 70 ટકા લોકો અશિક્ષિત હતા તેવા સમયે બ્રિટન દ્વારા કહેવાયેલું કે તમારી વસ્તીનો મોટોભાગ અશિક્ષિત હોય ત્યારે તમો લોકતંત્રનો અમલ કેવી રીતે કરશો ?  છતાં પણ આપણે લોકતંત્રને અમલમાં મુક્યુ.

Press Ram Madhav01 C

સંવિધાન બનતું હતું તે વખતની વાત કરીએ તો આપણા ત્યાં લોકોને લોકતંત્રની સફળતા અંગે વિદેશીઓને તો શંકા હતી પરંતુ આપણા ત્યાં પણ ઘણાને શંકા હતી. આંબેડકરે તે સમયે જાહેર સભામાં કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર સફળ થશે તેમાં મને જરાપણ શંકા નથી. આજે આપણે જોઇએ છીએ કે 75 વર્ષમાં આપણે બ્રિટનથી પણ વધારે સારી રીતે તંત્રને સફળતાથી ચલાવ્યું છે. ગાંધીજી કહેતા હતા કે લોકતંત્રમાં કમજોર વ્યક્તિને પણ એટલી તાકાત મળવી જોઇએ જેટલી તાકાતવાનને મળે છે.

તેમના મતે આ રામરાજ્યની પણ એક કલ્પના હતી. પહેલાની વાત કરીએ તો, ભારતમાં સરકારનો પ્રભાવ બહુ જ ઓછો હતો. પણ આજે બધુ જ સરકાર કેન્દ્રિત થયું છે. શું આ ભારતની વિચારધારા છે ? સમાજનું કેન્દ્ર શિક્ષણ, પોસ્ટ માસ્તર કે મંદિરનો પૂજારી હતો. આજે સમાજ જીવનનું કેન્દ્ર રાજકીય સ્તરે કાર્ય કરનાર બનેલ છે. આજે ચુંટણી જ્ઞાતિ કે ધર્મના નામે લડવામાં આવે છે. જાતિવાદ ખરાબ છે. આજે રાજનીતિમાં સારા લોકોની જરૂર છે. હિન્દુત્વ અને હિન્દુઝીમ બંને એક જ છે. શબ્દ અલગ હોય શકે પરંતુ ભાવના એક જ છે.

કોંગ્રેસે ક્યારે હિન્દુત્વની વાત કરી નથી. ગાંધીજીએ તો હંમેશા હિન્દુ મુસ્લીમ એકતાની જ વાત કરી છે. આ એક શબ્દ નથી પરંતુ એક તત્વ છે. આપણે અને વિરોધીઓએ પણ આ વાત સમજવાની જરૂર છે. હિન્દુત્વ દરેકને સરખા હક્ક આપે છે. આઝાદીની દરેકને મૌલિક ઇચ્છા હોય છે. આપણે યુવાનોને દેશનું ભાવિ કહીએ છીએ પરંતુ યુવાનો ભાવિ નહિ વર્તમાન છે. તેઓ જ્યારે સક્રિય બનશે ત્યારે જ સાચા અને સારા કાર્યો થશે. આપણે દરેકને સમાન સંસ્કાર આપવાના છે. જે અધર્મ કરે છે તેને દંડ અવશ્ય મળવો જોઇએ.

સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ‘શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિ ચાલે છે તેની એક પ્રવૃત્તિ એટલે વ્યાખ્યાન માળા. તે અંતર્ગત આજે રામ માધવ સાથે વ્યાખ્યાન માળા યોજેલ છે. બુક આઉટ-ઓફ-સ્ટોક એ જ તેમની બુકની લોકપ્રિયતા દર્શાવે છે. આ વિષય ઉપર લોકો વાંચે અને ચર્ચા કરે તે મહત્વનું છે. હિન્દુત્વની વાત કરીએ તો રામ અને કૃષ્ણ આવે છે. આપણી વચ્ચે રામ પણ છે અને માધવ પણ છે. અર્થાત તેઓ આ વિષય ઉપર વાત કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. થોડા સમય પહેલા અમારે વાત થઇ કે, રામે નોર્થથી સાઉથ અને કૃષ્ણએ ઇસ્ટથી વેસ્ટ સુધી કાર્ય ર્ક્યું અને આ બંનેને એકત્ર કરવાનું કામ વિષ્ણુએ ર્ક્યું. આ પુસ્તક બધાને એકત્ર કરવાવાળુ પુસ્તક છે.’

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર વિશ્ર્વ અત્યારે વિનાશ કે વિકાસના ત્રિભેટે ઉભું છે ? કુદરતી કે માનવ સર્જીત આફતો વચ્ચે હવે શું ? એ પ્રશ્ર્ન દરેકને સતાવે છે. આ માહોલમાં ‘ધ હિન્દુત્વ પેરેડાઇમ’ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની રહે છે. સમગ્ર વિશ્ર્વ ભારતને એક અલગ જ દૃષ્ટિથી જોવે છે અને તેમાં આશા પણ છે. આ પુસ્તકના લેખક રામ માધવજીએ રાષ્ટ્રીય સ્તરે કાર્ય ર્ક્યું છે.

આ સંવાદ-સહ-સ્થાનિક વિમોચન કાર્યક્રમમાં રામ માધવ ઉપરાંત જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર,  ડો. વલ્લભભાઇ કથીરીયા, ડો. નિતિનભાઇ પેથાણી, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, ડો. નિલાંબરીબેન દવે, જીગરભાઇ ઇનામદાર, અપૂર્વભાઇ મહેતા, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ડિરેકટરો અર્જુનભાઇ શિંગાળા, બાવનજીભાઇ મેતલિયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ કુમાર શર્મા ઉપરાંત ડો. મેહુલભાઇ રૂપાણી, રાહુલભાઇ મહેતા, કેતનભાઇ વસા, ગોપાલભાઇ માકડીયા, બળવંતભાઇ જાની, ડી. વી. મહેતા, અતુલભાઇ પંડિત, ડો. અતુલભાઇ પંડયા, ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. નિરંજનભાઇ પરીખ, જયેશભાઇ જાની, મહેશભાઇ કોટક, નયનાબેન મકવાણા, પ્રફુલભાઇ ગોસ્વામી, કિરીટભાઇ પાઠક, મહેન્દ્રભાઇ પાડલીયા, પ્રભાતભાઇ ડાંગર, બાલુભાઇ શેઠ, મુકેશભાઇ દોશી, મનીશભાઇ શેઠ, નયનભાઇ ટાંક, નિલેશભાઇ શાહ, જયંતભાઇ ધોળકીયા, ગુણુભાઇ ભટ્ટ, જહાનવીબેન લાખાણી, ભુપેન્દ્રભાઇ શાહ, જયંતભાઇ રાવલ, ત્રિલોકભાઇ ઠાકર, મનસુખભાઇ ગજેરા ઉપરાંત વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિક બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોએ રામ માધવને શાલ ઓઢાડી, ખાદીનો રૂમાલ અને પુસ્તક આપી અભિવાદન ર્ક્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને દીપ પ્રાગટયથી થયો હતો. આભાર દર્શન ડો. નિલાબંરીબેન દવેએ અને સરળ-સફળ સંચાલન નિલેશભાઇ શાહે ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.