Abtak Media Google News
હિંગોળગઢથી વિંછીયા તરફ ટ્રીપલ સવારી જતી વેળાએ કાળનો કોળ્યો બન્યા : અકસ્માત સર્જી ચાલક ફરાર

અબતક,રાજકોટ

વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપ સામે પીકઅપ વાહને બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર બે યુવાનોન મોત નીપજયા છે. જ્યારે બાઈકમાં સવાર અન્ય એક યુવાનના પગ કપાઈ જતા 108ની મદદથી પ્રથમ વિંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માત સર્જી વાનનો ચાલક પોતાનું વાન મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના બનતા રોડ પર સેવાભાવી લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

બનાવની મળતી માહિતી મુજબ વિંછીયાના જનડા ગામે રહેતો રાહુલ હરજીભાઈ બાવળીયા(ઉ.વ.20) પોતાનું બાઈક નં.GJ-03KM-7785 લઈને તેના બે મિત્રો રણજીત નવીનભાઈ ગઢાદરા(ઉ.વ.22) અને હિંગોળગઢ ગામનો વિકાસ પ્રવિણભાઈ મકવાણા(ઉ.વ.19) સાથે હિંગોળગઢથી વિંછીયા તરફ ટ્રીપલ સવારી જતા હતા ત્યારે હિંગોળગઢ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપ પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવતી પીકઅપ વાન નં.GJ-03AW-6416 ના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર ત્રણેય યુવાનો ફૂટબોલની માફક રોડ પર ફંગોળાઈ ગયા હતા.

જેમાં બાઈકમાં સવાર રણજીત નવીનભાઈ ગઢાદરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે અન્ય બે મિત્રો રાહુલ બાવળીયા અને વિકાસ મકવાણાના પગ કપાઈ ગયા હતા. આ બનાવના પગલે સેવાભાવી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી. બાદમાં ત્રણેય ઈજાગ્રસ્ત યુવાન મિત્રોને 108 ની મદદથી વિંછીયાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ એમ્બ્યુલન્સ વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે તે પૂર્વે જ રણજીત ગઢાદરા નામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત મિત્રો રાહુલ બાવળીયા અને વિકાસ મકવાણાના પગ કપાઈ જતા વિંછીયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિકાસ મકવાણાનું સારવારમાં મોત નીપજ્યું છે.આ બનાવની જાણ થતા વિંછીયા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પીટલે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર પીકઅપ વાનના ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધવા આગળની તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.