હિરાબાની તબિયતમાં સતત સુધારો: કાલે હોસ્પિટલમાંથી રજા અપાશે

આજે સવારે કરાયેલા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા: હવે 24 કલાક માટે ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા હિરાબાની તબિયત લથડતા ગઇકાલે બુધવારે તેઓને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. યોગ્ય સમયે સચોટ સારવાર મળી જવાના કારણે હિરાબાની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે. આજે સવારે કરવામાં આવતા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. દરમિયાન હિરાબાના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હોસ્પિટલ ખાતે ગયા હતા. ર4 કલાક ઓબ્ઝર્વેશન  હેઠળ રાખી આવતીકાલે તેઓને વિદાય આપવામાં આવશે.

ગઇકાલે બપોરે હિરાબાની તબિયત અચાનક લથડતા તેઓને તાત્કાલીક અસરથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ માતા હિરાબાની તબિયત જાણવા માટે દિલ્હીથી અમદાવાદ દોડી આવ્યા હતા. અને દોઢ કલાક સુધી રોકાણ કર્યુ હતું. હિરાબાની ઉમર હાલ 101 વર્ષની છે. ઉમરના કારણે શારીરિક તકલીફ ઉભી થવાના કારણે તેઓની તબિયત લથડી હતી. જેના કારણે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓની તબિયતમાં સતત સુધારો  થઇ રહ્યો છે. આજે સવારે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. સી.એમ. ભુપેન્દ્રભાઇ પટેલ ખબર અંતર પૂછવા સવારે હોસ્પિટલે પહોચ્યા હતા. હવે આગામી ર4 કલાક માટે તેઓને ઓબ્ઝવેશન હેઠળ રાખવામાં આવશે આવતીકાલે રજા આપી દેવામાં આવશે.

હિરાબાના સ્વાસ્થ્ય માટે ર્માં ઉમિયાની મહાઆરતી

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે માતૃશ્રી હિરાબાના સારા સ્વાસ્થ્ય અને ઝ઼ડપથી સ્વાસ્થ્ય સુધારાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ-જાસપુર, અમદાવાદ ખાતે જગત જનની મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. હિરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ   આર.પી. પટેલ, ઉપપ્રમુખ  ડિ. એન.ગોલ, ખજાનચી   કાંતિભાઈ રામ સહિત વિશ્વ ઉમિયા ધામના મહિલા એવમ મુખ્ય સંગઠનના અમદાવાદ શહેરના હોદ્દેદારો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.