ભારતમાં સંદેશા વ્યવહારનો ઐતિહાસિક વારસો: ભારતની ટપાલ સેવાનું નેટવર્ક એ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક

૧૭૨૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કોલકતામાં સૌ પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના કરાઇ

૧૨૯૬માં ઘોડેશ્ર્વાર ટપાલથી શરૂ થયેલ સેવા આજે ઇન્ટરનેટ માઘ્યમથી ટોચે પહોંચી છે

ભારતમાં સમ્રાટ ચંદ્રગુપ્તના  શાસનકાળથી સંદેશાના આદાન-પ્રદાન માટેની શરૂઆત થઈ હતી. તે સમયે  પાડોશી રાજ્યના રાજા સાથે  મહત્વના દસ્તાવેજો મોકલવા તેમજ લાવવાની કામગીરી  ખાસ માણસો દ્વારા થતી હતી. સંદેશા વ્યવહારના આરંભકાળમાં તો કબુતર દ્વારા પત્ર સંદેશા મોકલવામાં આવતા હતા. પઠાણ રાજા અલાઉદ્દીન ખીલજીના સરદાર  જીયાઉદ્દીન  બરાનીએ  વ્યવસ્થિત ટપાલ વ્યવસ્થા ગોઠવી હતી  હલકારા નામે ઓળખાતા ઘોડેસવાર ટપાલીઓ ૧૨૯૬માં ટપાલો લઈ જવા લાવતા હતા.  ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરનાર બાબર  પોતાની રાજધાની આગરાથી કાબુલ સુધી  ઘોડે સવારો દોડાવીને કાગળો મોકલતો હતો. ૧૭૨૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકત્તામાં સૌ પ્રથમ પોસ્ટ ઓફિસ સ્થાપી હતી. ૧૭૬૬માં સૌપ્રથમ લોર્ડ ક્લાઇવ દ્વારા ભારતમાં ટપાલ વિતરણ ની પદ્ધતિની શરૂઆત થઈ હતી ત્યારબાદ ૧૭૭૪માં વોરન હેસ્ટિંગ્સ તેને કાયદાકીય સ્વરૂપ આપી વધુ વ્યવસ્થિત બનાવ્યું.  પહેલી જૂને ૧૭૮૬ માં મદ્રાસમાં ફોર્ટ જ્યોર્જ સ્ક્વેર બીચ પાસે જનરલ પોસ્ટ ઓફિસ શરૂ થઈ. આઝાદી પહેલાનું  કાઠિયાવાડ સૌરાષ્ટ્ર જુનાગઢ જિલ્લો  ત્યાંથી  ૧૮૬૪ માં એક આના ટિકિટ બહાર પાડનાર પ્રથમ રાજ્ય બન્યું. તેની ઉપર ’સૌરાષ્ટ્ર પોસ્ટ ૧૮૬૪- ૬૫’ એવું લખાણ હતું. આઝાદ ભારતની પ્રથમ ટિકિટ સાડા ત્રણ આના તારીખ ૨૧ નવેમ્બર ૧૯૪૭ બહાર પડી જેની ઉપર જય હિન્દ લખેલું હતું. પ્રથમ જુલાઈ ૧૮૭૯ માં તાર અને ટપાલ ખાતાએ પ્રથમ પોસ્ટ કાર્ડ બહાર પાડ્યું હતું.ભારતમાં ટપાલ સેવા શરૂ થઈ ત્યારે તે માત્ર સરકારી કામકાજ માટે વાપરવામાં આવતી હતી ૧૮૩૭ બાદ આ સેવા જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી. ૧૮૫૪માં ભારતીય પોસ્ટ ઓફિસની પદ્ધતિસરની શરૂઆત થઈ. ભારતની ટપાલ સેવાનું નેટવર્ક એ વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. ૧૯૯૫ માં રજીસ્ટર ટપાલો નું કમ્પ્યુટર દ્વારા વર્ગીકરણ કરવાનું શરૂ થયું. ટપાલ દ્વારા નાણાં મોકલવાની સેવાની શરૂઆત ૧૮૮૦માં થઈ. ભારત અન્ય ૨૦૦થી વધુ દેશો સાથે ટપાલોનું આદાન પ્રદાન કરે છે. ૧૯૨૯માં એરમેઈલ ટિકિટ બહાર પાડનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ હતો. ભારતમાં સૌપ્રથમ ૧૮૫૧માં કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે ટેલિગ્રાફ લાઇનની શરૂઆત થઈ.  મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ ) પેલી એપ્રિલ ૧૯૮૬ માં અમલમાં આવ્યું. જુલાઈ ૧૯૪૮માં બેંગ્લોર ખાતે ઇન્ડિયન ટેલીફોન ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થઇ. જાન્યુઆરી ૧૯૫૦માં તેને એક જાહેર ક્ષેત્રમાં ફેરવી નાખવામાં આવ્યું. ૧૯૯૪થી ભારત દેશમાં ઉપગ્રહ દ્વારા મનીઓર્ડર મોકલવાની વ્યવસ્થા શરૂ થઈ. મદ્રાસ રેલવેના એજન્ટોએ સૌપ્રથમ ૧૮૭૯ માં રેલવેની મુસાફરી દરમિયાન ટેલિફોનનો ઉપયોગ શરૂ કર્યો હતો. ૧૯૪૦માં  ધુરાવીનગર અને બેંગ્લોરમાં ઈન્ડિયન ટેલીકોમ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થયા બાદ ટેલિફોનની સર્વિસ તેમજ રીપેરીંગ કરવાની વ્યવસ્થા શરૂ થઈ હતી. ૧૯૯૫માં ભારતના બજારમાં મોબાઇલ  સેવાની શરૂઆત થઈ. ૨૦૨૦ માં ભારતમાં કોરોના મહામારીના પગલે ઓનલાઇન શિક્ષણનો વિકાસ થયો હતો.