ડેટા સેન્ટરની વહેતી ગંગામાં હાથ ધોવા હીરાનંદાની ગ્રુપ પણ મેદાને

આગામી ત્રણ વર્ષમાં ડેટા સેન્ટર અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રૂ.૮૫૦૦નું રોકાણ કરાશે

આર્થિક સામાજિક કે આરોગ્યને લગતા ડેટા એકઠા કરવા અને તેમનો યોગ્ય ઉપયોગ કરવા માટે ડેટા સેન્ટરની મોટી આવશ્યકતા રહે છે. મસમોટી ડિજિટલ કંપનીઓ દ્વારા ડેટા સ્ટોર કરવામાં આવે છે. આ ડેટા સ્ટોર કરવા માટે અત્યાધુનિક સામાન અને મોટી જગ્યાની જરૂર હોય છે. અત્યાર સુધી ફેસબુક, ગૂગલ અને ટિકટોક જેવી કંપનીઓ ડેટાની સુરક્ષા બાબતે ભારત તરફ ગંભીર નહોતી, આવા આક્ષેપ અનેક વખત થયા છે. ત્યારે ભારતમાં જ ડેટા રહે તે હેતુથી તબક્કાવાર દેશના વિવિધ સ્થળે ડેટા સેન્ટર ઉપર થવા લાગ્યા છે જે ભવિષ્યમાં મસમોટો ફાયદો કરાવે તેવી ધારણા છે જેથી ડેટા સેન્ટરની વહેતી ગંગામાં હીરાનંદાની ગ્રુપ પણ હાથ ધોવા તૈયાર થયું છે.

દેશની અગ્રણી રિયલ્ટી કંપનીઓમાંની એક હિરાનંદાની જૂથ આગામી ત્રણ વર્ષમાં વિવિધ શહેરોમાં ડેટા સેન્ટરો અને ઔદ્યોગિક ઉદ્યાનો વિકસાવવા માટે આશરે રૂ.૮,૫૦૦ કરોડનું રોકાણ કરશે. ડેટા સેન્ટર ઉભા કરવા બાબતે ભવિષ્યમાં ખૂબ ઉજ્જવળ તકો રહેલી છે  આજના જમાનામાં ડેટાને કિંગ ગણવામાં આવે છે. માટે ટોચની રિઅલ્ટી કંપની પણ ડેટા સેન્ટર કરવામાં રસ દાખવી રહી છે.  આ ક્ષેત્રમાં તેજ વૃદ્ધિની સંભાવના છે.

એક મુલાકાતમાં મુંબઇ સ્થિત હિરાનંદાની જૂથના સ્થાપક અને અધ્યક્ષ નિરંજન હિરાનંદાનીએ હતું કે, કોવિડ -૧૯ મહામારી ધ્યાનમાં રાખીને લોકડાઉન થવાને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન વેચાણ પર થયેલી ગંભીર અસર બાદ સ્થાવર મિલકત બજારમાં ઘણો સુધારો થયો છે.

ગયા વર્ષના નવેમ્બર મહિનાની તુલનામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં મકાનોનું વેચાણ સરેરાશ શહેરોમાં ૨૦ ટકા વધ્યું હતું. હીરાનંદાનીને અપેક્ષા છે કે ગયા વર્ષના તુલનામાં ૨૦૨૦ કેલેન્ડર વર્ષ દરમિયાન એકંદરે વેચાણમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો થશે.કોરોના મહામારીમાં રાહત આપતા એકમાત્ર સમાચાર એ છે કે રસી માટે તૈયારીઓ ચાલી રહી છે જેના પરિણામે અર્થતંત્ર પણ ઝડપથી દોડતુ થશે. આવતા વર્ષના માર્ચ સુધીમાં સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પુન .સ્થાપિત થશે તેવું તેમણે ઉમેર્યું હતું. ડેટા સેન્ટર અંગે તેમણે કહ્યું હતું કે, “અમે નવી મુંબઈમાં એશિયાના સૌથી મોટા ડેટા સેન્ટરની સ્થાપના કરી છે. હવે અમે ગ્રેટર નોઇડામાં બીજો ડેટા સેન્ટર અને ચેન્નઈ નજીક ત્રીજો ડેટા સેન્ટર બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ.”

ગયા વર્ષે હિરાનંદાની ગ્રૂપે ડેટા સ્ટોરેજ ક્ષમતાની વધતી માંગને ધ્યાનમાં લઈને તેના નવા વ્યવસાય સાહસ યોટ્ટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેટા સેન્ટર પાર્ક્સના વિકાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. ડેટા સેન્ટર નજીકના ભવિષ્યમાં ખૂબ મોટો બિઝનેસ બની જશે. વિશ્વની ટોચની કંપનીઓ આ ક્ષેત્રોમાં મસમોટું મૂડીરોકાણ કરી રહી છે. મહારાષ્ટ્રના તલેગાંવ અને નાસિક ખાતે અને ચેન્નાઇ નજીક ઓરાગડમ ખાતેના બે ઉદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે.